Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મ.ન.પા.ના મોટા પ્રોજેકટો-વિકાસ કામોનાં સ્થળે ખર્ચ સહિતની વિગતોનાં બોર્ડ મુકાવો

વહીવટમાં પારદર્શીતા લાવવા દરેક કામોની સાઇટ પર કામનો કુલ ખર્ચ, કોન્ટ્રાકટરનું નામ, અધિકારીની જવાબદારી સહિતની વિગતોવાળા બોર્ડ મુકાવો : આમ આદમી પાર્ટીના શિવલાલ બારસિયાની મેયરને રજુઆત

રાજકોટ,તા. ૧૭ :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતાં બ્રીજ સહિતના મોટા પ્રોજેકટો ઉપરાંત અન્ય નાના-મોટા વિકાસ કામોની સાઇટ પર કામનો ખર્ચ, કોન્ટ્રાકટરનું નામ વગેરે સહિતનાં વિગતો જાહેર કરતાં બોર્ડ લગાવી પારદર્શિક વહીવટનો અહેસાસ પ્રજાને કરાવવા આમ આદમી પાર્ટીના શીવલાલ બારસિયાએ મેયરશ્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે સ્ટેન્ડિંગ કમિંટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની જાગૃતતા દ્વારા હાલમાં જે રેસકોર્ષ ગાર્ડનમાં ચાલતા કામમાં જે ગેરરીતી થતી તે ચેરમેનશ્રીના ધ્યાને આવતા તેને રોકી જરૂરી કાર્યવાહી કરવા બદલ આપ સૌને ખુબ ખુબ અભિનંદન.

કામગીરીની દેખરેખ કયા અધિકારીની જવાબદારી નીચે આવે તેમજ તે અધિકારીની કામગીરીમાં શું જવાબદારી આવે તેમજ તેના દ્વારા ક્યા -ક્યા પગલા લેવામાં આવે છે તે જણાવશો જેથી આમ જનતાને માહિતી મળી શકે અને તમામ વહિવટ પારદર્શક રીતે થઇ શકે.

વિશેષમાં આપને જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના ઠરાવ  મુજબ હાલમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા જેટલા પણ વિકાસ કાર્યોચાલી રહ્યા છે તે તમામ સ્થળો પર જાહેર જનતા જોઇ અને વાંચી શકે

તેવા સ્થાને દરેક કામગીરીની માહીતી જેમૅ કે પ્રોજેકટનું માન્ય ખર્ચ, કેટલા સમયમાં કામગીરી પુર્ણ કરવામાં આવશે. અને કોન્ટ્રાકટરનું નામ , કંપનીનું નામ, ફોન નંબર તેમજ કામગીરી ઉપર દેખરેખ રાખતા અધિકારીનું નામ, હોદ્દો, મોબાઇલ નંબર સાથેનું એક બોર્ડ લગાવવામાં આવે તેમજ કામગીરીની દેખરેખ કયા અધિકારીની જવાબદારી નીચે આવે તેમજ તે અધિકારીની કામગીરીમાં શું જવાબદારી આવે તેમજ તેના દ્વારા ક્યા -ક્યા પગલા લેવામાં આવે છે તે જણાવશો જેથી આમ જનતાને માહિતી મળી શકે અને તમામ વહિવટ પારદર્શક રીતે તેમજ તેની સમય મર્યાદામાં પુરો થઇ શકે. આવી તમામ માહીતી આપતા બોર્ડ રા,મ્યુ.કોર્પો. દ્વારા ચાલતા દરેક વિકાસ કાર્યોના સ્થળ પર રાખવામાં આવે તેવી માંગણી છે.

(4:09 pm IST)