Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજકોટમાં ર૧૦૦ મકાનો ભયગ્રસ્તઃ ચોમાસામાં જોખમઃ મ.ન.પા.એ નોટીસો ફટકારી

ન્યુ રાજકોટમાં ૭૯પ-મધ્ય અને જુના રાજકોટમાં પ૮૬ ત્થા સામાકાંઠે ૮૦૦ મળી કુલ ર૧૮૩ મકાનો જર્જરીત હોઇ તમામને નોટીસો ફટકારાઇઃ મકાન ધણીઓ સ્થળાંતર નહી કરાવે અથવા મકાન રીપેર નહી કરાવે તો મ.ન.પા. પગલા લેશેઃ મેયર પ્રદિપ ડવની જાહેરાત

રાજકોટ તા. ૧૭ : શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં કુલ ર૧૮૩ જેટલા મકાનો ભયગ્રસ્ત હોઇ આવા મકાનોમાં રહેતાં લોકોને ચોમાસા પહેલા મકાન રિપેરીંગ કરાવી લેવા અથવા મકાનમાંથી અન્યત્ર સ્થળાંતર થઇ જવા નોટીસો ફટકાર્યાનું મેયર પ્રદીપ ડવે જાહેર કર્યુ હતું.

આ અંગે મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે દર વર્ષ ચોમાસામાં કે વાવાઝોડાની સ્થિતીમાં જુના અને જર્જરીત મકાનો પડી જવાની ફરીયાદો ઉઠે છે. ત્યારે આ વર્ષે મ.ન.પા.નાં તંત્ર વાહકોએ આગમચેતી રૂપે આવા જર્જરીત મકાનોનો સર્વે કરી અત્યાર સુધીમાં ર૧૮૩ જર્જરીત મકાન ધારકોને નોટીસો ફટકારી મકાન રીપેર અથવા મકાનમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા નોટીસો ફટકારી છે.

મેયરશ્રીએ ઝોન વાઇઝ જર્જરીત આંકડાઓ જાહેર કરતાં જણાવેલ કે સેન્ટ્રલ ઝોનમાં ચૌધરી હાઇસ્કુલ વિસ્તારમાં પાંચ મકાનો, સ્લમ કવાર્ટર, બેડીનાકા, મોચી બજાર, વગેરે વિસ્તારમાં સૌથી વધી ર૯૧ મકાનો જુના રાજકોટમાં જામનગરનો ઉતારો, લાંબેલ ગાંઠીયા વાળી શેરીમાં, વગેરે વિસ્તારોમાં ૧૦૧ લક્ષ્મીવાડી, હાથીખાના વગેરે વિસ્તારોમાં ૧૪ અને આનંદનગર હાઉસીંગ બોર્ડનાં ૧૬૮ કવાર્ટરો મળી સેન્ટ્રલ ઝોનમાં કુલ પ૮૬ જર્જરીત મકાનોને નોટીસો અપાઇ છે.

જયારે વેસ્ટ ઝોનમાં શહીદ ભગતસિંહ બગીચા પાસેનાં હાઉસીંગ બોર્ડનાં ૭૯પ મકાનો અને સામાકાંઠે દૂધની ડેરી પાસે ૮૦ર હાઉસીંગ બોર્ડ કવાર્ટરો આમ ઉકત ત્રણેય ઝોનનાં મળી કુલ ર૧૮૩ જર્જરીત મકાનોને નોટીસો અપાઇ છે.

આ તકે મેયરશ્રીએ ચેતવણી પણ ઉચ્ચારી હતી. જે કોઇને જર્જરીત મકાનોની નોટીસો મળી છે તેઓએ મકાનો રીપેર નહી કરાવ્યા હોય અથવા સ્થળાંતર કરી સ્વૈચ્છીક ડીમોલીશન તેવા મકાન ધારકો સામે મ.ન.પા. સુરક્ષાનાં ભાગરૂપે આવા મકાનોનું ડીમોલીશન કરવા સુધીનાં પગલા લેશે.

(4:07 pm IST)