Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોઠારીયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં આજીડેમ પોલીસે ૬ શખ્સોને દબોચ્યાઃ રિમાન્ડ પર

રણુજા મંદિર પાસે રહેતાં દિપક પરમાર, કોઠારીયા સોલવન્ટના બિપીન પરમાર, વચ્છરાજનગરના રાવત ભેડા, અંબાજી કડવા પ્લોટના હિતેષ ગોહેલ, ખોડિયારનગરના જીજ્ઞેશ કુનડા અને આસોપાલવ સોસાયટીના ભરત ગાજીપરાને પકડી લેવાયા : જીજ્ઞેશ કુનડા સાથે સુત્રધાર તરીકે જોરૂ અને રણજીતના પણ નામ ખુલ્યાઃ બિપીન અને રાવતના નામના ૧૯૯૬-૯૬ના બોગસ શેર સર્ટી ઉભા કરાયા, તેના આધારે ૨૦૧૭માં દિપકને ચુકતે અવેજ કરી અપાયોઃ એ પછી રાવતે હિતેષને બે પ્લોટ અને દિપકે પાંચ પ્લોટ જીજ્ઞેશ સહિતને વેંચ્યા!: ભરત ગાજીપરાએ ચાર પ્લોટની ફાઇલો પોતાના નામે કરાવી'તી

રાજકોટ તા. ૧૭: કોઠારીયાના સર્વે નં. ૩૫૨ની સરકારી જમીન પૈકી આશરે ૬૦૦૦ ચોરસી મીટરમાં કુલ ૧૮ શેડ અને ૨ ઓરડી તથા ૨ વરંડા ઉભા કરી દબાણ કરી એઆઇએમએસ પાર્ક (સુચિત)ના નામે બોગસ દસ્તાવેજો બનાવી કિંમતી જમીન હડપ કરી જવાના કૌભાંડમાં ગુનો જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના નવા કાયદા હેઠળ ગુનો નોંધાયા બાદ આજીડેમ પોલીસે એક સુત્રધાર સહિત ૬ શખ્સોને દબોચી લીધા છે. અન્ય બે શખ્સોના પણ સુત્રધાર તરીકે નામ સામે આવ્યા છે. આ છએયના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

તાલુકા મામલતદારશ્રીએ તા. ૧૦/૬ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે એલ. કે. રાઠોડ, પી. કે. પટેલ, મનુ આતા તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદાની કલમ ૪ (૧), ૪ (૨), ૫ (સી) તેમજ આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડે આ ગુનામાં ત્વરીત તપાસ કરી આરોપીઓને શોધી કાઢવા સુચના આપતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. ચાવડા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ ટીમ બનાવી ૬ આરોપીઓ દિપક બાબુભાઇ પરમાર (ઉ.૨૮-ધંધો કડીયા કામ, રહે. કોઠારીયા રોડ રણુજા મંદિર સામે વછરાજનગર-૧), બિપીન દેવજીભાઇ પરમાર (ઉ.૬૬-ધંધો નિવૃત, રહે. હરિદ્વાર સોસાયટી-૧, શેરી નં. ૩ કોઠારીયા રોડ), રાવત રામભાઇ ભેડા (ઉ.૫૦-છુટક મજુરી, રહે. કોઠારીયા રોડ રણુજા મંદિર સામે વછરાજનગર-૧), હિતેષ પ્રેમસિંહ ગોહેલ (ઉ.૫૨-મજૂરી કામ, રહે. અંબાજી કડવા પ્લોટ-૨, નિજાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫૦૨), જીજ્ઞેશ ઉર્ફ જીગો ધીરૂભાઇ કુનડા (ઉ.૨૮-રહે. ખોડિયારનગર-૩, ગોંડલ રોડ જકાતનાકા પાછળ) તથા ભરત જાદવભાઇ ગાજીપરા (ઉ.૪૩-સેન્ટીંગ કામ, રહે. આસોપાલી સોસાયટી-૪, રોલેક્ષ રોડ કોઠારીયા રોડ)ની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા મુજબ દિપક પરમાર વિરૂધ્ધ અગાઉ રાજકોટ તાલુકા પોલીસમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. આ તમામ આરોપીઓએ ભેગા મળી કોઠારીયા સર્વે નં. ૩૫૨ની સરકારી જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજો ઉભા કરી સુચિત સોસાયટી ઉભી કરી શેડ, ઓરડીઓ અને વંડા બાંધી લીધા હતાં.

પોલીસની તપાસમાં આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર જીજ્ઞેશ કુનડા તથા કોઠારીયા રોડના જોરૂ બસીયા તથા રણજીતના નામ સામે આવ્યા છે. જે પૈકી જીજ્ઞેશ ઝડપાઇ ગયો છે. અન્ય બે ફરાર છે. આ બધાએ મળી બિપીન પરમાર અને રાવત ભેડાના નામના ૧૯૯૫-૯૬ના ખોટા શેર સર્ટી ઉભા કરી તેના આધારે ૨૦૧૭માં દિપક બાબુના નામે ચુકતે અવેજ દસ્તાવેજ ઉભો કરી લીધો હતો. એ પછી રાવતે હિતેષને બે પ્લોટ અને દિપકે પાંચ પ્લોટ જીજ્ઞેશ સહિતને વેંચ્યા હતાં અને આ રીતે કૌભાંડ આચર્યુ હતું. ભરત ગાજીપરાએ આઠ શેડનું બાંધકામ કરી લીધું હતું અને ચાર પ્લોટની ફાઇલો પણ પોતાના નામે કરાવી લીધી હતી. બાજુના પ્લોટના ખોટા સર્વે નંબરને આધારે ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન પચાવી પાડી હતી. બીજા શખ્સો પકડાયા બાદ વધુ વિગતો ખુલશે.

ઝડપાયેલા છએય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર થતા પીઆઇ વી. જે. ચાવડા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ સહિતની ટીમો વધુ તપાસ કરે છે.

(3:08 pm IST)