Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લોહાણા મહાપરીષદ મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ દ્વારા 'પૌષ્ટિક રસોડુ' વર્કશોપ સંપન્ન

સતત સાત દિવસ સુધી અવનવી વાનગીઓ ઓનલાઇન શીખવવામાં આવીઃ દરરોજ સેંકડો રઘુવંશી બહેનો જોડાયાઃ અંતિમ દિવસે ધાર્મિક અંતાક્ષરીનું આયોજન થયુ

રાજકોટ તા. ૧૭ :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ (રાજકોટ, રાજકોટ જીલ્લો, મોરબી, સુરેન્દ્રનગર) દ્વારા અવનવી વાનગીઓ, ઓનલાઇન શીખવતો 'પૌષ્ટિક રસોડુ' વર્કશોપ સંપન્ન થયો હતો. સતત સાત દિવસ ચાલેલા આ વર્કશોપમાં સમગ્ર દેશમાંથી દરરોજ સેંકડો રઘુવંશી બહેનો જોડાયા હતાં. તથા અંતિમ દિવસે તમામ બહેનો માટે ધાર્મિક અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૌરાષ્ટ્ર ઝોન-૧ ના મહિલા સમિતિના ઝોનલ પ્રેસીડેન્ટ રંજનબેન પોપટે અકિલાને જણાવ્યું હતું. વર્કશોપમાં નિષ્ણાંત તરીકે ડો. હરીતાબેન તુષારભાઇ ચોલેરાએ પોતાની સેવાઓ આપી હતી.

ઉદ્ઘાટનવિધીના પ્રારંભે પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના નૃત્યકલાના માધ્મમે કુ. જીયા પરિમલભાઇ કોટેચા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ પ્રારંભવિધીમાં શ્રી લોહાણા મહાપરીષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન એસ. વિઠલાણી દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. રશ્મિબેને પ્રગટાવેલી જયોતમાંથી જ્ઞાતિહિતની જયોત જોડાયેલા તમામ બહેનોએ લીધી હતી. એ માટે દરેકે પોતપોતાનાં ઘેર જયોતિ પ્રજવલિત કરી અને 'જયોત સે જયોત' પ્રગટાવી એ અગ્નિની સાક્ષીએ સૌએ રઘુવંશી ધ્વજ ગીતનું ગાન કર્યુ હતું.

શ્રીમતી રશ્મિબેને પ્રાસંગિક ઉદ્બોધનમાં બહેનોને રસોડાની રાણી કહી રસોડાનાં વ્યંજનોનું પ્રાથમિક મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સૌને પર્યાવરણ બચાવવાનો શુભ સંદેશ પણ તેઓએ આપેલ હતો. શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી ઉદ્્ઘાટનવિધીમાં આશીર્વચન આપવા જોડાયા હતાં. શ્રી સતિષભાઇએ મહિલા વિંગનાં આ આયોજનને બિરદાવી પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો. આ ઉપરાંત વધુને વધુ બહેનો રઘુવંશી કાર્યોમાં રસ લે એવી અપીલ કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સૌરાષ્ટ્ર ઝોનનો ઝોનલ સેક્રેેટરી ડો. ભાવના જી. શિંગાળાએ કર્યુ હતું.

વર્કશોપનાં પ્રથમ દિવસે ચણાનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ અને ચણાની દાળની અવનવી  વાનગીઓ શીખવવામાં આવી હતી, બીજા દિવસે રાજગરાની વાનગી અને તેનું મહત્વ તેમજ ત્રીજા દિવસે દૂધની વાનગી સાથે દૂધી ખાવાના ફાયદાઓ પ્રસ્તુત કરાયા હતાં. રોજ અવનવી વાનગીઓ અને આરોગ્ય વધારવા આ બધી સામગ્રીનો ઉપયોગ રજૂ થયો હતો.

આ માટે સતત પ્રેરણા આપી સૌને જોડવા ઝોનલ કમીટી સભ્યો વિધીબેન જટાણીયા તેમજ જયશ્રીબેન સેજપાલ અને દર્શનાબેન પૂજારાએ જહેમત ઉઠાવેલી હતી.

વર્કશોપમાં ચ્ચવનપ્રાસ અને ખખાશના લાડુ તો મગના ચીલા અને ડ્રાયફુટમાંથી શીખવાયેલ એનર્જીબાર વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

આ વર્કશોપને સમાપન સમારોહમાં શાસ્ત્રીય નૃત્યોનાં સહારે મનોરંજન પીરસાયુ હતું.આ નૃત્યમાં કુ. યશ્વી સેદાણી, કુ. પલક જીવરાજાની તેમજ નરવરી નૃત્યમાલાનાં કલાકારોએ પોતાની કલા દર્શાવી હતી. આ અંતિમ સમારોહમાં ધાર્મિક અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાયેલા તમામ બહેનોએ ભજન-પ્રાર્થના - થાળ - કિર્તન-ગરબા વગેરે ગાઇને બધાને ભકિત રસમાં ડૂબાડયા હતાં.

આ કાર્યક્રમમાં ૩૦૦ થી ૩પ૦ બહેનોએ જોડાયને પોતાના ઘેર પણ પૌષ્ટિક વાનગીઓનાં પ્રયોગો કર્યા હતાં. સમગ્ર વિશ્વમાંથી જોડાયેલ બહેનોમાં દૂબઇથી ગવાયેલા મુખડાનો જવાબ આપવા નાગપુરથી અંતરો ગવાયો જયારે મુંબઇથી રજૂ થયેલ રશ્મિબેનનાં મુખડાનો જવાબ વિદર્ભનાં બહેનોએ અંતરો ગાઇને આપ્યો હતો. આ સફળ આયોજન બદલ સૌરાષ્ટ્ર ઝોન-૧ ની મહિલા વિંગને સતત અભિનંદન મળી રહ્યા છે.

(3:05 pm IST)