Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સદર બજારની હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશઃ સંચાલક સ્ત્રી-પુરૂષ પકડાયા : એક સગીરાને મુકત કરાવાઇ

કેશોદના પ્રૌઢ અને વડોદરાની મહિલા મળી બંગાળી યુવતિ પાસે દેહવેપલો કરાવતા'તાઃ બંગાળી યુવતિને સાહેદ બનાવાઇઃ સગીરાને શા માટે રખાઇ? તે અંગે તપાસ બાકી : મુંબઇના એનજીઓને માહિતી મળી હતી કે સદર બજારની હોટેલ પાર્ક ઇનમાં બાળાને રાખવામાં આવી છેઃ તેના આધારે મહિલા પોલીસની ટીમે જીલ્લા બાળ સુરક્ષાની ટીમ અને મુંબઇ એનજીઓ ટીમને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યોઃ કેટલા સમયથી ગોરખધંધા થતાં હતાં? અન્ય રૂમમાંથી મળેલી સગીરાનું પણ શોષણ થતું હતું કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ : મુળ કેશોદના હાલ જયંત કે. જી. રોડ રામનગરમાં રહેતાં પ્રભુદાસભાઇ ઉર્ફ દાસભાઇ કક્કડ અને મુળ વડોદરાની હાલ વિરાટ સોસાયટીમાં રહેતી જયશ્રી ચાવડા સામે વેશ્યાવૃતિ કરાવવાનો ગુનો : મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ જે. જી. ચોૈધરી અને ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ, મુંબઇ એનજીઓની ટીમની કાર્યવાહી : રૂમ નં. ૪૦૫માંથી મળેલી બાળાએ પોતાને સંતોષ અહિ લાવ્યાનું અને સંતોષ હાલ મથુરા ગયાનું કહ્યું: ગભરાઇ ગઇ હોઇ વધુ વિગતો ન જણાવીઃ સ્વસ્થ થયે કાઉન્સેલીંગ કરવામાં આવશે : રૂમ નં. ૧૦૨માંથી મળેલી બંગાળી યુવતિએ કહ્યું-પોતાને દાસભાઇ અને જયશ્રીબેન લાવ્યા છેઃ ગ્રાહકો પાસેથી આ બંને ૨૦૦૦ વસુલી પોતાને ૫૦૦ આપી દેહવેપલો કરાવે છે

સદર બજારમાં આવેલી હોટેલના રૂમમાં કૂટણખાનુ ચાલતું હોવાનો પર્દાફાશ થતાં પોલીસે એક મહિલા અને પુરૂષને પકડી લઇ એક બંગાળી યુવતિને સાહેદ બનાવી છે. આ ઉપરાંત અન્ય એક રૂમમાંથી એક સગીરાને પણ મુકત કરાવાઇ છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: શહેરના સદર બજારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં મહિલા પોલીસે મુંબઇની એન.જી.ઓ. ટીમ અને રાજકોટ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમને સાથે રાખી દરોડો પાડતાં હોટેલના રૂમમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થતાં હાલ રાજકોટ રહેતાં મુળ કેશોદના પ્રૌઢ તથા મુળ વડોદરાની અને હાલ રાજકોટ રહેતી મહિલા સામે બંગાળી યુવતિને રૂમમાં રાખી વેશ્યાવૃતિ કરાવવાનો  ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. તેમજ બીજા એક રૂમમાંથી પરપ્રાંતિય સગીરાને ગોંધી રખાઇ હોઇ તેને પણ મુકત કરાવાઇ છે. આ બાળાને એક શખ્સ અહિ લાવ્યો હતો જે મથુરા તરફ ગયાનું બહાર આવ્યું છે. આ બાળા પાસે પણ લોહીનો વેપલો કરાવાતો હતો કે કેમ? એ સહિતની વિગતો મેળવવા તપાસ થઇ રહી છે.

આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. જી. ચોૈધરીની ફરિયાદ પરથી હોટેલના રૂમમાં ચાલી રહેલા કૂટણખાનાના સંચાલક ગોંડલ રોડ રામનગર જયંત કે. જી. સોસાયટી સિડી રાઇડ ફલેટ નં. ૩૦૪ ત્રીજા માળે રહેતાં મુળ કેશોદના પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.૫૬) તથા વડોદરા આજવા પેટ્રોલ પંપ પાસે ફલેટમાં નિવાસ ધરાવતી હાલ રાજકોટ વિરાટ સોસાયટી મેઇન રોડ નાલંદા વિદ્યામંદિર પાસે સાપરીયા વાળી શેરી નં. ૩માં રહેતી જયશ્રી મનવીર ઉર્ફ મુન્નો વજુભાઇ ચાવડા (ઉ.વ.૪૨) સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ મુજબ ગુનો નોંધ્યો છે. મુંબઇના એનજીઓને એવી માહિતી મળી હતી કે એક પરપ્રાંતિય સગીર બાળાને રાજકોટની સદર બજારની હોટેલમાં રાખવામાં આવી છે. તેના આધારે મહિલા પોલીસ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ અને મુંબઇના એનજીઓની ટીમે હોટેલમાં દરોડો પાડતાં દેહવેપલાનો પર્દાફાશ પણ થયો હતો અને સાથોસાથ એનજીઓની માહિતી મુજબની બાળા પણ એક રૂમમાંથી મળી આવી હતી. જેને મથુરાનો સંતોષ નામનો શખ્સ અહિ લાવ્યાનું હાલ ખુલ્યું છે.

સમગ્ર ઘટનામાં કલાકો સુધીની કાર્યવાહીને અંતે પીએસઆઇ જે. જી. ચોૈધરીએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે તા. ૧૬/૦૬/૨૦૨૧ના સાંજના અમો તથા પોલીસ ઇન્સપેકટર એસ. આર. પટેલ તથા એ.એસ.આઇ ઇકબાલભાઇ શેખ  તથા  પી.બી.એસ.સી.ના મહિલા કાઉન્સલર કૃપાબેન જાની હાજર હતા તે દરમિયાન રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી. એન. ગોસ્વામી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, લિગલ ઓફીસર સમાજ સુરક્ષા ખાતાનાં અધીકારી અલ્પેશભાઇ ગોસ્વામી  અને મુંબઇના એન.જી.ઓ અવીનાશ સુરેશભાઇ લુહાર (રહે મુંબઇ કાદીવલી ઇસ્ટ કાકોર કોલોની ફલેટ નં.૧૫) સાથે બીજા તેના કર્મચારીઓએ મહીલા પોલીસ સ્ટેશનમાં આવી જણાવ્યું હતું કે રાજકોટ સદર બજારની પાર્ક-ઇન હોટલમાં સંતોષ નામનો વ્યકિત એક સગીરવયની દિકરીને બહારથી લાવ્યો છે અને હોટલમાં રાખી છે જે હાલ હોટલમાં જ છે જેથી આ સગીરવયની દિકરીને રેસ્ક્યુ કરવાની છે.

 આ પછી એન.જી.ઓની ટીમને તથા સમાજ સુરક્ષાના અધિકારીઓને સાથે રાખી અમે સદર બજારમાં આવેલ પાર્ક-ઇન હોટલ રાજકોટ ખાતે  તપાસ કરવા દાખલ થતા કાઉન્ટર પર હાજર વ્યકિતએ પોતાનું નામ મેહુલભાઇ હોવાનું અને પોતે આ હોટલના મેનેજર તરીકે કાઉન્ટર પર બેસે છે તેમ કહેતાં તેને પોલીસની ઓળખ આપી હતી તેમજ એનજીઓની માહિતી અંગે સમજ આપી હતી.  એ પછી અલગ અલગ રૂમો ચેક કરવામાં આવતાં રૂમ ચેક કરવામાં આવતાં રૂમ નં -૧૦૨ ચેક કરતા બે સ્ત્રી જોવામા આવતા જે પૈકી એકનુ નામ ઠામ પુછતા પોતે ૨૮ વર્ષની હોવાનું અને હાલ મુબંઇ રહેતી હોવાનું તથા મુળ વેસ્ટ બંગાળની હોવાનું કહ્યું હતું.

બંગાળી યુવતિએ હિન્દી ભાષામાં વાત કરતાં વધુમાં કહ્યુંહ તું કે હોટેલનો આ રૂમ દાસભાઇના નામે બૂક કરાવાયો છે.  બાજુમાં બેઠેલ બહેન જે બહારથી ગ્રાહકો બોલાવી લાવે છે અને મને એક ગ્રાહક દીઠ રૂ. ૫૦૦ આપે છે. જેથી બીજી મહિલાનું નામ પુછતા તેણે પોતાનું નામ જયશ્રી મનવીરભાઇ ઉર્ફે મુન્નાભાઇ વજુભાઇ ચાવડા (ઉ.વ-૪ર.  રહે- વડોદરા આજવા પેટ્રોલપંપ પાસે ફલેટમા હાલ, રાજકોટ વિરાટ મેઇન રોડ નાલંદા વિદ્યા મંદીરની બાજુમા સાપરીયા વાળી શેરી નં-૩) જણાવ્યું હતું.

જયશ્રીએ વધુમાં કહ્યું હતું કે તે અને હોટેલમાં જ નીચે હાજર છે એ દાસભાઇ ભેગા થઇ બહારથી ગ્રાહકો બોલાવી લાવે છે અને તેઓ એક ગ્રાહક દીઠ રૂ.૨૦૦૦ લે છે.

જેથી નીચે કાઉન્ટર પાસે પહોંચી તપાસ કરતાં દાસભાઇ નામના માણસ હાજર હોઇ પુરૂ નામ સરનામુ પુછતાં તેણે પોતાનું નામ પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ ચંદુભાઇ કકકડ (ઉ.વ-૫૬-રહે રામનગર જયંત કે.જી સોસાયટી ગોડલ રોડ સીટી રાઇડ ફલેટન-૩૦૪ ત્રીજા માળે રાજકોટ મુળ ગામ કેશોદ તા-જી. જુનાગઢ) જણાવ્યું હતું. બંગાળી યુવતિએ કહ્યું હતું કે જયશ્રીબેન દાસભાઇ બહારથી ગ્રાહક લાવી પોતાની તેની પાસેથી ૨૦૦૦ લઇ મને રૂ. ૫૦૦ આપે છે અને બાકીના ૧૫૦૦માંથી આ બંને ભાગ પાડી લે છે.

એ પછી પ્રભુદાસ ઉર્ફે  દાસભાઇની જડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી રૂ. ૫૦૦ના દરની કુલ ર૮ નોટ  રૂ. ૧૪૦૦૦ મળી આવતા તપાસ અર્થે કબ્જે કાર્ય છે. તેમજ જયશ્રી પાસેથી રૂ. ૬૦૦૦ રોકડા  તપાસ અર્થે કબ્જે કરેલ છે. બંગાળી યુવતિએ કહ્યું હતું કે  આ બંને ગ્રાહકોને મારી પાસે મોકલી મારી સાથે શરીર સંબંધ બંધાવી અને આ રીતે રૂપીયા મેળવી અને મને પ્રલોભનો આપી અને ટુંકા સમયમા પૈસા વાળી બનાવી દેવાની લાલચ આપી આ ધંધો ચલાવે છે. આ વિગતોને આધારે દાસભાઇ અને જયશ્રી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમો હેઠળ ગુનો દાખલ કરાવાયો છે.

પીએસઆઇ ચોૈધરીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે અમે સાહેદો કર્મચારીઓને સાથે રાખી હોટલના બીજા રૂમો ચેક કરતાં રૂમ નં. ૪૦૫માંથી ઉમરમા નાની દેખાતી બાળા જોવામાં આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા એન.જી.ઓ.ની ટીમને સાથે રાખી બાળ સુરક્ષા અધિકારી મારફત બાળાની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ ગભરાયેલી હાલતમા જણાવ્યું હતું. તેમજ પોતાને સંતોષકુમાર નામનો માણસ અહિ લાવ્યાનું અને સંતોષ હાલ મથુરા ગયો હોવાની વાત જણાવી હતી.

આ બાળકી ગભરાયેલી હોઇ વધુ કોઇ વિગતો ન જણાવતી હોઇ  એન.જી.ઓ. તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમે આ બાળકીને વધુ કાઉન્સેલિંગ માટે સ્પેશીયલ હોમ ફોર ગર્લ્સમાં રાખવાનું જણાવતા જેથી તેણીને ત્યાં મોકલવામાં આવી છે. તે સ્વસ્થ નિર્ભય થયા બાદ કાઉન્સેલીંગ કરી સત્ય હકિકત મેળવ્યા બાદ બીજી કાયદેસરની કાર્યવાહી કરવા કરવામાં આવશે. કૂટણખાનુ ચલાવતાં પકડાયેલા પ્રૌઢ અને મહિલાએ પોતે બીજા રૂમમાંથી મળેલી સગીરા અંગે અજાણ હોવાની વાતનું રટણ કર્યુ છે.

હાલમાં કોવિડ-૧૯ની મહામારી અન્વયે કોર્ટની સુચના મુજબ આરોપીના કોવીડ રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી બાકી રખાઇ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને રાહબરી હેઠળ પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ જે. જી. ચોૈધરી અને ટીમ વધુ તપાસ કરે છે.

(3:01 pm IST)