Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બેટીના પુલ પરથી રતનપરના બુટલેગર સહિત ત્રણ પકડાયાઃ કારના ચોરખાનામાં દારૂ છુપાવ્યો'તો

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ હડીયાની નિમણુંક સાથે જ દારૂના ધંધાર્થીઓ પર ધોંસઃ કડક વાહન ચેકીંગ : કુલ ૩,૩૯,૭૦૦નો મુદ્દામાલ કબ્જેઃ લક્કીરાજસિંહ, વિક્રમસિંહ અને કુલદિપસિંહની ધરપકડ

રાજકોટ તા. ૧૭: શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રાંચના પીઆઇ જી. એમ. હડીયાની ગત સાંજે નિમણુંક થતાંની સાથે જ તેમણે બુટલેગરો પર ધોંસ બોલાવી છે અને કડક વાહન ચેકીંગ શરૂ કર્યુ છે. દરમિયાન બેટીના પુલ પરથી રતનપરના બુટલેગર સહિત ત્રણને કારમાં દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતાં. દારૂ કારની ડિક્કીમાં તેમજ તેમાં બનાવાયેલા ચોરખાનામાં છુપાવેલો હતો.

પોલીસે મોરબી રોડ પરના રતનપરમાં રામધામ સોસાયટી હાર્દિક કોમ્પલેક્ષ સામે રહેતાં લક્કીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૬), વિક્રમસિંહ ઉર્ફ વિક્કી કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૪) તથા કુલદિપસિંહ નરેન્દ્રસિંહ જેઠવા (ઉ.વ.૨૩)ને નિશાન ટેરોનો કાર જીજે૨૪કે-૮૧૭૭ સાથે અટકાવી તલાશી લેતાં ડેકીમાંથી રૂ. ૩૧૨૦૦નો દારૂ મળી આવ્યો હતો. ડિક્કીમાં ઉપરાંત ચોરખાનામાં પણ દારૂ છુપાવયો હતો.

કાર-દારૂ અને છ મોબાઇલ ફોન મળી રૂ. ૩,૩૯,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ઉત્તર એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ જી. એમ. હડીયા, પીએઅસાઇ એચ. આર. હેરભા, એએસઆઇ જીતેન્દ્રભાઇ બાળા, હેડકોન્સ. યોગેન્દ્રભાઇ ચોૈહાણ, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, કોન્સ. યશપાલસિંહ ઝાલા અને કોન્સ. કનુભાઇ ભમ્મર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએઅસાઇ હેરભા અને મહાવીરસિંહને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

પોલીસના કહેવા મુજબ લક્કીરાજસિંહ ઝાલા જુનો બુટલેગર છે. તેના વિરૂધ્ધ અગાઉ યુનિવર્સિટી પોલીસ, ભકિતનગર, બી-ડિવીઝન, ડીસીબી પોલીસમાં દારૂના ચાર અને રાયોટીંગ-ધમકીનો એક ગુનો નોંધાઇ ચુકયો છે. આ ત્રણેય દારૂ કયાંથી લાવ્યા? કોને આપવાનો હતો? તે સહિતની તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે નાઇટ પેટ્રોલીંગ કરી બામણબોર ચેકપોસ્ટ પર દારૂ અંગે ખાસ ચેકીંગ કર્યુ હતું. આ માટે પસાર થઇ રહેલા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તસ્વીરમાં વાહન ચેકીંગની કામગીરી, દારૂ સાથે પકડાયેલી કાર અને આરોપીઓ તથા એરપોર્ટ પોલીસની ટીમ જોઇ શકાય છે.

  • ટ્રાફિક બ્રાંચ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના બે પીઆઇની બદલી
  • ટ્રાફિકમાંથી જી. એમ. હડીયાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અને એરપોર્ટના એમ. સી. વાળાને સાયબર ક્રાઇમ પોલીસમાં મુકાયા

રાજકોટ તા. ૧૭: શહેરના બે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની બદલીનો હુકમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે કર્યો છે.

જેમાં અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં પ્રસંશનીય ફરજ બજાવી ચુકેલા અને હાલ ટ્રાફિક બ્રાંચમાં મુકાયેલા પીઆઇ જી. એમ. હડીયાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બદલી સાથે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. સી. વાળા કે જેઓ અગાઉ કુવાડવા પોલીસ મથકમાં પણ ફરજ બજાવી ચુકયા છે તેમને એરપોર્ટથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ સાયબર ક્રાઇમમાંથી પીઆઇ બી. એમ. કાતરીયાને થોરાળામાં મુકાયા હતાં. જેથી આ જગ્યા ખાલી હતી. જાહેરહિતમાં આ બદલી કરવામાં આવ્યાની નોંધ સાથે શ્રી અગ્રવાલે બદલીનો લેટર મોકલ્યો હતો.

(11:58 am IST)