Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પત્નિના વિયોગમાં ઝેર પી લેનારા કેવડાવાડીના વૃધ્ધ ભોગીલાલભાઇ માંડલીયાએ દમ તોડ્યો

બેભાન થઇ ગયા બાદ દેવપરા પાસે રહેતાં રેશ્માબેન શેખનું મોત

રાજકોટ તા. ૧૭: કેવડાવાડી-૧૭/૧૧ના ખુણે રહેતાં ભોગીલાલભાઇ દયાળજીભાઇ માંડલીયા (સોની) (ઉ.વ.૬૩) નામના વૃધ્ધે પરમ દિવસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

 ભોગીલાલભાઇ ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં ત્રણ પુત્રો છે. તપાસમાં ખુલ્યા મુજબ ભોગીલાલભાઇના એક દિકરાને બે મહિના પહેલા કોરોના થતાં અને ફેફસા ડેમેજ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તે વખતે દિકરાને કંઇક થઇ જશે તેની ચિંતામાં ભોગીલાલભાઇના પત્નિ વર્ષાબેનને હાર્ટએટેક આવી જતાં તેમનું અવસાન થયું હતું.

એ પછી ભોગીલાલભાઇ સતત ગુમસુમ રહેતાં હતાં અને ચિંતામાં રહેતાં હતાં. પત્નિના વિયોગમાં તેમણે પરમ દિવસે સાંજે તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન ગત સાંજે મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ભકિતનગરના એએસઆઇ ભરતસિંહ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ દેવપરા પાસે લેઉઆ પટેલ સોસાયટી-૭ના ખુણે સાગર એસટીડી પીસીઓવાળી શેરીમાં રહેતાં રેશ્માબેન ફિરોઝભાઇ શેખ (ઉ.વ.૪૦) સાંજે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. રેશ્માબેનના પતિ ફિરોઝભાઇ શેખ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે.

(11:53 am IST)