Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કમર-હાથ પગ-કિડની લિવરની તકલીફથી કંટાળી ગયા હતાં

બિમારીથી ત્રાસી ઝેર પીધું, રિપોર્ટમાં કોરોના આવ્યોઃ સારવાર દરમિયાન સરધારના મહેશભાઇ પટેલનું મોત

મોત ઝેરથી થયું કે કોરોનાથી? એ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: સરધાર હાઇસ્કૂલ પાસે રહેતાં મહેશભાઇ શંભુભાઇ પાધરા (પટેલ) (ઉ.વ.૪૫) નામના ખેડૂતે બિમારીઓથી કંટાળી ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સિવિલમાં ખસેડાતાં અહિ કોરોનાનો રિપોર્ટ થતાં તે પોઝિટિવ આવતાં કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતાં. તેનું સારવાર દરમિયાન રાતે મોત નિપજતાં પોલીસને જાણ કરાઇ હતી.

જાણવા મળ્યા મુજબ મહેશભાઇએ ૧૬/૨ના રોજ ઘરે ઝેર પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. એ પછી તેમને ૧૩/૬ના રોજ તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ હતાં. અહિ ગત રાતે મૃત્યુ થતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆસ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃત્યુ પામનાર મહેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણ વર્ષથી લિવર કિડનીની તકલીફ હતી. તેમજ હાલમાં કમર અને પગના દુઃખાવાથી પણ ખુબ કંટાળ્યા હોઇ જેથી તેમણે ઝેર પીધું હતું. એ પછી કોરોના લાગુ પડતાં દાખલ હતાં. પણ સારવાર કારગત નિવડી નહોતી. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:36 am IST)