Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઘરેલું હિંસાના કેસમાં ભરણ પોષણનો હુકમ એપેલન્ટ કોર્ટ દ્વારા શરતને આધીન સ્ટે

રાજકોટ તા.૧૭: અત્રે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ અન્વયેની અરજી વર્ષ-૨૦૧૦માં અરજદાર જીજ્ઞાબેન ગઢવીએ તેના પતિ-હરદિપ ગઢવી તથા તેના પરીવાર વિરૂધ્ધ કરેલ જે કામમાં અરજી તારીખથી માસીક રૂ.૬,૦૦૦/- પતિએ પત્નિને ચુકવવા હુકમ થયેલ જેનાથી નારાજ થઇ પતિ-હરદિપ ગઢવીએ ડીસ્ટ્રીકટ અન્ડ સેસન્સ કોર્ટમાં એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયા મારફત અપીલ કરેલ જે અપીલ કામે વચગાળાનો મનાઇ હુકમ તથા હુકમની અમલવારી મૌકુફ રાખવા સ્ટેની માંગણી કરતા એપેલન્ટ કોર્ટ દ્વારા રજુઆત ધ્યાને લઇ શરતોને આધીન પતિની તરફેણમાં શરતને આધીન સ્ટે/હુકમની અમલવારી મૌકુફ રાખવાનો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે જીજ્ઞાબેન હરદિપભાઇ ગઢવી એ વર્ષ-૨૦૧૦ની સાલમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ-૨૦૦૫ અન્વયે પતિ-હરદિપ પ્રદિપભાઇ ગઢવી તથા તેના પરીવારજનો વિરૂધ્ધ અરજી કરેલ જે અરજીના કામે લેવાયેલ પુરાવા દરમ્યાન અરજદાર-જીજ્ઞાબેનના પતિ-હરદિપભાઇ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ૨૦૦૯ માં ફીકસ પગારથી પાંચ વર્ષ માટે નોકરી મળેલ હોવા અંગેનો પુરાવો આવેલ હોય તેમ છતાં નીચેની અદાલતે વર્ષ-૨૦૧૦ ની અરજીના કામે મહત્વના પુરાવાને ધ્યાને લીધા વગર અરજદારને અરજીની તારીખથી માસીક રૂ.૬,૦૦૦/- સામાવાળા નં.૧ પતિએ ચુકવવા તેવો હુકમ ફરમાવેલ હોય જેથી પતિએ સેસન્સ અદાલતમાં અપીલ કરી નીચેની અદાલત સમક્ષની અરજીની તારીખથી ચુકવવાના હુકમના બદલે હુકમની તારીખથી માસીક રૂ.૬,૦૦૦/- ચુકવવા તથા ચડત રકમની રીકવરી/હુકમની અમલવારી થવા સામે મૌકુફ/સ્ટેની માંગણી કરેલ જે અરજીની એપેલન્ટ તરફે થયેલ રજુઆત/દલીલ ધ્યાને લઇ એપેલન્ટ કોર્ટ દ્વારા નીચેની અદાલતના હુકમની અમલવારી અન્વયે રૂ.૧,૦૦,૦૦૦/- બે હપ્તે દિવસ-૬૦માં ચુકવી હુકમ તારીખથી નીયમીત રૂ.૬,૦૦૦/- ચુકવવાની શરતે એપેલન્ટ હરદીપ ગઢવીની તરફેણમાં હુકમ ફરમાવેલ છે.

એપેલન્ટ હરદીપ પ્રદિપભાઇ ગઢવી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા તથા હિરેન ડી.લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન તથા કરન ડી.કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

(4:09 pm IST)