Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જિલ્લા પંચાયત કચેરીમાં સૂર્ય ઉર્જાનો પ્રકાશ પથરાશેઃ હીરાસર એરપોર્ટ માટે ૩.ર૭ હેકટર જમીન અપાશે

રેખાબેન પટોળિયાની અધ્યક્ષતામાં પ કરોડના કામોને કારોબારીની મંજુરી

રાજકોટ, તા. ૧૭ : જિલ્લા પંચાયતમાં આજે લાંબા સમય બાદ કારોબારી સમિતિની બેઠક અધ્યક્ષ શ્રીમતિ રેખાબેન પટોળિયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં રૂપિયા પ કરોડ જેટલા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. સમિતિના સચિવ ડી.ડી.ઓ, શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ બેઠકનું સંચાલન કર્યું હતું.

કારોબારીમાં જિલ્લા પંચાયત કચેરીના ઉપયોગ માટે ૧૦૦ કે.વી.મી સોલાર સિસ્ટમ ખરીદવાનો ઠરાવ થયલ જેના માટે ૮૦ લાખના ખર્ચનો અંદાજ છે. સિસ્ટમ કાર્યરત થયા બાદ સૂર્ય ઉજા આધારિત વીજળી મળશે જેના કારણે પંચાયતને મહિને રૂપિયા ર થી રાા લાખના વીજ બીલની બચત થવાની આશા છે. જો સરકારની સબસીડી મળે તો યોજના કાર્યરત કરવાના ખર્ચમાં પણ પંચાયતને ફાયદો થશે.

નવા હીરાસર એરપોર્ટ નજીકના બામણબોર ગામની ૩.ર૭ હેકટર જમીન રન વે વિસ્તારમાં આવતી હોવાથી એરપોર્ટ માટે ફાળવવા ઠરાવ કરાયેલ. હાલ આ જગ્યા પર રહેલા બે ચેકડેમને સરકાર નજીકમાં જ નવેસરથી બનાવી દયે તેવું ઠરાવાયું હતું.

જિલ્લા પંચાયત-રાજકોટ હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો પૈકી રૂ. ૪૪૪.૩૪ લાખના કુલ-પપ રસ્તાઓ તથા ૮ ગ્રામ પંચાયતના બિલ્ડીંગ રીપેરીંગના કામો મંજૂર કરવામાં આવેલ છે. કુપોષણ યોજના અંતર્ગત દરેક ઘટકના ર (બે) આંગણવાડી કેન્દ્રોમાં કૌશલ્ય વર્ધક રમતગમતના સાધનો માટે રૂ. ૩૭.૦૦ લાખના કામોને બહાલી આપવામાં આવી હતી.

(4:06 pm IST)