Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મેઘમાયાનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધ દંપતિનો આપઘાત

સાજણભાઇ વાઘેલા (ઉ.૭૦) અને લીલાબેન વાઘેલા (ઉ.૬૫)એ ઝેર પી લીધું: બંનેએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ વણકર પરિવારમાં શોક : ગયા અઠવાડીએ શિરડીની યાત્રા કર્યા પછી હવે બંને સજોડે 'અનંતયાત્રા'એ ચાલી નીકળતાં ગમગીની

રાજકોટ તા. ૧૭: નાના મવા રોડ પર મેઘમાયાનગરમાં રહેતાં વૃધ્ધ વણકર દંપતિએ બિમારીથી કંટાળી ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ મેઘમાયાનગર-૧માં રહેતાં સાજણભાઇ રાણાભાઇ વાઘેલા (ઉ.૭૦) નામના વણકર વૃધ્ધ અને તેમના પત્નિ લીલાબેન સાજણભાઇ વાઘેલા (ઉ.૬૫)એ ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ લીલાબેનનું સાંજે પોણા સાતેક વાગ્યે મોત નિપજ્યું હતું. એ પછી પતિ સાજણભાઇએ પણ રાત્રીના દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને દેવશીભાઇ ખાંભલાએ જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ પી.એલ. ધામા, પીએસઆઇ જે. એ. ખાચરે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સાજણભાઇ અને લીલાબેનને સંતાનમાં બે પુત્રો હિતેષભાઇ અને જયેશભાઇ છે. જેમાં હિતેષભાઇ આદીપુર રહે છે. જયેશભાઇ માતા-પિતા સાથે રાજકોટ રહે છે અને પોતાનો ધંધો કરે છે. પરિવારજનોના કહેવા મુજબ સાજણભાઇને લાંબા સમયથી માનસિક તકલીફ હતી અને તેની દવા પણ ચાલુ હતી. બિમારીને કારણે તામસી સ્વભાવ થઇ ગયો હતો. લીલાબેનને પણ બિમારી હતી. આ કારણે પતિ-પત્નિ બંને કંટાળ્યા હતાં અને  આ પગલુ ભરી લીધું હતું. હજુ ગયા અઠવાડીએ જ પુત્રોએ માતા-પિતા બંનેને શિરડી સાઇબાબાના યાત્રા કરાવી હતી. ત્યાં હવે બંને અનંતયાત્રાએ ચાલી નીકળતાં સ્વજનોમાં  શોક છવાઇ ગયો છે.

(3:15 pm IST)