Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કોર્ટમાંથી ભાગેલો મહેબૂબ ઉર્ફ મેબલો ભાઇના સાઢુને ત્યાં ખોટુ બોલી રોકાયો'તોઃ કુવાડવાથી દબોચાયો

૧૨થી વધુ ગુનામાં સામેલ શખ્સને કારણે પીએસઆઇ-બે પોલીસ કર્મી સસ્પેન્ડ થયા'તા : ક્રાઇમ બ્રાંચના સંતોષભાઇ, કુલદીપસિંહ અને મયુર પટેલની બાતમી પરથી નામીચા શખ્સને પકડી લેવાયોઃ જે ગુનામાં પકડાયો'તો એ જામીન લાયક હતો, છતાં પોલીસને હેરાન કરવા છનનન થયો'તો

રાજકોટ તા. ૧૭: ભકિતનગર પોલીસના ગૌ માંસના ગુનામાં ઝડપાયેલો મોરબી રોડ ચામડીયા ખાટકીવાસનો મહેબુબ ઉર્ફ મેબલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૨૨) તા. ૮/૬ના બપોર બાદ મોચી બજાર પાસેની કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. આ શખ્સ કુવાડવા આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને કુલદીપસિંહ જાડેજાને મળતાં પકડી લેવાયો છે. ખૂનની કોશિષ, મારામારી, રાયોટ, ખંડણી, દારૂ સહિતના ૧૨થી વધુ ગુનામાં સામેલ આ શખ્સને કોર્ટમાં રિમાન્ડ માટ ેરજૂ કરાયો ત્યારે ભાગી જતાં તેના કારણે પીએસઆઇ અને બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા હતાં.

ઝડપાયેલા મેબલાએ કહ્યું હતું કે પોતે ભાગીને સીધો ધ્રાંગધ્રા પોતાના ભાઇના સાઢુના ઘરે ગયો હતો. ત્યાં પોતે રોકાવા આવ્યાનું ખોટુ બોલ્યો હતો. ગઇકાલે રાજકોટ પરત આવી રહ્યો હતો ત્યારે કુવાડવાથી પકડી લેવાયો હતો. આ શખ્સ પાસાની હવા પણ ખાઇ ચુકયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, વી.એ. પરમાર, જગમાલભાઇ ખટાણા, ભરતભાઇ વનાણી, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, કુલદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ડામોર, અમરદિપસિંહ વાઘેલા, પ્રદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, નૈમિષ વઘાસીયા, ધર્મેશ રંગાણી, કુલદીપસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

(3:14 pm IST)