Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

We Want Justice

કલેકટર કચેરીમાં ૧૦૦૦ ડોકટરો ઉમટી પડયાઃ આવેદન

પશ્ચિમ બંગાળમાં ડોકટરો ઉપર હુમલાના વિરોધમાં વિશાળ રેલી અને બાદમાં કલેકટરને રજૂઆતઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત :ડોકટરો ઉમટી પડતા કલેકટર કચેરીના કેન્ટીન ધંધાર્થીને તડાકો પડી ગયો

કલેકટર કચેરી ખાતે વિશાળ રેલી સાથે ડોકટરો ઉમટી પડયા હતા અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યુ હતું.

રાજકોટ, તા. ૧૭ :. પશ્ચિમ બંગાળમાં ડોકટરો ઉપર હુમલાના વિરોધમાં આજે દેશભરમાં ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજકોટમાં પણ સીવીલ હોસ્પીટલમાં ઓપીડી સિવાય તમામ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. ખાનગી ડોકટરોની પ્રેકટીશ-હોસ્પીટલ સજ્જડ બંધ રહી હતી.

સિવીલ હોસ્પીટલ અને મેડીકલ કોલેજમાં પ્રેકટીશ કરતા - અભ્યાસ કરતા ડોકટરોએ આજે સજ્જડ હડતાલ પાડી - સીવીલ હોસ્પીટલથી વિશાળ રેલી - દેખાવો - સૂત્રોચ્ચાર સાથે કાઢી હતી અને બપોરે ૧૧.૩૦ની આસપાસ કલેકટર કચેરીએ મોરચો લઈ જઈ, વી વોન્ટ જસ્ટીસ, દાદાગીરી નહિ ચલેગી - ગુંડાગીરી બંધ કરો સહિતના નારા લગાવી કલેકટર કચેરી ગજવી મુકી હતી.

અંદાજે ૧ હજાર ડોકટરો ઉમટી પડયા હોય - કલેકટર કચેરીનું કમ્પાઉન્ડ ડોકટરોથી ઉભરાઈ ઉઠયું હતું. પોલીસે મુખ્ય દરવાજો બંધ કરી સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ પછી ડોકટરોએ કલેકટરને આવેદન પાઠવી, પશ્ચિમ બંગાળની ઘટના વખોડી કાઢી, ગુન્હેગારો સામે સખ્ત પગલા લેવા માંગણી કરી હતી.

આજે ડોકટરો ઉમટી પડતા, કલેકટર કચેરીના બગીચામાં રહેલી કેન્ટીનના ધંધાર્થીને તડાકો પડયો હતો. ખાવા-પીવાની વસ્તુઓ ચપોચપ ઉપડી ગઈ હતી.

કલેકટરને પાઠવાયેલ આવેદનમાં ડો. હર્ષીલ શાહ, ડો. પ્રદિપ સોલંકી, ડો. જીજ્ઞેશ રામાણીએ ઉમેર્યુ હતુ કે, પશ્ચિમ બંગાળમાં એનઆરએમ મેડીકલ કોલેજ, કલકત્તાના ઓન ડયુટી ઈન્ટર્ન ડોકટરડો. પરિબાહા મુખર્જી પર થયેલ જાન લેવા હિંસક હુમલાને ધ્યાનમાં લઈને આઈએમ હેડ કવાર્ટર, દિલ્હી દ્વારા આપેલ માર્ગદર્શનને અનુસરીને થતી રાષ્ટ્રીય વ્યાપી ડોકટર વિરૂદ્ધ થતી હિંસાને રોકવા માટે કાયદો બનાવવા માટે થતી ચળવળના ભાગરૂપે આજે સવારે ૬ વાગ્યાથી બીજા દિવસે સવારે ૬ વાગ્યા સુધી બિનઅનિવાર્ય મેડીકલ સુવિધા (ઓપીડી) બંધ રાખવાની બાબતને અમો સમર્થન આપીએ છીએ તથા માનવતાને ધ્યાનમાં લઈને દરેક પ્રકારની તાત્કાલિક સેવા ચાલુ રાખેલ છે.

આજકાલના સમયમાં ડોકટર પર થઈ રહેલ હિંસક હુમલાને ધ્યાનમાં લઈને ડોકટરના કાર્યક્ષેત્રમાં ભયમુકત વાતાવરણ બની રહે અને ડોકટર તેમની દર્દી પ્રત્યેની ફરજ સારી રીતે બજાવી શકે અને દર્દીની સારી રીતે સારવાર કરી શકે એ માટે

મહત્વની જરૂરીયાત આ મુજબ છે. (૧) ડોકટર પર થતા હિંસક હુમલા રોકવા માટે કડક કાયદો બનાવવા સરકારશ્રીને અમારી આપ થકી ભલામણ પહોંચાડવી. (૨) હોસ્પીટલમાં દરેક પર દેખરેખ રાખી શકાય તે માટે અત્યારના સમયમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા વિડીયો સર્વેલન્સની ગોઠવણ કરાવવા બાબત (૩) હોસ્પીટલમાં દર્દી સાથે આવતા વધારે સગાઓની આવનજાવનને રોકવા અને તેનાથી ડોકટર અને દર્દીના સગાઓ વચ્ચે થતી અથડામણ ટાળવા યોગ્ય કરવા બાબત (જેમ કે પાસ સિસ્ટમ), (૪) દર્દી તથા તેમના સગાઓની સંખ્યાને અનુરૂપ જરૂરીયાત મુજબના સિકયોરીટી સ્ટાફ તથા પોલીસ કર્મીઓની હોસ્પીટલ હદમાં ગોઠવણ કરવા અંગેની માંગણીઓ દર્શાવી હતી.

(3:09 pm IST)