Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જિલ્લા બેંક દ્વારા નિયમિત વસુલાત ભરનાર ખેડૂતોને વ્યાજમાં ૧% રાહતઃ જયેશ રાદડિયા

જામકંડોરણા વાર્ષિક સભામાં બેંકના ચેરમેનની મહત્વપૂર્ણ જાહેરાતોઃ બેંકનો ચોખ્ખો નફો ૪પ.પ૦ કરોડઃ ૧પ ટકા ડીવીડન્ડ અપાશેઃ ખેતી વિષયક મંડળીઓને ૧.પ ટકા માર્જીનઃ મંડળીઓને કર્મચામીઓને ૮% વ્યાજથી લોન અપાશે

રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહયોગી અન્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાયેલ. આ પ્રસંગે બેંકના ચેરમેન જયેશ રાદડિયા વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, એમ. ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા, ધારાસભ્યો જાવેદ પીરઝાદા, અરવિંદ રૈયાણી, બેંકના ડીરેકટર ડાયાભાઇ પીપળીયા,  અરવિંદ તાળા, ગોરધનભાઇ ધામેલિયા,  વાઘજીભાઇ બોડા, જનરલ મેનેજર વી. એમ. સખિયા, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, ડીરેકટર પરસોતમ સાવલિયા, જીવન બેંકના એમ. ડી. નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા, સહકારી અગ્રણીઓ ટપુભાઇ લીંબાસીયા, યજ્ઞેશ જોષી, ભાનુભાઇ મેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર :- સંદીપ બગથરીયા, - અહેવાલઃ કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા, (ધોરાજી), મનસુખ બાલધા-જામકંડોરણા)

રાજકોટ  તા. ૧૭ :.. સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ બેંકનો સને ર૦૧૮-૧૯ ના વર્ષનો ચોખ્ખો નફો રૂ. ૪પ.પ૦ કરોડ થયાની અને સભાસદોને ૧પ ટીકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. ખેતૂત લક્ષી અન્ય જાહેરાતો પણ કરી હતી.

છેલ્લા બે દાયકામાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડૂત નેતા શ્રી વિઠલભાઇ રાદડીયાની તબીયત લથડતા બેંકની જવાબદારી સંભાળનાર શ્રી જયેશભાઇ રાદડીયાએ પોતાની બીજી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોએ આ બેંકને 'અદના આદમીની અડીખમ બેંક' નામ આપ્યુ છે. ઝીરો ટકા વ્યાજ દરેક ખેડૂતોને કે. સી. સી. ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડીટ કાર્ડ, ખેડૂતોનો રૂ. ૧૦,૦૦ લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામં રૂ. ૧૦ હજારની  સહાય તેમજ ર૪ કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતીમાં ડીસ્ટ્રીકટ બેંક ઉપર અડીખમ વિશ્વાસ મુકયો છે. નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજયોની જીલ્લા બેંકોને રાજકોટ જીલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે. આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત તથા નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ મળેલ છે. બેંકે ખેડૂતોને ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપી ખેડૂતોને ર૦૧૮-૧૯ ના વર્ષમાં રૂ. ર૧૯૯ કરોડનું ઝીરો ટકા વ્યાજે કે.સી.સી. ધિરાણ આપવા ઉપરાંત મગફળી અને કપાસના પાક વિમાના પ્રીમીયમમાં રૂ. ર૩.૧૪ કરોડની સહાય આપવામાં આવી છે તેમજ જંગલી અને રખડતા પશુઓથી પાકના રક્ષણ માટે વાયર ફેન્સીંગ તથા ડ્રીપ ઇરીગેશન માટે પણ ખૂબજ નીચા વ્યાજે લોન આપવા છતાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકે રૂ. ૧ર૪ કરોડનો ગ્રોસ નફો અને રૂ. ૪પ.પ૦ કરોડના ચોખ્ખો નફો કરેલ છે.

ગુજરાતમાં જ નહિ દેશભરમાં ર૪ કલાક ૩૬પ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જીલ્લા બેંકની હેડ ઓફીસમાં આપવામં આવે છે તેમજ સાંજના  ૪ થી રાત્રીન ૧૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધ આપવામાં આવે છે. તા. ૩૧-૩-ર૦૧૯ ની સ્થિતિએ બેંકની થાપણો-૪૭૬૯ કરોડ, શેર ભંડોળ-૬૬ કરોડ, રીઝર્વ ફંડ-૪૭૭ કરોડ, ધિરાણો રૂ. ૩૩૪૭ કરોડ તથા રોકાણો રૂ. ર૬૧૬ કરોડ એ પહોંચેલછે. બેંકનો સીઆરએઆર-૧૧.૧પ ટકા થયેલ છે. વર્ષોથી બેંકનું નેટ એન. પી. એ. ૦ ટકા અને વસુલાત ૯૯ ટકાથી ઉપર રહે છે. આમ  બેંકએ દરેક ક્ષેત્રે અવિરત પ્રગતિ જાળવી રાખેલ છે.

ચેરમેન જયેશ રાદડીયાએ સાધારણ સભામાં નીચે મુજબ જાહેરાતો કરી હતી.

ખેડૂતોને આપવામાં આવતી મધ્યમ મુદત ખેતી વિષયક રૂ. ૧૧૦૦ કરોડની લોનના વ્યાજના દરમાં વર્ષ ર૦૧૯-ર૦ માટે નિયમિત વસુલાત ભરનાર ખેડૂતોને ૧ ટકા વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવશે. જે સહાયની કુલ રકમ રૂ. ૧૧ કરોડ જેવી થાય છે.

બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક મંડળીઓ મારફત અપાતા રૂ. રર૦૦ કરોડના કે. સી. સી. ધિરાણમાં હાલ મંડળીઓને ૧ ટકા માર્જીન આપવામાં આવે છે જે લોનમાં વર્ષ ર૦૧૯-ર૦ માં મંડળીઓને ૧.પ ટકા માર્જીન આપવામાં આવશે જે અંદાજીત સહાય રૂ. ૧૧ કરોડનો જીલ્લાની ખેતી વિષયક મંડળીઓને લાભ થશે. જેથી મંડળીઓની આર્થિક સધ્ધરતામાં વધારો થશે. ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓને બેંકના કર્મચારીના ધોરણે ૮.પ૦ ટકા વ્યાજના દરે પગારના ૧૦ પટ કે રૂ. ૩ લાખની મર્યાદામાં નિયમ મુજબ ઓ. ડી. લોન મંડળી મારફત આપવામાં આવશે જેમાં મંડળીને બેંક ૮ ટકા ના વ્યાજના દરે લોન આપશે. આમ વર્ષ ર૦૧૯-ર૦ ના વર્ષ માટે રર કરોડની વ્યાજ સહાયની જાહેરાત ચેરમેન તરફથી કરવામાં આવેલ છે.

(11:53 am IST)