Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મીલમાં એક કરોડની ખોટ જતાં અરવિંદ પટેલે નકલી નોટો છાપવાનું ચાલુ કર્યુ'તું: એસઓજીએ દબોચ્‍યોઃ આવતી કાલ સુધી રિમાન્‍ડ પર

આસ્‍થા રેસિડેન્‍સી પાસે લક્ષમણઝુલા પાર્કમાં અરવિંદ અકબરી કલર પ્રિન્‍ટરથી ચલણી નોટો છાપતો'તો ત્‍યાં જ પોલીસ ત્રાટકી : ૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની ૭૫ હજારની નકલી નોટો સાથે ઝડપાયોઃ ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ અને નરેન્‍દ્ર ગઢવીની બાતમી પરથી પીએસઆઇ બી. કે. ખાચરની ટીમને સફળતાઃ પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં વિશેષ પુછતાછ-તપાસ : મકાન ઉપર ૫૦ લાખની લોન લીધી તેનો દર મહિને ૩૦ હજારનો હપ્‍તો આવતો'તોઃ બે છેડા ભેગા ન થતાં ખર્ચા કાઢવા નકલી નોટો છાપવાનો વિચાર આવ્‍યો'તો : ૩૧મીએ અક્ષર એન્‍ટરપ્રાઇઝમાંથી કલર પ્રિન્‍ટર-સ્‍કેનર ખરીદ કર્યા અને પમીએ રૂા. ૨૦૦ની એક નોટ છાપી ફરસાણવાળાને ત્‍યાં વટાવીઃ એ નોટ ચાલી જતાં બીજી છાપવાનું ચાલુ કર્યુ, પણ વટાવે એ પહેલા ઝડપાયો

:રાજકોટ તા. ૧૭: સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપે  શનિ-રવિની મોડી રાતે આસ્‍થા રેસિડેન્‍સી પાછળ લક્ષમણ ઝુલા પાર્ક-૩માં ‘ઓમ' નામના મકાનમાં દરોડો પાડી અરવિંદ ધીરૂભાઇ અકબરી નામના ૪૦ વર્ષના પટેલ શખ્‍સને કલર પ્રિન્‍ટરમાં ચલણી નોટો છાપતો ઝડપી લઇ ૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની રૂા. ૭૫ હજારની નકલી નોટો કબ્‍જે કરી હતી. આ શખ્‍સના આવતીકાલ મંગળવાર  સુધીના રિમાન્‍ડ મંજુર થતાં વિશેષ પુછતાછ શરૂ થઇ છે. તેણે પોલીસને જણાવ્‍યું હતું કે જેતપુર પાસે પિત્રાઇ ભાઇ સાથે ભાગીદારીમાં ખોળ કપાસીયાની મીલ ચાલુ કરી હતી. જેમાં એકાદ કરોડની ખોટ જતાં મકાન ઉપર ૫૦ લાખની લોન લીધી હતી. તેનો દર મહિને ૩૦ હજારનો હપ્‍તો આવતો હોઇ કોઇ રીતે પૈસાનો મેળ ન થતાં ખર્ચ કાઢવા નકલી નોટો છાપવાનું ચાલુ કર્યુ હતું!

પી.એસ.આઇ. બી. કે. ખાચરની ટીમના કોન્‍સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્‍દ્રભાઇ ગઢવીને બાતમી મળી હતી કે અરવિંદ અકબરી ઘરમાં નકલી નોટો છાપે છે અને હાલમાં કામ ચાલુ છે...આ માહિતી પરથી શનિ-રવિની મોડી રાત્રે તેના ઘરમાં દરોડો પાડવામાં આવતાં રંગેહાથ નોટો છાપતો મળી આવ્‍યો હતો.

પોલીસે તેની સામે આઇપીસી ૪૮૯ એબીસીડી મુજબ ગુનો નોંધી રૂા. ૨૦૦૦ના દરની ૩૩ નોટો, રૂા. ૫૦૦ના દરની ૧૨ નોટો અને રૂા. ૨૦૦ના દરની ૧૫ નકલી નોટો તથા રૂા. ૫૦૦ના દરની ૪ અસલી નોટો તેમજ કલર પ્રિન્‍ટર, કેબલ, કાચનો ટૂકડો, કટર, કોરા કાગળો સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ રાણા, રાજેશભાઇ ગીડા, કોન્‍સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

અરવિંદને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં મંગળવાર સુધીના રિમાન્‍ડ મળ્‍યા હતાં. વિશેષ પુછતાછમાં અરવિંદે એવું રટણ કર્યુ છે કે તેણે ભાગીદારીમાં જેતપુર પાસે ખોળ કપાસીયાની મીલ ચાલુ કરી હતી. તેમાં એકાદ કરોડની ખોટ જતાં પોતે તિવ્ર આર્થિક ભીંસમાં આવી જતાં મકાન પર ૫૦ લાખની લોન લીધી હતી. તેનો દર મહિને ૩૦ હજારનો હપ્‍તો આવતો હોઇ ઘર ખર્ચના પૈસાનો પણ મેળ થતો ન હોઇ નકલી નોટો છાપવાનો વિચાર આવતાં પોતે અક્ષર એન્‍ટરપ્રાઇઝમાંથી સ્‍કેનર-કલર પ્રિન્‍ટર ૩૧/૫ના રોજ લઇ આવ્‍યો હતો. એ પછી ૫મીએ પહેલી જ વખત રૂા. ૨૦૦ની નકલી નોટ છાપી હતી. આ નોટ ઘર નજીક જ આવેલી દૂકાને વટાવી ગાંઠીયા, ફરસાણ લીધા હતાં. આ નોટ ચાલી જતાં બીજી નોટો છાપવાનું નક્કી કર્યુ હતું અને શનિવારે રાતે નોટો છાપવા બેસી ગયો હતો. ત્‍યાં જ પોલીસ ત્રાટકી હતી.

અરવિંદની કબુલાતોની વિશેષ તપાસ માટે આજે પીએસઆઇ બી. કે. ખાચર અને ટીમ અરવિંદને સાથે રાખી પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં વિશેષ તપાસ કરશે.
 

(10:55 am IST)