Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સિવિલ હોસ્પિટલના ૨૫૦ રેસિડેન્ટ ડોકટર હડતાલ પરઃ ઓપીડીના ગેઇટ આડે ઉભા રહી ગયાઃ રેલી-આવેદન

અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવી ધ્રુવાએ દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે માટે ઇમર્જન્સી સહિતના વિભાગોમાં મેડિકલ ઓફિસર અને ટ્યુટર દ્વારા ઓપીડી ચાલુ રખાવીઃ તબિબી અધિક્ષકને આવેદન બાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી રજૂઆત

તસ્વીરમાં ઓપીડી પાસે બેનર્સ સાથે એકઠા થયેલા રેસિડેન્ટ ડોકટર્સ, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન ડો. ગૌરવી ધ્રુવા તથા રેસિડેન્ટ તબિબોએ રેલી કાઢી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: કોલકત્તામાં તબિબો પર થયેલા હુમલાના ઘેરા પડઘા તબિબી આલમમાં પડ્યા છે. આ કારણે શુક્રવારે તબિબોએ આખો દિવસ કાળી પટ્ટી ધારણ કરી કામ કર્યુ હતું અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું. દરમિયાન આજે દેશભરના તબિબો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના ૧૬૫૦ તબિબો પણ સામેલ થયા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજના ૨૫૦ જેટલા રેસિડેન્ટ તબિબી છાત્રો પણ આ હડતાલમાં જોડાયા છે. સવારે સાડા દસેક વાગ્યે આ તમામ રેસિડેન્ટ ડોકટરો ઓપીડી પાસે એકઠા થયા હતાં અને બેનરો સાથે રાખી સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ ઓપીડીના મુખ્ય ગેઇટ આડે ઉભા રહી જઇ ગેઇટ બંધ કરી દીધો હતો. જો કે સવારે નવ વાગ્યાથી ઓપીડી ચાલુ થઇ ગઇ હોઇ અંદરના વિભાગોમાં મેડિકલ ઓફિસરો દ્વારા ઓપીડી ચાલુ રાખવામાં આવી હતી.

આજે સોમવારે અને મંગળવારે ડોકટરોની દેશવ્યાપી હડતાલમાં રાજકોટના તબિબો પણ જોડાશે તેવું અગાઉથી જ રાજકોટ મેડિકલ એસો.ના પ્રમુખ ડો. લાલચેતાએ જાહેર કર્યુ હતું. રાજકોટની સિવિલ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલમાં સેવા ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. જો કે આજે સવારે સિવિલ હોસ્પિટલના ૨૫૦ જેટલા રેસિડેન્ટ તબિબો પણ હડતાલ પર ઉતરી ગયા હતાં. આ તમામ ઓપીડી બિલ્ડીંગ પાસે જુદા-જુદા બેનરો સાથે એકઠા થયા હતાં અને ઓપીડીના મુખ્ય ગેઇટમાંથી અવર-જવર ન થઇ શકે તે રીતે આડા ઉભા રહી ગયા હતાં.

જો કે સવારે નવ વાગ્યાથી જ ઓપીડી ચાલુ થઇ ગઇ હોઇ જે દર્દીઓ અંદર પહોંચી ગયા હતાં તેને તપાસવાનું મેડિકલ ઓફિસરોએ ચાલુ રાખ્યું હતું. તબિબી અધિક્ષકને રજૂઆત બાદ બધા રેસિડેન્ટ તબિબો બપોરે કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં અને બાદમાં રજૂઆત કરી હતી.

દરમિયાન તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવા ધ્રુવીએ જણાવ્યું હતું કે રેસિડેન્ટ્સની હડતાળને પગલે ઇમર્જન્સી અને ઓપીડીમાં દર્દીઓને કોઇ  તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. મેડિકલ ઓફિસર અને ટ્યુટર્સની મદદથી તમામ ઓપીડી ચાલુ રાખવામાં આવી હતી. ઇમર્જન્સીમાં પણ કોઇ મુશ્કેલી ન આવે તે માટે તમામ ગોઠવણ કરવામાં આવી હતી. 

(3:07 pm IST)