Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પ્રમુખમાર્ગઃ અંધત્વ સામે સંતત્વ

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના મૃત્યુ પ્રસંગે ધૃતરાષ્ટ્ર ખૂબ દુઃખી થઈ ગયા. યુદ્ધકથાનું વર્ણન કરતા સંજયને તેમણે પૂછ્યું, ''હે સંજય ! મેં પૂર્વે કઈ દુષ્કૃત્ય કર્યું હોય તેવું મને યાદ નથી છતાં મારા પુત્રો કેમ હણાયા?'' – આ પ્રશ્ન ધૃતરાષ્ટ્રના મુખે સાંભળીએ કે વાંચીએ ત્યારે આશ્ચર્ય અને આઘાત બંનેનો અનુભવ થાય છે. બાળપણથી જ પાંડવોને અન્યાય કરતા રહેલા ધૃતરાષ્ટ્રને પોતાના દુષ્કૃત્યનો કંઈ ખ્યાલ જ નહીં હોય? ભીમને ઝેરના લાડવા ખવડાવી મારી નાંખવાનું કરેલ જઘન્યકૃત્ય, લાક્ષ્યાગૃહમાં માતા કુંતી સાથે પાંચેય પાંડવોને સળગાવી દેવાનું દુષ્કૃત્ય ધૂત વિદ્યામાં થતા કપટ સમયે આંખ આડા કાન કરવા, ભરસભામાં પોતાના કુળની યુવાન પુત્રવધુનું વસ્ત્રાહરણ થતું હોય ત્યારે મૌન સેવી સમંતિ, પાંડવોને રાજ્યના ભાગરૃપે ફકત પાંચ ગામ આપવાની પણ ના પાડતા દુર્યોધનને રોકવો ટોકવો નહીં. તે રીતે અધર્મને, દુષ્કૃત્યોને સતત પુષ્ટિ આપ્યા જ કરવી અને પછી એમ કહે છે કે, 'મેં કોઈ દુષ્કૃત્ય કર્યું હોય તેવું મને યાદ નથી.' આનાથી વિશેષ આઘાતજનક આશ્ચર્ય કયું હોઈ શકે?

પોતાની ભૂલ ન દેખાય તે ધૃતરાષ્ટ્રવૃત્તિ છે, તે જ અંધત્વ છે. બહુધા સમાજ આવી વૃત્તિમાં જ જીવતો હોય છે.

૧૯૮૭ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ ૪૫૦ સંતો-ભકતોના સંઘ સાથે હિમાલયના બદરીનાથ, કેદારનાથ વગેરે પ્રાસાદિક તીર્થસ્થાનોની યાત્રાએ નીકળ્યા હતા. હિમાલયની યાત્રા અને તેમાંય સંઘ મોટો તેથી નાની મોટી અગવડો પડે તેનો પ્રમુખસ્વામી મહારાજને ખ્યાલ હતો. મુશ્કેલી નિવારવા તેમણે અગાઉથી આયોજન કરેલું. બે મહિના પહેલાં જ તે સ્થાનોએ સંતો કાર્યકરો રૃબરૃ જઈ ઉતારા, રસોઈ વગેરેની વ્યવસ્થા કરી આવ્યા હતા. સુઆયોજનને લીધે યાત્રા સુખરૃપ સંપન્ન થઈ.

આ સંદર્ભમાં થોડા દિવસો બાદ લંડનના રોનફર્ડ વિસ્તારમાં રહેતી એક વ્યકિતનો પત્ર આવ્યો. તેમણે આક્રોશ ઠાલવતાં લખેલું, ''તમારે આટલા મોટા કાફલા સાથે યાત્રાએ ન નીકળવું જોઈએ. તમારી સાથે તે જ દિવસોમાં સમાંતર રીતે અમે પણ યાત્રા કરવા આવેલા. અમને બધી જ જગ્યાએ ઉતારામાં અગવડ પડી. અમારા કુટુંબને તમે દુઃખી દુઃખી કરી નાંખ્યું.

પ્રમુખસ્વામી મહારાજે આ પત્ર વાંચી તેના પ્રત્યુત્તરમાં લખી જણાવ્યું કે 'તમને તકલીફ પડી એ બદલ માફ કરશો. ત્યાં યાત્રા દરમ્યાન તમે અમને વાત કરી હોત તો અમે તમને મદદરૃપ થાત, સગવડ કરાવી દેત. તમને તકલીફ પડે એવો અમારો આશય નહોતો.''

ભૂલ કોની હતી? બે મહિના પહેલાં આયોજન કરીને નીકળેલા પ્રમુખસ્વામી મહારાજની કે વગર આયોજને યાત્રા કરવા ઉતરી પડેલી તે વ્યકિતની? તેમ છતાં માફી માંગે છે પ્રમુખસ્વામી મહારાજ ! અંધત્વ સામે સંતત્વના આ દર્શન છે.

કોઈપણ ઘટના ઘટે તેમાં પોતાની ભૂલ કે વાંક ન જોવાની વૃત્તિ ધૃતરાષ્ટ્રવૃત્તિ છે, તે અંધત્વ છે. પોતાની ભૂલ ન હોવા છતાં પોતાને લીધે સામાવાળાને સ્હેજપણ દુઃખ કેમ થયું? તેવી અંતર્દૃષ્ટિ કરવી તે પ્રમુખસ્વામી મહારાજની વૃત્તિ છે, તે સંતત્વ છે.

બહુધા મનુષ્ય બીજા પર દોષ ઢોળી દે છે તેથી તેની પ્રગતિ અટકે છે, પ્રશ્નનો ઉકેલ મળતો નથી, તથા દુઃખનો અંત ક્યારેય આવતો નથી. સંતો કાયમ સુખી હોય છે કારણ કે તેઓ સતત અંતદ્રષ્ટિ કરે છે, પોતાની ભૂલ જુએ છે અને નિર્માનીપણે, દાસભાવે જીવે છે.

તા. ૧૮-૧૧-૧૯૮૭ના પ્રમુખસ્વામી મહારાજ વાપીમાં સભા કરવા પધાર્યા હતા. ત્યાં  એક મુરબ્બી તેઓને પોતાના ઘરે પધારવાનું આમંત્રણ આપી તૈયારી કરવા ઊપડી ગયા. સભા બાદ પૂછપરછ થઈ તો તેઓ મળ્યા નહીં અને કોઈ પાસે તેઓનું સરનામું પણ નહીં. તો પણ પ્રમુખસ્વામી મહારાજ તેઓએ જણાવેલ રસ્તે ઊભા રહ્યા અને પૂછપરછ કરી છતાં કશો પત્તો લાગ્યો નહીં. આગળ કાર્યક્રમમાં વિક્ષેપ થતો હોવાથી તેઓને મુંબઈ તરફ આગળ નીકળી જવું પડ્યું. પરંતુ મુંબઈ પહોંચતાવેંત તેઓએ વાપીના એ મુરબ્બી પર પત્ર લખ્યો કે, ''આપને ઘરે આવવાનું હતું પણ આપ આગળ નીકળી ગયા તેથી અમે આવી ન શક્યા તે બદલ દીલગીર છીએ.''

પોતાની કોઈ જ ભૂલ ન હોવા છતાં દીલગીરી વ્યકત કરવી, માફી માંગવી તે સંતત્વવૃત્તિ છે પ્રમુખસ્વામી મહારાજની વૃત્તિ છે.

જો આપણા રોજીંદા જીવનમાં અંતદ્રષ્ટિ કરવાની, ભૂલો જોવાની, માફી માંગવાની આવી ટેવ પડે તો ઘરના, વ્યવસાયના, સંબંધીઓ સાથેના વ્યવહારના કેટલાય પ્રશ્નો ઓછા થઈ જાય! આ માર્ગે ચાલવું તે જ પ્રમુખમાર્ગ છે, સુખશાંતિનો માર્ગ છે.(૩૦.૪)

સાધુ નારાયણમુનિદાસ

 

(3:09 pm IST)