Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડામાં શહેરની સુરક્ષા માટે ૩૦૦૦ના સ્ટાફને ૪૮ કલાક ફરજ પર રહેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આદેશ

રાજકોટવાસીઓને વહિવટી તંત્રની સુચનાઓનું પાલન કરવા અને આજ સાંજથી પરમ દિવસ સવાર સુધી ઘરમાં જ રહેવા અનુરોધ : લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલઃ ઓક્સિજન લઇને જતી ગ્રીન કોરીડોર માટે પણ શહેર પોલીસે ખાસ વ્યવસ્થા કરીઃ સંભવીત વિકટ પરિસ્થિતિને પહોîચી વળવા શહેર પોલીસ સજ્જ : ભક્તિનગર પોલીસે આનંદનગરના ૧૫ ભયજનક બ્લોક ખાલી કરાવ્યાઃ લોકોને શાળા-કોમ્યુનિટી હોલમાં ખસેડ્યા : એક બ્લોકમાં બાર ક્વાર્ટર છેઃ લલુડી વોકળીમાંથી ૭૦નું સ્થળાંતરઃ આ તમામ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા

ભકિતનગર પોલીસે સંભવીત વાવાઝોડા સામે લોકોની રક્ષા કરવા આગોતરી તૈયારી રાખી છે તેના દ્રશ્યો જોઇ શકાય છે : કિતનગર પોલીસે માઇકથી સુચના આપી આનંદનગર કોલોનીના ભયજનક એવા ૧૫ બ્લોકના રહેવાસીઓને બપોરના ત્રણ પહેલા સલામત સ્થળે શાળા નં. ૬૩ તથા કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી

રાજકોટ તા. ૧૭ઃ સંભવીત વાવાઝોડાની તિવ્રતાને ધ્યાને રાખી રાજકોટ શહેરમાં લોકોના જાન-માલને નુકસાન ન થાય એ માટે થઇને શહેર પોલીસ તંત્ર તમામ રીતે સજ્જ થઇ ગયું છે. શહેરીજનોની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો મળી ૩૦૦૦નો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલવે આગામી ૪૮ કલાક સુધી તમામ અધિકારીઓ સહિતના સ્ટાફને ઘરે નહિ જવા અને સતત ફરજ પર હાજર રહેવા સુચના આપી દીધી છે. શ્રી અગ્રવાલે રાજકોટવાસીઓને પણ વહિવટી તંત્રએ આપેલી સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે અને આજ સાંજથી પરમ દિવસ સવાર સુધી ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે સંભવીત વાવાઝોડાને પગલે શહેરના લોકોની સુરક્ષાની જવાબદારી રાજકોટ પોલીસ નિભાવવા માટે તમામ રીતે સજ્જ છે. સંભવીત વાવાઝોડાને પગલે આગામી ૪૮ કલાક સુધી તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને લોકોની વચ્ચે કાર્યરત રહેવા આદેશ કરી દેવામાં આવ્યો છે અને તમામને ઘરે ન જઇ ફરજ પર જ હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોએ કારણ વગર ખોટી અફવાઓથી દૂર રહેવું અને આજ સાંજથી પરમ દિવસ સવાર સુધી ઘરમાં જ રહી સલામત રહેવું. ઘરના બારી બારણાઓ કાચના હોય તો આગળ પરદા લગાવી દેવા અને બીજા જે કોઇ નિયમો વહિવટી તંત્રએ વાવાઝોડાથી બચવા માટેના જાહેર કર્યા છે તેનું પાલન કરવું જરૃરી છે.

પોલીસ તમામ રીતે લોકોની સુરક્ષા કરવા માટે તૈનાત છે. લોકોએ પણ પોતાની ફરજ સમજી નિયોમું પાલન કરવું અને તંત્રને સહકાર આપવો એ જરૃરી છે. શહેર પોલીસ વાવાઝોડામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

આ ઉપરાંત ઓકિસજન લઇને અમદાવાદ તરફથી જામનગર જતાં વાહનો માટેના ગ્રીન કોરીડોરની વ્યવસ્થા પણ શહેર પોલીસે કરી હોવાનું શ્રી અગ્રવાલે જણાવ્યું હતું.

તમામ પોલીસ મથકના પીઆઇ  અનેટ ટીમોએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીશ્રીઓની સુચના અને રાહબરી હેઠળ પોતપોતાના વિસ્તારોમાં જરૃરી પગલા લઇ લીધા છે.

ભકિતનગર પોલીસની ખાસ તૈયારી

જેમાં ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમોએ રસ્તાઓ ઉપર આવેલા તેમજ ભયજનક જણાતા ઝાડ કાપવા ટીમો કામે લગાડી હતી, મોટા હોર્ડિંગ્સ હટાવ્યા છે, ૧૪૫ જેટલા લોકોને સ્થળાંતર કરાવ્યું છે. આનંદનગર કોલોનીના ૧૫ બ્લોક ભયજનક હોઇ અહિના રહેવાસીઓને નજીકની શાળા નં. ૬૩ તથા વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલમાં સલામત સ્થળે ખસેડ્યા છે. અહિ મહાનગર પાલિકા દ્વારા આ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત છ જેટલા સેન્ટર હોમ કાર્યરત રખાયા છે. પોલીસ સ્ટેશનમાં મજૂરો, દોરડાઓ, ટોર્ચ, લાઇટ સહિતની ચીજવસ્તુઓ, અલગથી જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોન દ્વારા મકાનની છત સર્ચ કરવામાં આવી છે. ઇમર્જન્સી લાઇટ પોલ તૈયાર કરાયા છે. તરતા આવડે એવા ૧૫ સહરક્ષક તૈયાર રખાયા છે. કનૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપના ૫૦ યુવાનોની ટીમ સંભવીત વાવાઝોડા સામે મદદ માટે તૈયાર રખાઇ છે. લલુડી વોંકળી વિસ્તારમાંથી ૭૦ લોકોનું સ્થળાંતર કરાવાયું છે.

આ રીતે તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર્સ અને તેમની ટીમોએ પોતપોતાના વિસ્તારોમાં જ્યાં નીચાણવાળો ભાગ હોય જોખમી મકાનો હોય ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવાની મહાનગર પાલિકાની કાર્યવાહીમાં સામેલ થઇ મદદ કરી છે. તેમજ વિસ્તારના લોકોને સતત સાવચેત, સલામત અને ઘરમાં રહેવા સુચના-અનુરોધ કર્યો છે.

(5:15 pm IST)