Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

યુપીની નકલી માર્કશીટનું જબરૂ કૌભાંડ ઝડપી લેતી શહેર એસઓજીઃ શિક્ષક સહિત પાંચ પકડાયા

ધોરણ-૧૦, ૧૨ની રૂ. ૨૫ થી ૩૫માં અને અને ગ્રેજ્યુએશનની બોગસ માર્કશીટ રૂ. ૬૦ હજારમાં વેંચાતી'તીઃ વિશ્વકર્મા સોસાયટીનો શિક્ષક અને યુપીનો રામસીંગ સુત્રધાર : સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી પાસે રહેતાં શિક્ષક ભાવિક ખત્રી, તેની પાસેથી નકલી સર્ટીફિકેટ ખરીદનારા સત્યમ પાર્કના હરિકૃષ્ણ ચાવડા, ઉદયનગરના પ્રિતેશ ભેંસદડીયા, શ્રીરામ પાર્કના વાસુ પટોળીયા અને સુરત દેવજીનગરના સુરેશ પાનસુરીયાની ધરપકડઃ જસદણના દિલીપ રામાણી, નાના મવા રોડ ઉપાસના પાર્કના પ્રફુલ ચોવટીયા, પટેલનગરના સુરેશ વસોયાની શોધખોળ : પ્રિતેશ ભેંસદડીયાએ નકલી માર્કશીટને આધારે ઇન્દોરમાં બીસીએનું બીજુ વર્ષ પુરૂ કરી લીધું અને વાસુ પટોળીયાએ આર. કે. કોલેજમાં બી-ફાર્મનું બીજુ વર્ષ પુરૂ કરી લીધું! : એસઓજીના કોન્સ. અનિલસિંહ ગોહિલ, અઝહરૂદ્દીન બુખારી અને સોનાબેન મુળીયાની બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અંસારીની ટીમ અને પીઆઇ આર.વાય. રાવલની ટીમને સફળતા : ફિઝીકસના શિક્ષક ભાવિકે ધોળકીયા સ્કૂલમાં પણ નોકરી કરી હતીઃ જાહેર ખબર વાંચી રામસીંગની સંપર્ક કર્યો'તોઃ રામસીંગ ઓર્ડર મુજબ નકલી માર્કશીટ બનાવીને મોકલતો હતોઃ ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ-વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધોરણ-૧૦, ૧૨ની નકલી માર્કશીટ અપાતી હતી : જસદણનો દિલીપ રામાણી કોલેજ અને સ્કૂલનો સંચાલકઃ તેણે પણ નકલી સર્ટીફિકેટ વેંચાતા લીધાનું ખુલ્યું: કેટલા અને કોના માટે લીધા? તે વિગતો તે ઝડપાયા બાદ બહાર આવશે

કૌભાંડઃ નકલી માર્કશીટના કારસ્તાનની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ આર. વાય. રાવલ, સાથે પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમ તથા ઝડપાયેલા આરોપીઓ જોઇ શકાય છે. જેમાં બીજા નંબરે ટી-શર્ટ અને ચશ્મા પહેરેલો શખ્સ શિક્ષક ભાવિક ખત્રી છે (ફોટોઃ સંદિપ બગથરીયા

રાજકોટ તા. ૧૭: શહેર એસઓજીની ટીમે ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધોરણ-૧૦, ૧૨ની નકલી માર્કશીટ વેંચવાનું જબરૂ કૌભાંડ ઝડપી લઇ શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં શિક્ષક ખત્રી યુવાન અને તેની પાસેથી નકલી માર્કશીટ્સ ખરીદનારા ચારને પકડી લીધા છે. બીજો સુત્રધાર યુપીનો શખ્સ અને નકલી ર્માકશીટ ખરીદનારા અન્ય ચારના નામ ખુલતાં તેની શોધખોળ શરૂ થઇ છે. શિક્ષક યુવાને યુપીના શખ્સનો એક જાહેરખબર મારફત સંપર્ક કરી નકલી માર્કશીટના ગોરખધંધા શરૂ કર્યા હતાં. યુપીનો શખ્સ નકલી માર્કશીટ ઓર્ડર મુજબ બનાવીને મોકલતો હતો. જેને શિક્ષક ખત્રી યુવાન રૂ. ૨૫ હજારથી માંડી ૩૫ હજારમાં મુર્ગા એવા ભાવ મુજબ વેંચતો હતો. ચોંકાવનારી વાત એ છે કે બે વિદ્યાર્થીઓએ તો નકલી માર્કશીટને આધારે ઇન્દોર અને રાજકોટની કોલેજમાં અભ્યાસ પણ પુરો કરી લીધો છે.

સમગ્ર કારસાની વિગતો પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલે માહિતી આપી હતી. પોલીસે નકલી માર્કશીટના આ કૌભાંડમાં ફિઝીકસ વિષય ભણાવતાં શિક્ષક ભાવિક પ્રકાશભાઇ ખત્રી (ઉ.વ.૨૮-રહે. ૮/૮૯ વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૫, ગંગોત્રી ડેરી પાસે સાધુ વાસવાણી રોડ), હરિકૃષ્ણ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.૨૪-રહે. ૪૦૫ શિવમ્ એપાર્ટમેન્ટ, સત્યમ પાર્ક ૮૦ ફુટ રોડ હુન્ડાઇ શો રૂમ સામે), પ્રિતેશ ગણેશભાઇ ભેંસદડીયા (ઉ.વ.૨૧-રહે. કૃપા, ૧૦/બી ઉદયનગર વિશ્વેશ્વર મંદિર પાસે નાના મવા મેઇન રોડ), વાસુ વિજયભાઇ પટોળીયા (ઉ.વ.૨૧-રહે. શ્રીરામ પાર્ક-૧, શેરી નં. ૧ કલ્યાણ પાર્ક પાછળ નાના મવા રોડ રાજકોટ) તથા સુરેશ દેવજીભાઇ પાનસુરીયા (તે પ્રિયેન સુરેશભાઇ પાનસુરીયાના વાલી) (ઉ.વ.૨૮-રહે. દેવજીનગર સોસાયટી બ્લોક નં. ૨૮, ભવાની સર્કલ એ. કે. રોડ સુરત)ની ધરપકડ કરી છે.

જ્યારે સુત્રધાર રામસિંગ (રહે. યુપી), દિલીપ ખીમાભાઇ રામાણી (ઉ.વ.૪૫-રહે. ચીતલીયા રોડ, બહુચરનગર ગેલ માતાજીના મંદિર સામે જસદણ), પ્રફુલ અરજણભાઇ ચોવટીયા (તે વાલી મહેશકુમાર પ્રફુલભાઇ ચોવટીયા) (રહે. ૪૦૨, વૃજ કોમ્પલેક્ષ ઉપાસના પાર્ક બાલાજી હોલ પાછળ નાના મવા રોડ) તથા સુરેશ વસોયા (તે શિલેષ સુરેશભાઇ વસોયાના વાલી) (રહે. પટેલનગર-૧૧, શેરી નં. ૧૧ ઓમનગર પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ) તથા તપાસમાં ખુલે તે તમામની શોધખોળ હાથ ધરી છે.

એસઓજીના કોન્સ. અનિલસિંહ ગોહિલ, પેરોલ ફરલો સ્કવોડના અઝહરૂદ્દીન બુખારી અને સોનાબેન મુળીયાને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી પાસે ૮/૮૯ વિશ્વકર્મા સોસાયટી-૫માં રહેતો ભાવિક ખત્રી નામનો શખ્સ ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના નામની તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ-૧૦ અને ૧૨ની નકલી માર્કશીટ બનાવી આપે છે.

આ બાતમીને આધારે તા. ૭/૫ના રોજ તેના ઘરે જઇ તપાસ કરતાં ઘરની જડતી કરતાં ઘરમાંથી ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધો-૧૦, ૧૨ની નકલી શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. આ મામલે એન્ટ્રી નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન હોઇ ભાવિક ખત્રી પાસેથી મળેલી માર્કશીટની ખરાઇ થઇ શકી નહોતી. એ પછી ઉપરોકત બોર્ડ અને યુનિવર્સિટીના અધિકારીઓને સરકારી ઇ-મેઇલથી અને સ્પીડ પોસ્ટથી સર્ટિફિકેટની ખરાઇ કરાવવા માટે મોકલતાં ત્યાંથી ૧૫/૫ના રોજ જવાબ આવ્યો હતો કે કબ્જે થયેલી માર્કશીટો ડુપ્લીકેટ છે. આ પછી શિક્ષક ભાવીક ખત્રી તથા તેની પાસેથી નકલી માર્કશીટ ખરીદનારા હરિકૃષ્ણ ચાવડા, પ્રિતેશ ભેંસદડીયા, વાસુ પટોળીયા, સુરેશ પાનસુરીયાની ધરપકડ કરવામાં આવી છે.

બાકીના હાથમાં આવ્યા નથી. તે પૈકી જસદણનો દિલીપ રામાણી પોતે ત્યાં કોલેજ અને હાઇસ્કૂલ ચલાવે છે. તેવું જાણવા મળ્યું છે. ક્રિષ્ના લો કોલેજ સાથે તે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના હાથમાં તે હાલમાં આવેલ નથી. તેના સહિત પ્રફુલ ચોવટીયા, સુરેશ વસોયા અને રામસીંગની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને સુચના હેઠળ પીઆઇ આર. વાય. રાવલના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, કોન્સ. અનિલસિંહ ગોહિલ, અઝહરૂદ્દીન બુખારી, સિરાજભાઇ ચાનીયા, સોનાબેન મુળીયા, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ સહિતે આ કામગીરી કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શિક્ષક ભાવિક ખત્રી ફિઝીકસનો શિક્ષક છે. તેણે અગાઉ ધોળકીયા સ્કૂલ સહિતની સ્કૂલમાં નોકરી કરી છે અને પ્રાઇવેટ ટ્યુશન કલાસ ચલાવ્યા છે. હાલમાં લોકડાઉન હોઇ તે ઘરે બેસે છે. તે નાપસા થતાં કે ભણવામાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ કે તેના વાલીઓનો સંપર્ક કરી તેને નકલી માર્કશીટ અપાવી દેતો હોવાની શકયતાને આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. સુત્રધાર રામસીંગ ઝડપાયા બાદ વધુ મોટુ કૌભાંડ ખુલવાની શકયતા છે. ભાવિક રાજકોટથી ગ્રાહકો શોધતો અને રામસીંગને જાણ કરતો તેના આધારે ઓર્ડર મુજબ રામસીંગ ધોરણ-૧૦, ૧૨ની અને બીકોમ, બીએસસીની નકલી માર્કશીટ મોકલતો હતો. જેનો ભાવ  રૂ. ૨૫ હજારથી ૬૦ હજાર સુધીનો હતો.

બે આરોપીઓ પ્રિતેશ ભેંસદડીયાએ નકલી માર્કશીટને આધારે ઇન્દોરની સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીમાં બીએસસીસનું બીજુ વર્ષ પુરૂ કરી લીધું છે. જ્યારે વાસુ પાટોળીયાએ રાજકોટની આર. કે. કોલેજમાં બી. ફાર્મમાં બીજુ વર્ષ પુરૂ કરી લીધુ છે. કુલ કેટલી આવી નકલી માર્કશીટો વેંચી છે? બીજુ કોણ કોણ સામેલ છે? તે સહિતની તપાસ થઇ રહી છે.

(3:08 pm IST)
  • વાવાઝોડા- ભારે વરસાદની આગાહી સંદર્ભે આજી નદી કાંઠે રેડ એલર્ટ : રાજકોટમાં નદી કાંઠાના જંગલેશ્વર-બેડીપરા-રામનાથપરા વિસ્તારમાં માઇક દ્વારા લોકોને સાવચેત રહેવા ચેતવણી અપાઇઃ નદીના પટ્ટમાં અવર-જવર પર પ્રતિબંધઃ જરૂર પડે ૭૦૦ થી ૮૦૦નાં સ્થળાંતર માટે રેસ્કયુ સેન્ટર તૈયાર રખાયાઃ રબ્બર બોટ, દોરડા, ટયુબ સહિતનાં સાધનો સાથે રેસ્કયુ ટીમો તૈનાત access_time 12:15 pm IST

  • વાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૨૦ રહેવાની હોય રાજકોટ શહેર જીલ્લાના લોકો જર્જરીત અને કાચા મકાનોમાંથી તાકીદે ખસી જાય : કલેકટર : વાવાઝોડા સંદર્ભે રાજકોટ કલેકટર રેમ્યા મોહનની લોકોને અપીલ : વાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૧૦-૧૨૦ કિ.મી. રહેવાની હોય ચેતવણી હોય લોકો પોતાના જર્જરીત અને કાચા મકાનોમાંથી તાત્કાલીક ખસી જાય : તંત્ર દ્વારા ગઈકાલથી જ સ્થળાંતરની કામગીરી ચાલુ છે : સ્થળાંતર અંગે નજીકના મામલતદાર - તલાટી - ડે. કલેકટરનો સંપર્ક તાકીદે કરવો access_time 12:15 pm IST

  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST