Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પત્નિ મોબાઇલ ફોનમાં કોઇ સાથે વાત કરતી હતી...આ કારણે શરૂ થયેલા ઝઘડામાં પતિની હત્યાઃ પત્નિ-સસરાએ પકડ્યો અને સાળીએ છરી ઝીંકી

મોરબી રોડ પર ચામડીયાપરામાં રહેતાં ૩૬ વર્ષના યુવાનને નજીકના ગણેશનગરમાં સસરા હારૂનભાઇના ઘરે પતાવી દેવાયોઃ હુમલા બાદ ખુદ સસરા, સાળી અને પત્નિએ જ હોસ્પિટલે ખસેડ્યોઃ બે દિકરી અને એક દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં માતમ :બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનનારના પિતા રહેમાનભાઇ મુસાણીની ફરિયાદ નોંધી આરોપીઓ સાળી મુમતાઝ ઉર્ફ મુસ્કાન અને પત્નિ ઇલ્ફીઝાને સકંજામાં લીધાઃ સસરા હારૂન ભાડૂલા ફરારઃ હત્યાનો ભોગ બનનાર બે ભાઇ અને ત્રણ બહેનમાં સોૈથી મોટો હતો :ઇલ્ફીઝા કોની સાથે વાત કરતી હતી? એ જાણવા પોલીસ કોલ ડિટેઇલ કઢાવશે :સવારે આઠ વાગ્યે ઝઘડો થતાં પિતા રહેમાનભાઇએ રૂબરૂ જઇ સમાધાન કરાવ્યું હતું: સાંજે સાડા આઠે ફરી ઝઘડો થયો અને લોથ ઢળીઃ પરિવારમાં માતમ :કોની સાથે વાત કરતી'તી ફારૂકે પુછતાં પત્નિએ કહ્યું-બહેનપણી છે, આથી ફારૂકે-જો બહેનપણી હોય તો મારી સાથે વાત કરાવ...પણ પત્નિ ઇલ્ફીઝાએ વાત ન કરાવતાં ફારૂકને વધુ શંકા જાગી'તી :પેટમાંથી આંતરડુ નીકળી ગયું: માથા અને ખભા ઉપર પણ ઇજા :સાંજે હારૂનભાઇએ વેવાઇ રહેમાનભાઇના ઘરે રૂબરૂ આવીને કહ્યું-તમારા દિકરા ફારૂકે ફરી અમારા ઘરે આવી ઝઘડો કરતાં ઝપાઝપી થતાં મેં અને મારી દિકરીઓએ તેને માર માર્યો છે, બેભાન પડ્યો છે, મોઢુ જોવું હોય તો આવી જાવ

ફારૂકનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને તેના ઘરે વિગતો જણાવતાં પિતા રહેમાનભાઇ, માતા હુરબાઇબેન, બહેન અને ભાઇ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: શહેરના જુના મોરબી રોડ પર ચામડીયાપરા હુશેની મસ્જીદ પાસે રહેતાં અને મજૂરી કરતાં ફારૂક રહેમાનભાઇ મુસાણી (ઉ.વ.૩૬)ને ઘર નજીક ગણેશનગરમાં સસરા હારૂનભાઇ અને પત્નિ ઇલ્ફીઝાએ પકડી રાખી તેની સાળી મુમતાઝ ઉર્ફ મુસ્કાને ઇંટથી માર મારી તેમજ છરીથી પેટ, ખભા, માથામાં ઘા ઝીંકી તેને પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રવિવાર સવારથી ફારૂક અને તેની પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. બાર કલાકના ગાળામાં આ ઝઘડો વકર્યો હતો અને સાંજે સાડા આઠેક વાગ્યે ફારૂકની લોથ ઢળી ગઇ હતી. પત્નિ ઇલ્ફીઝા ફોનમાં કોઇ સાથે વાત કરતી હતી. તેણીને પુછતાં બહેનપણી હોવાનું કહેલું. આથી ફારૂકે એ બહેનપણી સાથે પોતાને વાત કરાવવાનું કહેતાં પત્નિએ વાત કરાવી નહોતી. આ શંકાને લીધે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. 

આ બનાવમાં હત્યાનો ભોગ બનનાર ફારૂકના પિતા મોરબી રોડ જુના જકાતનાકા પાસે ચામડીયાપરા ખાટકીવાસ ગાંધી વસાહત મેઇન રોડ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસ રહેતાં અને ભંગારના ટાયર ટ્યુબની ફેરી કરી ગુજરાન ચલાવતાં રહેમાનભાઇ જીવાભાઇ મુસાણી (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ફારૂકની સાળી મોરબી રોડ જુના જકાતનાકા ગણેશનગર-૮, આંગણવાડીની સામે રહેતી મુમતાઝ ઉર્ફ મુસ્કાન હારૂનભાઇ ભાડુલા, તથા સસરા હારૂનભાઇ જમાલભાઇ ભાડુલા અને પત્નિ ઇલ્ફીઝા ફારૂક મુસાણી સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધી સાળી અને પત્નિને સકંજામાં લીધા છે. સસરો ભાગી ગયો હોઇ તેની શોધખોળ હાથ ધરી છે.

 રહેમાનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તથા મારી પત્નિનું નામ હુરબાઇબેન છે. અમારે સંતાનમા ત્રણ દિકરી અને બે દિકરાઓ છે. જેમા સૌથી મોટો દિકરો ફારૂક જે ચામડીયાપરા વિસ્તારમાં મસ્જીદની બાજુમા જુનો મોરબી રોડ રાજકોટ ખાતે રહે છે અને મજુરી કામ કરતો હતો. ફારૂકના પત્નિનું નામ ઇલ્ફીઝા છે. ફારૂકને સંતાનમાં બે દિકરીઓ તરન્નુમ તથા આફરીન તથા એક દિકરો મહમદઅલી છે. મારી ત્રણ દિકરીઓમાં નાની દિકરી નજમા સલીમભાઇ તરકવાડીયા તથા એનાથી નાની અનીસા હાજીભાઇ તરકવાડીયા  ભગવતીપરામાં સાસરે છે. તેનાથી નાની હુશેના છે. તેનાથી નાનો દિકરો હુશેન જે અમારી સાથે રહે છે તેના પત્નિનું નામ નસીમબેન છે, અને તેને સંતાનમાં એક દિકરો છે.

રવિવારે તા.૧૬/૦૫ના સવારના આશરે આઠેક વાગ્યે હું મારી ઘરે હાજર હતો ત્યારે મારા દિકરા ફારૂકની દિકરીઓ અમારા ઘરે આવી હતી અને મને કહેલ કે-મારા પિતા તથા મારી માતા ઝગડો કરે છ, તમો ત્યા આવો. જેથી હું તુરંત મારા દિકરા ફારૂકના ઘરે ગયેલ તો મારા દિકરો ફારૂક તેના ઘરે સુતો હતો. જેથી મે તેના પત્નિ ઇલ્ફીઝાને પુછેલ તો તેણીએ મને જણાવેલ કે, 'આજે સવારનો ફારૂક મારી સાથે બોલાચાલી કરી મારી સાથે ઝગડો કરે છે અને અત્યારે સુઇ ગયેલ  છે'. જેથી મેં તેઓને કહેલ કે તે ઉઠે એટલે મને કહેજો તેમ કહી હું મજુરી કામ કરવા માટે જતો રહ્યો હતો. બાદમા બપોરના ફારૂકના સસરા હારૂનભાઇ જમાલભાઇ ભાડુલા કે જેઓ મોરબી રોડ જુના જકાતનાકા ગણેશનગર શેરી નં. ૮ આંગણવાડીની સામે રાજકોટ ખાતે રહેતા હોઇ તેઓનો મને ફોન આવેલ કે, 'ફારૂક અમારા ઘરે આવીને ઝગડો કરે છે'. જેથી હું આ મારા વેવાઇ હારૂનભાઇના ઘરે ગયેલ તો ત્યા મારો દિકરો તેની પનિ ઇલ્ફીઝા સાથે બોલાચાલી કરી ઝગડો કરતો હતો.

જેથી મે તેને ઝગડો ન કરવા સમાજાવ્યો હતો અને ઝગડાનું કારણ પુછતા ફારૂકે મને કહેલું કે-મારી પત્નિ ફોનમા કોઇ સાથે વાતચીત કરતી હતી જેથી મે તેને પુછેલ કે કોની સાથે વાતચીત કરે છે? તો તેણીએ મને કહેલ કે હું મારી બહેનપણી સાથે વાતચીત કરતી હતી જેથી મે તેને મારી સાથે વાતચીત કરાવવાનું કહેતા તેણીએ મને વાત  કરાવેલ નહિ. આ કારણે  મને મારી પત્નિ ઉપર શંકા છે કે તે કોઇ છોકરા સાથે વાતચીત કરે છ. આ કારણે અમારી વચ્ચે ઝઘડો થયો છે.

આટલી વાત કરી મારો દિકરો ત્યાંથી જતો રહેલ હતો. બાદમાં હું ત્યાંથી મારા ઘરે જતો રહેલ હતો. એ પછી સાંજના આશરે સાડા આઠેક વાગ્યે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા દિકરા ફારૂકના સસરા અને અમારા વેવાઇ હારૂનભાઇ ભાડુલાનો મને ફોન આવેલ કે તમારો દિકરો ફારૂક ફરીથી અહી મારી પાસે આવીને ઝગડો કરે છે. જેથી મે તેઓને કહેલ કે તમો તેને સમજાવીને ત્યાથી તેના ઘરે મોકલી આપા. એ પછી થોડી જ વારમાં ત્યાં ચામડીયાપરામાં ૨હેતા મહમદભાઇ ભાલા તથા એક છોકરો મોટર સાયકલ લઇને અમારા ઘરે આવેલ ત્યારે અમારા ઘરે હું તથા મારી પત્નિ હુરબાઇ હાજર હતા. તેણે અમોને કહેલ કે તમારા દિકરા ફારૂક તથા તેના સસરા હારૂનભાઇ તથા તેની પત્નિ ઇલ્ફીઝા અને સાળી મુસ્કાન વચ્ચે ઝગડો થયો છે અને ફારૂકને શરીરે ઇજાઓ થઇ છે. ફારૂક તેના સસરા હારૂનભાઇના ઘર પાસે બેભાન હાલતમાં પડ્યો છે. આ વાત કરી તે જતા રહ્યા હતાં. 

હું ત્યા જવાની તૈયારી કરતો હતો ત્યા આ મારા વવાઇ હારૂનભાઈ ભાડુલા તથા તેની સાથે સાજીદ બાવનકા ત્યા અમારા ઘરે આવેલ અને મને તથા મારી પત્નિને કહેલ કે-'તમારો દિકરો ફારૂક અત્યારે અમારા ઘરે આવીને ફરીથી મારી સાથે ઝગડો કરી ઝપાઝપી કરતા મેં તથા મારી દિકરીઓએ સાથે મળીને ફારૂકને માર મારતા તે બેભાન હાલતમા અમારા ઘર પાસે પડેલ છે,અને તમારે મોઢું જોવુ હોય તો ત્યા આવો' તેમ કહીને તે ત્યાંથી જતા રહ્યા હતાં. ત્યારબાદ હુ તુરંત મારા દિકરા ફારૂકને જોવા માટે આ હારૂનભાઇ ભાડુલાના ઘર પાસે જતા ત્યા મારો દિકરો હાજર ન હતો. ત્યા હાજર માણસોએ મને જણાવેલ કે, 'તમારા દિકરા ફારૂક તથા તેના સસરા હારૂનભાઇ તથા ફારૂકની પત્નિ ઇલ્ફીઝા તથા તેની સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાન વચ્ચે ઝગડો થયેલ જેમા મુમતાઝ ઉર્ફે મુસ્કાને છરી વડે તથા ઇંટ વડે ફારૂકને માર મારેલ હતો અને હારૂનભાઇ તથા ઇલ્ફીઝાએ તેને પકડીને ઢીકા પાટુનો માર મારેલ હતો. જેથી ફારૂકભાઇને શરીરે ગંભીર ઇજાઓ થતા તેને સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા છે.'

આ વાત સાંભળી હુ તુરંત જ મારા ઘરે ગયેલ અને ત્યાથી મારી પત્નિ તથા મારા ભત્રીજા આબીદભાઇ હબીબભાઇ મુસાણી તથા મેહબુબભાઇ સુલેમાનભાઇ મુસાણીને આ બનાવની વાત કરી હતી અને અમે બધા સરકારી દવાખાને ઇમરજન્સી વોર્ડ ખાતે ગયા હતાં. ત્યા આ ફારૂક સ્ટેચરમા  બેભાન હાલતમાં હતો. તેની પત્નિ ઇલ્ફીઝા ત્યાં હાજર હતી. અમે ડોકટરને  પુછતા તેઓએ ફારૂક મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતુ.

અમે  ફારૂકના શરીરે જોતા તેને પેટના ભાગે એક ઇજાનો ગંભીર ઘા દેખાયો હતો. તેમજ જમણા હાથના ખંભા ઉપર એક ઇજાનો ઘા હતો. આ ઉપરાંત માથામા પાછળના ભાગે ઇજાનો ઘા હતો. તેમાંથી લોહી નીકળેલ હતુ. આ પછી તેની પત્નિને શું થયું? તે અંગે પુછતા તેણીએ જણાવેલ કે, 'ફારૂક સાથે મારે તથા મારી બહેન મુસ્કાન તથા મારા પિતાને ઝગડો થયો હતો. તેમાં ફારૂકને ઇજા થઇ છે. ત્યારબાદ મારો નાનો દિકરો હુશેન તથા અમારા અન્ય સંબંધીઓ આવી ગયા હતાં.

રહેમાનભાઇએ પોલીસ ફરિયાદમાં અંતમાં જણાવ્યું હતું કે આ બનાવ બનવાનુ કારણ એ છે કે મારા દિકરા ફારૂકને રવિવારે સવારથી તેની પત્નિ ઇલ્ફીઝા તથા તેના સસરા સાથે ઘરકંકાસ બાબતે બોલાચાલી અને ઝગડો ચાલુ હોઇ જેથી સાંજના સાડા આઠેક વાગ્યાની આસપાસ મોરબી રોડ ગણેશનગ-૮ આંગણવાડીની સામે રહેતાં મારા વેવાઇ હારૂનભાઇ ભાડુલાના ઘરે દિકરો ફારૂક વાતચીત કરવા જતા ત્યાં તેને સસરા હારૂનભાઇ સાથે બોલાચાલી થતા હારૂનભાઇ તથા ફારૂકની પત્નિ ઇલ્ફીઝા તથા સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાને ખાર રાખી મારા દિકરા સાથે ઝગડો કર્યો હતો. સસરા હારૂનભાઇ તથા પત્નિ ઇલ્ફીઝાએ મારા દિકરાને પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાને મારા દિકરા ફારૂકને ઇંટ વડે માથાના ભાગે તથા છરી વડે પેટના ભાગે તથા જમણા હાથના ખંભા ઉપર ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી છે.

પીઆઇ બી. એમ. ઓૈસુરા, પીએસઆઇ કોડીયાતર, રશ્મીનભાઇ પટેલ, વિરમભાઇ ધગલ, મનોજભાઇ, સલિમભાઇ, હેમેન્દ્રભાઇ સહિતે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. હાલ તો ઇલ્ફીઝા બહેનપણી સાથે જ વાત કરતી હોવાનું અને પતિએ ખોટી શંકા કરી ઝઘડો કર્યાનું રટણ કર્યુ છે. તે  ખરેખર કોની સાથે વાત કરતી હતી? તે જાવણા પોલીસ કોલ ડિટેઇલ કઢાવશે.

(1:41 pm IST)