Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજકોટમાં ગઇરાત્રે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી : ૮ વૃક્ષો ધરાશાયી

ભકિતનગર સર્કલ, લીંબુડી વાડી, વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડયા : ફાયરબ્રિગેડની ટીમો સતત દોડતી રહી : ભકિતનગર સર્કલ અને રેસકોર્ષ મેદાનનું ટેસ્ટીંગ બુથ વેરવિખેર

રાજકોટ તા. ૧૭ : શહેરમાં ગઇકાલે આખો દિવસ વાવાઝોડા આવે તે પૂર્વની વ્યાપક અસરો જોવા મળી હતી. લોકોએ આકરો બફારો અનુભવ્યો અને સાથે પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ગઇકાલે રાત્રે ઝંઝાવાતી પવનો ફૂંકાયા, ધૂળની ડમરીઓ આકાશમાં ઊંચે સુધી ઉડી અને ઠંડા પવનો વહેતા થયા હતા. શહેરમાં ઘડીભર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોને રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો - રાહદારીઓ આંખો ખોલીને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. ભારે પવનને લઇને ભકિતનગર સર્કલ વિસ્તારમાં ૮૦ ફુટ રોડ પર તથા લીંબુડી વાડી સહિતના તોતીંગ વૃક્ષ ધરાશય થયા હતા. સાથોસાથ ભકિતનગર સર્કલ અને રેસકોર્ષ મેદાનમાં આવેલ કોરોના ટેસ્ટીંગ બુથ વેરવિખેર થવા પામ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલે રાત્રે ૮.૦૫થી ૮.૧૦ની વચ્ચે ૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી રાજકોટમાં પવન ફૂંકાયો જ્યારે તે પૂર્વે અને બાદમાં ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય રહ્યો હતો. રાજકોટના અમુક ભાગોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ તોફાની પવનના કારણે ૮ સ્થળો પર વૃક્ષ ધરાશયી થયાના બનાવ બન્યા છે. જેમાં વિજય પ્લોટ શેરી નં. ૧૫, સાધુ વાસવાણી મેઇન રોડ, ગીતાનગર શેરી નં. ૩, કાલાવડ રોડ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ખોડીયારનગર પાસે અને રેલનગરમાં વૃક્ષ ધરાશાયી થયાના બનાવ સામે આવ્યા છે. તમામ સ્થળોએ ચીફ ફાયર ઓફિસર શ્રી ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર શ્રી ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયરબ્રિગેડની ટીમે દોડી જઇ પડી ગયેલા વૃક્ષ કે તેની ડાળીઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબુડીવાડી મેઇન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા કાર દબાઇ ગઇ હતી. જોકે ફાયરબ્રિગેડની ટીમે તુરંત દોડી આવી પડી ગયેલ વૃક્ષ હટાવ્યું હતું. ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ તમામ બનાવોમાં કોઇપણ સ્થળે સદનશીબે ઇજા કે જાનહાનીની કોઇ ઘટના બની નહતી.

(11:46 am IST)