Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ટુ-વ્હીલર વિક્રેતાએ વાહનની સાથે હેલ્મેટ આપવું જોઇએ : ફૂટપાથનો ઉપયોગ વેપાર માટે નહી કરવા સુચના

ઓટોફેરના આયોજકો-વિક્રેતાઓ સાથે નાયબ પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મીટીંગ

રાજકોટ : નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શહેરમાં ફોર વ્હીલર્સ અને ટૂવ્હીલર્સના વિક્રેતાઓ તથા ઓટો કન્સલ્ટન્ટ અને ઓટો ફેરના આયોજકો સાથે ટ્રાફિકના પ્રશ્નો અંગે મીટીંગનુ આયોજન થયેલ જેમાં  ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા ઝોન-ર નાઓએ ઉપરોકત વિક્રેતાઓ તથા વેપારી સાથે ચર્ચા પરામર્શ કરી વેપારીઓ પોતાના ધંધાના સ્થળની બહાર વાહનો રોડ અને ફુટપાથ પર વેચાણ અર્થે મુકી રોડ અને ફુટપાથ પોતાના બિઝનેશ માટે વાપરે છે તે બંધ કરવા તથા ટુ વ્હીલર્સના વિક્રેતા વાહનની સાથે હેલ્મેટ જે તે ગ્રાહકોને આપતા નથી તે પ્રથા બંધ કરવા અને ફોર વ્હીલર વાહનોના વિક્રેતા તેઓના કર્મચારીઓ અને ગ્રાહકોના વાહનો શો રૃમની બહાર પાર્ક કરાવી રોડ/ફુટપાથ/કોર્પોરેશનની જગ્યા વાપરે છે તે પ્રથા બંધ કરવા સૂચના કરેલ.

આ બાબતોના અમલીકરણથી રોડ પરના વાહન વ્યવહારને થતી અસર, ફુટપાથ ગ્રાહકોને ચાલવામા થતી અડચણો અને અન્ય વેપારીઓના ગ્રાહકોને થતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા અંગે  વિગતવાર ચર્ચા કરેલી હતી.

આ પ્રકારની ગેરવ્યવસ્થા વેપારીઓ અમલમાં ન મુકે તે અંગે જાણ કરવામાં  આવે જેથી આવા વાહનો ડીટેઇન કરવા કે અન્ય કાર્યવાહી હાથ ધરવાની પોલીસે કાર્યવાહી ન કરવી પડે અને વેપારી આલમ તેઓની પ્રતિષ્ઠા જળવાઇ રહે તે અંગે સમજ કરવામાં આવેલ.

આ મીટીંગમા આશરે ૧૧પ જેટલા વિક્રેતાઓ, ઓટો કન્સલ્ટન્ટ અને ઓટો ફેરના આયોજકો/ વેપારીઓ હાજર રહેલ જે તમામે આ સૂચનોનો અમલ કરવા અને સહકાર આપવા સહમતી આપેલ અને અનિવાર્ય સંજોગોમાં મુશ્કેલી  હોય તો રૃબરૃ સંપર્ક કરવા પણ સુચના કરવામા આવેલ. મીટીંગના અંતે તમામનો આભાર માનવામાં  આવેલ અને વ્યાપારીઓએ પણ સતોષની લાગણી વ્યકત કરી હતી.

 

 

(10:01 pm IST)