Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચોમાસામાં પૂરની સ્થિતિ ટાળવા વોંકળા સફાઇ અભિયાન

શહેરનાં ૩૩ વોંકળાઓમાંથી અત્યાર સુધીમાં ૩૮૭૯ ટન કચરાનો નિકાલ : ભૂગર્ભગટર મેઇન હોલની સફાઇ શરૂ કરાવવા અધિકારીઓને તાકિદ : મેયરની અધ્યક્ષતામાં ચોમાસાનાં એકશન પ્લાનની બેઠક સંપન્ન

રાજકોટ તા. ૧૭ : આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવી રહી છે, ત્યારે શહેરના વોંકળાઓની સફાઇ, કચરાનો નિકાલ, ડ્રેનેજના મેન હોલની સફાઇ વિગેરે બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય અને નદી કાંઠા, વોંકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ નહિ સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડતા વોંકળા કાંઠે વસતા લોકોને ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. વોંકળા કાંઠામાં લોકો દ્વારા પણ બિનઅધિકૃત દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થાય, ત્રણેય ઝોનના વોંકળાઓમાં દબાણ અંગેનું ડીમાર્કેશન કરવાનું અને ભવિષ્યમાં દબાણ વધે નહિ તેની ખાસ તકેદારી રાખવા સુચના દેવામાં આવેલ. આ ઉપરાંત હાલમાં, ત્રણેય ઝોનમાં વોંકળા સફાઈની કામગિરી ચાલી રહેલ છે તેની માહિતી મેળવેલ, તમામ વોંકળા વ્યવસ્થિત સાફ થાય, ખુલ્લા પ્લોટનમાં ચોમાસા પહેલા કચરાઓનો નિકાલ થાય તેવી તાકીદ કરાયેલ. વિશેષમાં જયાં શકય હોય ત્યાં વોંકળાની અંદર વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવા જણાવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા છેલ્લા ૧ મહિનામાં પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવેલ કુલ ૪૭ પૈકી ૩૩ વોંકળામાંથી ૩૮૭૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ટાઉનપ્લાનિંગ ઓફિસર સાગઠીયા, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, નાયક પર્યાવરણ અધિકારી વી.એમ. જીંજાળા, પ્રજેશ સોલંકી, વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:53 pm IST)