Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બાયોથોનમાં આર.કે.યુનિવર્સીટીના છાત્રોને બેસ્ટ પર ફોર્મિગ ટીમનો એવોર્ડ

રાજકોટઃ ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા યોજાયેલી બાયોથોનમાં ''કુદરતી સંસાધનોનું સંરક્ષણ'' વિષય હેઠળ આર.કે.યુનિવર્સિટીના એમ.એસ.સી.માઇક્રોબાયોલોજીના ૫ વિદ્યાર્થીઓની ટીમે ડો.વિજય કુમારના માર્ગદર્શન હેઠળ ''બેસ્ટ પરફોર્મિગ ટીમ''નો એવોર્ડ મેળવ્યો છે સાથોસાથ ૧ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ મેળવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં વીજળીની માંગ વધી રહી છે અને વીજળી માટેના સાધનો મર્યાદિત છે, આપણા કુદરતી સંસાધનો ઘટી રહ્યા છે તેને નિવારવા માટે આ ટીમ વિજળી ઉત્પાદન માટે ગંદા પાણીનો ઉપયોગ કરવાના વિચાર સાથે આવી જેમાં તેઓએ બાયોલોજિકલ પાવર બેન્કની રચના કરી છે જે ગટરના પાણી પર ચાલે છે અને સૂક્ષ્મજીવોની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. તેના પરનું કાર્ય હજી ચાલી રહ્યું છે અને આ ડિઝાઇન પેટન્ટની પ્રક્રિયામાં છે. આરેક યુનિવર્સિટીની આ ટીમમાં દેવેન્દ્ર રાઠોડ, કલ્પેશ સિંધવ, વિપુલ ડાંગર, અભિજિત મકવાણા અને ઠાકરશી માવેશિયા પાંચ સભ્યો હતા.

સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૩૦ ટીમોએ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર ૨૫ ટીમો પસંદ કરવામાં આવી હતી અને દરેક ટીમને તે સમયે રૂ.૫૦ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી. આરકેની ટીમે આરકે યુનિવર્સિટીમાં ઇનકયુબેશન સેન્ટરે એમના પ્રોજેકટ પર કાર્ય કર્યુ હતું. છેલ્લી ૨૫ ટીમોનું બે મહિને મૂલ્યાંકના કરવામાં આવ્યુ હતુ દરેક થીમમાં એક વિજેતા જાહેર કરવામાં આવી હતી. આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સખત કાર્ય અને આરકે ફિઝિકસ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ તેમજ આર કે યુનિવર્સિટીના એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટના સતત સમર્થનથી આ શકય બન્યું હતું.

(3:52 pm IST)