Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વિધાનસભા ૬૮ થી ૭પ ના મતદાન મથકોના પ્રિસાઇડીંગ ઓફીસર દ્વારા ગેરરિતી-ગોટાળાના ગંભીર આક્ષેપો

મતદાન મથક નં. ૮૩-૯૧-૧૦ર-૧૦૬-૧૦૯-૧૧ર-૧૧પ-૧૩૩-૧૪૩માં ગોટાળા અંગે તપાસ કરો : કોંગ્રેસ મહામંત્રી મોહનભાઇ સોજીત્રાએ કલેકટરને ફરિયાદ અરજી પાઠવીઃ મુદાસર સવાલો ઉઠાવ્યા

રાજકોટ તા. ૧૭: શહેર કોંગ્રેસ મહામંત્રીશ્રી મોહનભાઇ સોજીત્રાએ કલેકટરને ફરીયાદ પત્ર પાઠવી ૧૦, લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ ૬૮ થી ૭પ ના મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા આચરેલ વિવિધ ગેરરીતિ-ગોટાળા સબબ યોગ્ય પગલાં લેવા તથા મતદાન મથક નં. ૮૩, ૯૧, ૧૦ર, ૧૦૬, ૧૦૯, ૧૧ર, ૧૧પ, ૧૩૩ તથા ૧૪૩ માં આચરાયેલ ગેરરીતિ-ગોટાળા બાબત ત્વરીત તપાસ કરી પગલાં લેવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યું છે કે (૧) વિભાગ-૬૮ માં મતદાન મથક ક્રમાંક ૧૧પના પ્રિસાઇડીંગ ઓફિસરને આપેલ ફોર્મ (૧૭સી) માં પ્રિસાઇડીંગ ઓફિસરે તેને આપવામાં આવેલ પેપરસીલ નંગ-ર (બે) પૈકી કયુ પેપરસીલ કેટલા નંબરનું કેટલા નંબરનું ઇ.વી.એમ. પર લગાવવામાં વાપર્યું છે અને કયુ પેપરસીલ કેટલા નંબરનું પરત જમા કરાવેલ છે. તેની સ્પષ્ટ વિગત ફોર્મ (૧૭સી) માં પ્રિસાઇડીંગ ઓફિસરે દર્શાવી નથી. આ ક્ષતિ કે ગેરરીતિના કારણે ઇ.વી.એમ.ની ઘાલમેલ થવાની શંકા ઉદભવી શકે, માટે તપાસ કરવા વિનંતી છે.

(ર) વિભાગ-૬૮ રાજકોટના મતદાન મથક ક્રમાંક ૮૩ માં ફોર્મ (૧૭સી) માં કોલમ(૧) માં મતદાન મથકને ફાળવવામાં આવેલ મતદારોની કુલ સંખ્યા દર્શાવી છે. ફોર્મ (૧૭સી) ની કોલમ (ર) માં કુલ મતદારની સંખ્યા પણ તેટલી જ દર્શાવી છે. એટલે કે ૧૦૦% મતદાન થયું તે શંકાના દાયરામાં છે.

(૩) વિભાગ-૬૮ રાજકોટના મતદાન મથક ક્રમાંક ૧૦૯ માં પણ ઉપરોકત પારા (ર) માં દર્શાવ્યા મુજબ પ્રિસાઇડીંગ ઓફિસરે મતદારની સંખ્યા ૧૧પ૩ દર્શાવી છે અને કુલ મતદાન થયાની સંખ્યા પણ ફોર્મ (૧૭સી) ની કોલમ (ર) માં પત્રક (૧૭ક) માં એજ સંખ્યા દર્શાવી છે. તે શંકાના દાયરામાં છે.

(૪) વિભાગ-૬૮ રાજકોટના મતદાન મથક ક્રમાંક ૧૩૩ ના પ્રિસાઇડીંગ ઓફિસરે ફોર્મ (૧૭સી) પોતાની સહી કર્યા વિના મતદાન એજન્ટને આપવામાં આવેલ છે. તે બાબત શોચનીય અને તપાસ માંગતી છે.

(પ) વિભાગ-૬૮ રાજકોટ પૂર્વમાં શાળા નં. ૧૩, શાળા નં. ૭૮, શાળા નં. ૯૭ તથા સાંદિપની શાળા વિગેરે મતદાન મથકોનાં મતદારોની કુલ સંખ્યાનું વિભાજન કરીને મતદાન જે રૂમમાં જે મથકમાં કયા ક્રમથી કયા ક્રમ સુધી મતદારોએ મતદાન કરવાનું તેની વિગત દરેક મતદાન મથક પર હોર્ડીંગ દ્વારા મથકના મેઇન ગેઇટ પર દર્શાવી નથી. જેથી સંખ્યાબંધ મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા છે.

(૬) વિભાગ-૬૮ પૂર્વ રાજકોટના મતદાન મથક ક્રમાંક ૮૩, ૯૧, ૧૦૬, ૧૧ર, ૧૧૩ વિગેરેના પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ફોર્મ (૧૭સી), કોલમ(પ)બી માં કુલ ૧૦ ઉમેદવારોના મતદાન એજન્ટ દ્વારા મોકપોલ (ઇ.વી.એમ. ચકાસણી) ની વિગતમાં ઉમેદવારના મતદાન એજન્ટ દ્વારા મોકપોલ કરાયાની વિગત 'નીલ' દર્શાવી છે. આ બાબત અતિશોચનીય છે. કારણ કે દસે દસ ઉમેદવારના મતદાન એજન્ટ મોકપોલ ન કરે તે માની શકાય નહિં. કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાના મતદાન એજન્ટે મોકપોલ કરેલ છે તેના કથન મુજબ અમુક ઉમેદવારના એજન્ટે પણ કરાયાનું જાણવા મળેલ છે. માટે આ બાબતે તપાસ માંગતી હોય, તપાસ કરી ન્યાયી પગલાં લેવા સુચવીએ છીએ.

(3:43 pm IST)