Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વાવડી ગામે કારખાનાની ઓરડીમાં સગીરાના આપઘાત કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૭: વાવડી ગામમાં આવેલ વરૂડી એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લેતા ચકચારી આપઘાત કેસમાં આરોપી દેવેન્દ્ર મનુભાઇ દેદાનો નિર્દોષ છુટકારો એડીશ્નલ સેશન્સ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દિકરીને આ કામના આરોપીએ સગાઇ કે લગ્ન કર્યા વગર પોતાની સાથે એક મહિનો રાખી આ સમય દરમ્યાન આરોપીએ ફરીયાદીની દિકરીને લગ્ન કરવા બાબતે અવાર નવાર માનસિક ત્રાસ આપી તેણીને મરી જવા માટેના સંજોગો ઉભા કરી તેના કારણે ફરીયાદીની દિકરી ક્રિષ્ના જીંદગીથી કંટાળી જઇ તા. ર૧/૯/ર૦૧રના રોજ વાવડી ગામમાં આવેલ વરૂડી એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની ઓરડીમાં પોતે ગળે ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લઇ તે રીતે આરોપી મરણ જનારને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબુર કરી આરોપીએ ગુન્હો આચર્યો હોવાની ફરીયાદ કરેલ. જે અંગેનું પોલીસ અમલદાર દ્વારા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. આ કામે બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ અધિક સેશન્સ જજ શ્રી એચ. ેમ. પાવર મેડમ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે, મરણ જનાર ક્રિષ્નાને આત્મહત્યા કરવામાં મદદગારી મળેલ તેવી કોઇ જ વિગતો રેકર્ડ ઉપર આવતી નથી. તપાસ કરનાર અમલદારના પુરાવામાં મરણ જનારના અકસ્માત મોત નોંધની તપાસમાં મરણ જનારના માતા પિતા તેની સગાઇ તોડવા માંગતા હતા અને તેથી તેણીએ આત્મહત્યા કરેલ છે તેવું મૃત્યુનું કારણ ખુલેલ છે. જેથી પણ મરણ જનારને આત્મહત્યા કરવા માટે બીજું કારણ પણ ફરીયાદ પક્ષ દ્વારા રેકર્ડ ઉપર રજુ થયેલ છે. આ સંજોગોમાં ફરીયાદપક્ષ આરોપીના ત્રાસના કારણે જ મરણ જનારે આત્મહત્યા કરેલ છે અને બનાવ સમયે મરણ જનાર સગીર હતા તે હકિકત પુરવાર કરવામાં નિષ્ફળ નિવડે છે અને ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવાઓમાં શંકા ઉત્પન્ન થાય છે. જેથી આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૬, ૩૦પ, ૩૬૩ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કરવામાં આવે છે.

આ કામના આરોપી દેવેન્દ્ર મનુભાઇ દેદા વતી ધારાશાસ્ત્રી રાકેશભાઇ ડી. દોશી, પૂર્વી એમ. ગાંધી તથા ગૌતમ એમ. ગાંધી રોકાયેલ હતા.

(3:42 pm IST)