Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શનિ - રવિ મણિભદ્ર બિઝનેસ બાઝાર-૨

પહેલા સંસ્કરણની સફળતા પછી આર્ટ ગેલેરી ખાતે ફરી આયોજન : પ્રવેશ નિઃશુલ્ક કાલે ઉદ્ઘાટન : રવિવારે આ.ભ. પૂ. યશોવિજયજી તથા પૂ. મુકિતવલ્લભસૂરિજી મ.સા. દ્વારા વ્યાખ્યાન - માંગલીક

'અકિલા' કાર્યાલય ખાતે મનીષભાઇ પારેખ, ગૌરવભાઇ દોશી, નિતીનભાઇ મહેતા, હિમાંશુભાઇ, પરેશભાઇ, નેમીબેન દોશી, ભૂમિકાબેન શાહે વિગતો આપી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : મંદીના માહોલની બુમરાણ વચ્ચે કેવી રીતે ઓછા નફે વધુ વેચાણ કરીને આર્થિક વિકાસ સાધી શકાય તેના ઉદાહરણરૂપે યોજાયેલા પ્રથમ બીઝનેસ બાઝારની સફળતાના  પરિણામે અને  સાધર્મિક ભાઈઓની  લાગણીને માન આપીને  આગામી તારીખ ૧૮ અને  ૧૯ મે શનિ અને રવિવારના ના રોજ  બે દિવસીય 'શ્રી  મણીભદ્ર બીઝનેસ બાઝાર-૨'નું આયોજન ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, બાલભવન પાસે, રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન શનિવારે  સવારે ૧૧ કલાકે મેયર બીનાબેન આચાર્યના હસ્તે થશે તેમની સાથે અતિથિવિશેષ પદે ,પૂર્વ મેયર ડો. દર્શિતાબેન શાહ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય અને જૈન અગ્રણી મેહુલભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

બીઝનેસમેન નાનો હોય કે મોટો, નોકરિયાત નાનો હોય કે મોટો,બધાની મંઝીલ સ્પષ્ટ છે,પ્રશ્ન માર્ગ બાબતે છે. જયાં સુધી માર્ગની સ્પષ્ટ સમજણ નહી હોય. ત્યાં સુધી મંઝીલ મળે તેવી કોઈ શકયતા નથી તો જીંદગીમાં સફળતા માટે  સફળતાનો પૂર્ણ ખાતરીદાયક માર્ગ કયો છે એ વિશે એકઝીબીશનના બીજા દિવસે રવિવારે સવારે નવ થી સાડા દસ સુધી આ જ સ્થળે  પ.પૂ. આ.ભ. યશોવિજયસૂરીજી મ.સા. અને અ.ભ. મુકિતવલ્લભસૂરિજી મ.સા. દ્વારા  'પાથ ઓફ સકસેસ- સફળતાનો માર્ગ' વિષય પર દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. ત્યારબાદ માંગલિક ફરમાવીને વેપારીઓને આશીર્વાદ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતભરમાં જાણીતા અગ્રણી વેપારી રાજુભાઈ કેસ્ટ્રોલ,પૂર્વ મેયર ડો. દર્શિતાબેન શાહ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી મેહુલભાઈ  પણ રૂપાણી ઉપસ્થિત રહી વેપારીઓને પ્રોત્સાહિત કરશે. કાર્યક્રમનું સંચાલન જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા કરશે.

 ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ  જૈન બિઝનેસમેન એન્ડ વુમનના બિઝનેસ નેટવર્કિંગ અને  વેચાણ - વૃદ્ઘિ દ્વારા આર્થિક વિકાસના અનોખા અભિગમ સાથે શ્રી મણિભદ્ર બિઝનેસ બાઝાર એકિઝબિશન કમ સેલ રવિવાર તા. ૫ના રોજ સવારે ૧૦.૩૦થી રાત્રિના દસ સુધી હોટેલ કોકા ગેલેરી, હરિભાઈ હોલની બાજુમાં,ડો. યાજ્ઞિક રોડ,  ખાતે યોજાયો હતો. સાધર્મિકો  દ્વારા વ્યાજબી દરે વધુમાં વધુ વેચાણ કરી અને ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સમન્વય સાધવાના આ પ્રયત્ન  પ્રસંગે પરમ પૂજય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજ દ્વારા  'પામરથી પરમ સુધી' વિષય પર  વેપારીઓને પોતાની કુનેહ વડે કેવી રીતે તળેટીથી શિખર સુધી પહોંચી શકાય તેની ચાવી સમજાવતું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે પાંચ સોનેરી સુત્રો આપતા સમજાવ્યું હતું કે કયારેય પણ માલમાં ભેળસેળ કરવી નહી, કયારેય પણ તોલમાપમાં ઘાલમેલ કરવી નહી. સરકારને ટેક્ષ પુરેપુરો ચૂકવવો. વ્યાપારમાં જે કોઈ નફો થાય તે પોતાની આવડતના કારણે નહી, પરંતુ પરમાત્માની કૃપાના કારણે છે તેમ માનવું અને જે કોઈ નફો થાય તેમાંથી દસ ટકા રકમ પરમાત્માને ગમે તેવા કાર્યોમાં વાપરવી . જો આ પાંચ સોનેરી સુત્રોનો ઉપયોગ કોઈ પણ વેપારી કરે તો તેને વેપારમાં કયારેય નુકસાની આવે નહી અને જોરદાર સફળતા મળી શકે. તેમના આ સોનેરી સૂત્રોના પગલે  દેવ, ગુરૂ, ધર્મની કૃપાથી સર્વે સાધર્મિકોને ખુબ સુંદર વેચાણ થયેલ હતું અને આર્થિક વૃદ્ઘિ માટેના આ અભિગમને સૌ કોઈએ વધાવ્યો હતો. 

મનીષ પારેખ અને ગૌરવ દોશી દ્વારા આયોજિત આ બાઝાર પ્રદર્શન કમ સેલ નો સવારે ૧૧થી રાત્રે ૧૧ સુધી લાભ જાહેર જનતા કોઈ પણ જાતની પ્રવેશ ફી ચૂકવ્યા વિના લઈ શકશે  અને એક જ સ્થળેથી લેડીઝ/ જેન્ટ્સ ગાર્મેન્ટ્સ, ચિલ્ડ્રનવેર,ફૂડ પ્રોડકટસ, આર્ટ એન્ડ ક્રાફટ, જવેલરી, સ્ટેશનરી, ધાર્મિક પુસ્તકો, હોબી કલાસીસ, સ્કૂલ-કોલેજ, ઓર્ગેનિક, હોમમેડ પ્રોડકટ્સ, ગીફટ આર્ટીકલ્સ વિવિધ સર્વિસીઝ વગેરે ખુબ જ વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્ત્।ા સાથે મેળવી શકશે. વિશેષ આકર્ષણરૂપે મહેંદી, ટેટુ, નેલ આર્ટ, અવનવી ગેમ્સ પણ રાખવામાં આવ્યા છે.  આ એકઝીબીશનને સૌરાષ્ટ્રભરમાંથી  વિવિધ   સંસ્થાઓ  દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોલ બુકિંગ તથા વધુ માહિતી માટે  મનીષ પારેખ (૯૯૭૪૦-૯૦૭૦૯) અને ગૌરવ દોશી (૮૮૨૦૦-૯૯૯૯૯) પર સંપર્ક કરવા જણાવેલ.

(3:37 pm IST)