Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પીએમ કિસાન યોજના : પ હજાર અરજી પોર્ટલમાં પડી રહેતા મચી ગયેલો દેકારો : ૬૦૦ ઓપરેટરોના ૩ર લાખ ચૂકવવાના બાકી

કલેકટર તંત્ર ઉપર તડાપીટ : વિદ્યાર્થીઓમાં પ્રચંડ રોષ : અમારી મહેનતના પૈસા તો ચૂકવી દયો !!

રાજકોટ, તા. ૧૭ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આચારસંહિતા પહેલા પીએમ કિસાન સહાય યોજના જાહેર થઇ હતી, દર ૪ મહિને ખેડૂતોને ર હજારનો હપ્તો ચૂકવવાનો હતો, પ્રથમ હપ્તો ચૂકવાયો.

આ માટે રાજકોટ કલેકટર તંત્રે તલાટીઓ મારફત કુલ ૧II લાખથી વધુ એન્ટ્રીઓ કરાવાઇ હતી, આ માટે ૧ ઓપરેટરને એન્ટ્રી દીઠ રૂ. ર૦ દેવાના હતા, અને આ માટે પ૦થી વધુ તલાટી તથા ૬૦૦ ઓપરેટરોને કામે લગાડાયા હતા.

પરંતુ ખાટલે મોટી ખોટ હવે બહાર આવી છે. ૧II લાખ ખેડૂતોને ર હજારનો હપ્તો ચૂકવાઇ ગયો, પણ પ હજારથી વધુ અરજી પોર્ટલમાં પડી રહેતા મોટો દેકારો મચી ગયો છે, અધૂરામાં પુરૂ ઓપરેટરોને ચૂકવવાના થતા ૩ર લાખ પણ હજુ સુધી નહીં ચૂકવાતા વિદ્યાર્થીઓ-ઓપરેટરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. આ લોકો તમામ કલેકટર તંત્ર ઉપર તડાપીટ બોલાવી રહ્યા છે. કારણ જે તે વખતે ઓપરેટીંગ માટે રાજકોટ-ગોંડલ તથા અન્ય તાલુકાની કોલેજોના વિદ્યાર્થીઓ ઓપરેટીંગ માટે લેવાયા હતા, હવે આ બધા તલાટી-મામલતદારોના ધક્કા ખાઇ રહ્યા છે. રાજકોટ કલેકટર તાકીદે  આ પ્રશ્ન ઉકેલે તથા પ હજાર અરજી પોર્ટલમાં કેમ પડી રહી, કયા તલાટી જવાબદાર તે અંગે પણ તપાસ કરાવે તે જરૂરી બની ગયું છે.

(3:36 pm IST)