Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રિક્ષા ગેંગ ફરીથી મેદાને આવી...પુષ્કરધામ રોડ પર જૈન વૃધ્ધના ખિસ્સામાંથી ૪૫ હજાર બઠ્ઠાવી લીધા

નિકાવાથી આવેલા નવીનચંદ્ર મહેતાને 'હું તમને ઓળખું છું, બેસી જાવ' કહી ચાલકે બેસાડી લીધા, થોડે આગળ જઇ ઉતારી મુકી ભાડુ પણ લીધા વગર જતો રહ્યો! : ચાલક, પાછળ બેઠલો છોકરો, યુવતિ અને મહિલા સાથે મળી 'કળા' કરી ગયાઃ યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૭: મુસાફરને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકી ફરી મેદાને આવી છે. પુષ્કરધામ રોડ પર ચાલને જતાં જૈન વૃધ્ધને રિક્ષાચાલકે 'હું તમને ઓળખુ છું, બેસી જાવ' કહી રિક્ષામાં બેસાડ્યા બાદ આગળ જઇ ઉતારી મુકી ભાડુ લીધા વગર જ રિક્ષા હંકારી મુકી હતી. એ પછી વૃધ્ધે તપાસ કરતાં તેમના ખિસ્સામાંથી ૪૫ હજારની રોકડ અને ચેક ગાયબ જણાયા હતાં. રિક્ષામાં પાછળ એક છોકરો, યુવતિ અને મહિલા પણ બેઠા હતાં. બધાએ મળી હાથફેરો કર્યાનું ખુલતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોલીસે પુષ્કરધામ મેઇન રોડ પર ઘનશ્યામનગર વૃજ પરિક્રમા કોમ્પલેક્ષવાળી શેરીમાં યશોદા એપાર્ટમેન્ટ ૨૦૧માં રહેતાં નવીનચંદ્ર ભાઇચંદ મહેતા (ઉ.૬૩) નામના જૈન વૃધ્ધની ફરિયાદ પરથી  અજાણ્યા રિક્ષાચાલક, બીજો એક શખ્સ અને બે મહિલા સામે આઇપીસી ૩૭૯ મુજબ ગુનો નોંધ્યો છે.

નવીનચંદ્ર મહેતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું નિકાવા ખાતે વાસણની દુકાને બેસી વેપાર કરુ છું. મારી દુકાનની બાજુમાં મોટા ભાઇ જેન્તીલાલ ભાઇચંદભાઇની દુકાન છે. તેણે થોડા સમય પહેલા જ આ દુકાન વેંચી હતી. ૧૫મીએ બપોરે હું પોણા બારેક વાગ્યે નીકાવાથી મારા ભાઇ જેન્તીલાલે દૂકાન વેંચી હોઇ તેના બાના પેટેના રૂ. ૪૫ હજાર તથા એકાઉન્ટ પેનો ૮૦ હજારનો ચેક લઇને એસટી બસમાં બેઠો હતો અને રાજકોટ કાલાવડ રોડ એ. જી. ચોક ખાતે ઉતર્યો હતો.

ત્યાંથી ચાલીને મારા ઘર તરફ જતો હતો ત્યારે પુષ્કરધામ રોડ પર પહોંચતા પાછળ એક રિક્ષા આવી હતી અને ચાલકે 'હું તમને ઓળખુ છું, તમે બેસી જાવ' તેમ કહેતાં મારા ઘરે મહેમાન આવેલા હોઇ મારે ઉતાવળ હોઇ જેથી હું રિક્ષામાં બેસી ગયો હતો. આ સમયે રિક્ષામાં એક છોકરી અને એક મોટી ઉમરની મહિલા હતી. તેમજ એક વીસેક વર્ષનો છોકરો હતો. રિક્ષાચાલકે મને તેની બાજુમાં બેસાડ્યો હતો. એ પછી આગળજતાં રિક્ષાચાલકે મને કહેલ કે વ્હીલમાં હવા ઓછી છે જેથી પાછળ બેસી જાવ. તે વખતે એક છોકરો, યુવતિ અને મહિલા પાછળ જ બેઠેલા હતાં. હું લેડિઝની બાજુમાં બેઠો હતો. મારી બાજુમાં છોકરો બેઠો હતો.

રિક્ષા થોડી આગળ જતાં મને ચાલકે કહ્યું હતું કે હવે આગળ રિક્ષા નહિ જાય, તમે ઉતરી જાવ. આથી હું પુષ્કરધામ મેઇન રોડ શાક માર્કેટ પાસે ઉતરી ગયો હતો. રિક્ષાવાળાએ મારી પાસે ભાડાના પૈસા પણ લીધા નહોતાં અને રિક્ષા હંકારી મુકી હતી. મેં થોડે આગળ જઇ મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાંખીને જોતાં રૂ. ૪૫ હજાર રોકડા તથા સ્ટેટ બેંકનો ૮૦ હજારનો  ચેક ગાયબ હતાં. સાથે બેઠેલાઓએ રિક્ષાચાલક સાથે મળી ચોરી કર્યાનું જણાતાં મારા દિકરાને વાત કર્યા બાદ ફરિયાદ કરી છે.યુનિવર્સિટીના પી.આઇ. એ. એલ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ જે. એન. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.

(1:17 pm IST)