Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કેશોદનો દિપક પ્રજાપતિ રાજકોટમાં કારમાં ૫૬ હજારના વિદેશી દારૂ સાથે દબોચાયો

બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે રાત્રે ત્રણ વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડ્યોઃ બબ્બે લિટરની વ્હીસ્કીની ૨૮ બોટલ અને ૭૫૦ મીલીની ૪૭ બોટલો, કાર કબ્જે

રાજકોટ તા. ૧૭: દારૂની અછત વચ્ચે ધંધાર્થીઓ ફરીથી સક્રિય થયા છે. બી-ડિવીઝન પોલીસે જુના કુવાડવા રોડ પોલીસ મથકથી ગ્રીનલેન્ડ ચોકડીના પુલ તરફ જતાં રસ્તા પરથી મુળકેશોદના પ્રજાપતિ શખ્સને કારમાં રૂ. ૮૬ હજારનો દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધો છે. કુલ રૂ. ૩,૯૬,૫૫૦નો  મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બી-ડિવીઝનના પીએસઆઇ વિજયસિંહ કે. ઝાલા, એએસઆઇ કે. યુ. વાળા, હેડકોન્સ. ખોડુભા વી. જાડેજા, ડી.એચ. જાડેજા, એ.એમ. રાઠોડ, જે.વાય. ગોહિલ, કોન્સ. જયદિપસિંહ બોરાણા સહિતની ટીમ મોડી રાત્રે ત્રણેક વાગ્યે પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજયસિંહ ઝાલા, ડી.એચ. જાડેજા અને જે. વાય. ગોહિલને બાતમી મળી હતી કે જીજે૧કેએલ-૨૬૨૨ નંબરની કારમાં એક શખ્સ દારૂનો જથ્થો લઇને કુવાડવા તરફથી રાજકોટ તરફ આવી રહ્યો છે.

આ બાતમીને આધારે જુના કુવાડવા રોડ પોલીસ મથકથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં પુલ પર વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની કાર નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બબ્બે લિટરની પ્લાસ્ટીકની ૨૮ બોટલો રૂ. ૫૬ હજારની તથા બ્લેન્ડર્સ પ્રાઇડની ૭૫૦ મીલીની ૪૭ બોટલો રૂ. ૩૦૫૫૦ની મળતાં કુલ ૮૬ હજારનો દારૂ જપ્ત કરાયો હતો.

પુછતાછમાં કાર ચાલકે પોતાનું નામ દિપક લીલાધરભાઇ વાછાણી (પ્રજાપતિ) (ઉ.૩૨-રહે. દેવકૃષ્ણ પાર્ક-૨, વેરાવળ રોડ, સફારી પાર્કની બાજુમાં. ગોપાલભાઇ જેઠાભાઇ કળથીયાના મકાનમાં ભાડેથી, કેશોદ) જણાવ્યું હતું. પોલીસે આ શખ્સની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઇલ ફોન મળી કુલ ૩,૯૬,૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ દારૂ કયાંથી લાવ્યો? તે અંગે પુછતાછ થતાં પોતે દમણ સેલવાસ તરફથી વેંચવા માટે આ દારૂ લાવ્યાનું રટણ કર્યુ હતું. આ શખ્સ કડીયા કામની મજૂરી કરે છે. વિશષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી,  ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના તથા પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ વિજયસિંહ ઝાલા અને તેની ટીમે આ કામગીરી કરી હતી.

(12:06 pm IST)