Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રાજકોટની હોટલમાંથી ભાઇ ગૂમ થયાના ગોવાના વેપારીના ફોનથી સૌ ધંધે લાગ્યા

મનિષ આહુજા કામ સબબ સર્વે કરવા નીકળ્યા એ વખતે તેનો ફોન બંધ આવતાં ગોવા સ્થિત ભાઇને અપહરણની શંકા ઉપજતાં પોલીસને ફોન કર્યોઃ પોલીસ હરકતમાં આવી ત્યાં ભાઇ 'કવરેજ'માં આવતાં વાત થતાં બધુ હેમખેમ હોવાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૭: ગોવાથી રાજકોટ હોટેલના કામ સબબ આવેલા મનિષ આહૂજા નામના વેપારી લીમડા ચોકની એવરગ્રીન હોટેલમાં ઉતર્યા બાદ ત્યાંથી કામ સબબ નીકળ્યા પછી તેનો ફોન બંધ થઇ જતાં ગોવા સ્થિત ભાઇને પોતાના ભાઇનું અપહરણ થઇ ગયાની શંકા ઉપજતાં તેણે રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ત્યાંથી મેસેજ મળતાં પ્ર.નગર પોલીસની ટીમે દોડધામ શરૂ કરી હતી. દરમ્યિન કવરેજ બહાર ગયેલા વેપારી કવરેજમાં આવી જતાં તેની સાથે ગોવાથી ભાઇની વાતચીત થઇ જતાં અપહરણ નહિ થયાનું સ્પષ્ટ થતાં ફરીથી કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં સોૈએ રાહત અનુભવી હતી.

ગોવાથી દિપકભાઇ આહૂજા નામના યુવાને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી રાજકોટ કામ સબબ આવેલા અને લીમડા ચોકની એવરગ્રીન હોટેલમાં રોકાયેલા તેના ભાઇ મનિષ આહૂજા ગૂમ થયાની અને તેને કોઇ ઉઠાવી ગયાની શંકા દર્શાવતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમ રાજકોટમાં કરતાં ઇન્ચાર્જ દ્વારા જાણ થતાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા અને ટીમે હોટેલ ખાતે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગોવાથી દિપકભાઇએ ફોન કરી પોતાના ભાઇનો ફોન કવરેજ બહાર આવતો હોવાની પણ વાત કરી હતી. બીજી તરફ મનિષ આહૂજાએ હોટેલમાંથી ચેકઆઉટ પણ કર્યુ ન હોઇ કંઇક અજુગતુ બન્યાની શંકાએ પોલીસે પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. જો કે સાંજે મનિષ આહૂજા કે જે ગ્રામ્ય વિસ્તારમાં હોટેલના લોકેશન માટે ગયા હતાં તે મોબાઇલ ટાવરના કવરેજ એરિયામાં આવતાં જ તેની સાથે ગોવાથી દિપકભાઇની ફરી વાતચીત થતાં કોઇએ અપહરણ નહિ કર્યાનું અને કવરેજના પ્રોબ્લેમને કારણે ફોન બંધ હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે દિપકભાઇએ ફરીથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાત કરી પોતાના ભાઇનું અપહરણ નહિ થયાનું અને તે હેમખેમ હોવાનું જણાવતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.

(12:05 pm IST)