Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગવરીદડ પાસે નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ

રાજકોટને ૭-૮ દિવસ ચાલે તેટલુ પાણી વેડફાયુ

ખેતરો-નદીમાં પૂરઃ કોઠારિયા-મોરબી રોડ પર પાણીનો દેકારોઃ હડાળા-રાજકોટ વચ્ચેની નર્મદા પાઈપલાઈનનો જોઈન્ટ લીકેજઃ લાખો લીટર પાણી વેડફાયુઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની-મેયર બીનાબેન આચાર્ય સહિતના અધિકારીઓ-પદાધિકારીઓના કાફલાએ યુદ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કરાવ્યું: વોર્ડ નં. ૧૮ના નારાયણનગર, ખોડીયારપરા, સ્વાતી પાર્ક, તિરૂપતી તથા મોરબી રોડના વોર્ડ નં. ૪ હેઠળના વિસ્તારોમાં ૧૦ થી ૧૨ કલાક મોડુ પાણી અપાયું

ભરઉનાળે નદી વહીઃ ગવરીદડ પાસે આજે સવારે નર્મદા પાઈપલાઈનમાં ભંગાણ થતા આ વિસ્તારમાં આવેલા ખેતરો તથા નદીમાં ફરી વળ્યા હતા. દરમિયાન મેયર બીનાબેન આચાર્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા. ૧૭ :. શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ માટે જીવાદોરી સમાન નર્મદા પાઈપલાઈનનો આજે સવારે ગવરીદડ પાસે હડાળા અને રાજકોટ વચ્ચે ભંગાણ થતા આસપાસના ખેતરો અને નદીમાં લાખો લીટર પાણી વહી ગયુ હતું. જ્યારે બીજી તરફ રાજકોટને આ પાઈપલાઈનમાથી જે વિસ્તારમાં પાણી અપાય છે તે કોઠારીયા તથા મોરબી રોડના અનેક વિસ્તારોમાં ૧૦ થી ૧૨ કલાક મોડુ પાણી અપાતા આ વિસ્તારોમાં પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ હડાળાથી રાજકોટ વચ્ચે એનસી ૧૨-બી નર્મદા પાઈપલાઈનમાં ગવરીદડ પાસે જોઈન્ટનું લીકેજ થતા પાઈપલાઈનમાં જબરૂ ગાબડુ પડી ગયુ હતું અને આજે સવારે આસપાસના ખેતર તથા નદી-નાળામાં ભરઉનાળે લાખો લીટર પાણી વહેવા લાગ્યુ હતું. દરમિયાન આ બાબતની જાણ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને થતા તેઓએ તાબડતોબ સીટી ઈજનેર કામલીયા સહિતના અધિકારીઓને ઘટના સ્થળે મોકલી અને પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કરાવ્યુ હતું. આ દરમિયાન મેયર બીનાબેન આચાર્ય તથા ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને વહેલી તકે પાઈપલાઈન રીપેર થઈ અને વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા માટેના પ્રયાસો શરૂ કરાવેલ.

નોંધનીય છે કે આજે સવારે અચાનક પાણીની આ પાઈપલાઈન તૂટતા બેડી ફીલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા કોઠારીયાના વોર્ડ નં. ૧૮માં નારાયણનગર, ખોડીયારનગર, સ્વાતિપાર્ક અને તિરૂપતિમાં ૧૦ થી ૧૨ કલાક પાણી વિતરણ મોડુ કરવુ પડયુ હતુ તેવી જ રીતે વોર્ડ નં. ૪માં મોરબી રોડ પરના કેટલાક વિસ્તારોમાં ૧૦ કલાક જેટલુ મોડુ પાણી અપાયેલ. આમ આ પાઈપલાઈન તૂટતા અનેક વિસ્તારોમાં પાણીનો દેકારો બોલી ગયો હતો.

(3:25 pm IST)