Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

પંચાયતના કામમાં ઠાગાઠૈયા, તલાટીઓની ગેરહાજરી, ગ્રાન્ટ વાપરવામાં વિસંગતતા વગેરે મુદ્ે બોર્ડમાં તડાપીટ

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોનો રાબેતા મુજબનો અસંતોષ, વહીવટી તંત્રનું એ જ આશ્વાસન : 'મલાઇવાળી' ફાઇલો કેમ ઉપર આવી જાય છે ? સામાન્ય સભામાં સભ્યના ખૂલ્લા આક્ષેપથી સન્નાટો

વેદના ને વાચા :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ નિલેષ વિરાણી, ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયા, કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયા, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા, ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડી. ડી. ઓ. ધીરેન મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ નિલેષ વિરાણીની અધ્યક્ષતામાં મળેલ જેમાં ગ્રામીણ હેડ કવાર્ટરમાં મોટાભાગના તલાટીઓની ગેરહાજરી, રેતી-કપચીની ગ્રાન્ટ વાપરવામાં  સરકારી નડતર, સભ્યોએ સૂચવેલા કામો અને ફરીયાદોના નિકાલમાં તંત્રના ઠાગાઠૈયા વગેરે બાબતે સભ્યોએ તડાપીટ બોલાવી હતી.

સામાન્ય સભામાં ચંદુભાઇ શીંગાળા, મગનભાઇ મેટાળિયા, કે. પી. પાદરિયા, મનોજ બાલધા, વજીબેન સાંકળીયા, હંસાબેન ભોજાણી, હેતલબેન ગોહેલ, ધુપદબા જાડેજા, ભાવનાબેન ભૂત વગેરેએ ભાગ લીધેલ. સભાના પ્રારંભે નવા ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસિયાનું સ્વાગત કરવામાં આવેલ. ડી. ડી. ઓ.ના પી. એ. કાંતિભાઇ ભાલોડીયા નિવૃત થઇ રહ્યા હોવાથી તેમને નિવૃતિ વિદાયમાન અપાયું હતું.

ચંદુભાઇએ મહાનગરપાલિકાની સરખામણીએ પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી ઘણી શિસ્તપૂર્ણ ચાલતી હોવાનું ગૌરવ વ્યકત કરી  જણાવેલ કે આપણી સભા વખતે કદી પોલીસ બોલાવી પડી નથી. તેમણે સભ્યોના લેખિત જવાબ સભાના ત્રણ દિવસ અગાઉ આપવાનો આગ્રહ રાખ્યો હતો.

કિશોરભાઇ પાદરિયાએ મંડલીકપુર ગામમાં ગૌચરમાં દબાણ કરી ગ્રામ પંચાયતે બાર લાખ રૂ. જેવો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી તપાસ બાબતે પ્રશ્ન ઉઠાવેલ એક તબકકે તો તેઓ બોલી ઉઠેલ કે 'મલાઇવાળી ફાઇલો કેમ ઉપર આવી જાય છે ? અને બાકીની કેમ પડતર રહે છે.'

ભાદર - છાપરવાડી નદીમાં આવતા લાલ પાણી અને રજૂઆત છતા તેનો ઉકેલ ન આવવા બાબતે આક્રોશ વ્યકત કરી જણાવેલ કે આ પાણીને પીવા લાયક ગણતા હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ પર આવીને એક-એક લીટર લાલ પાણી પી બતાવે...!

રેતી-કપચીની ગ્રાન્ટમાંથી અન્ય જિલ્લા પંચાયતો જે વિકાસ કામો કરી શકે તે રાજકોટ જિલ્લા પંચાયત શા માટે ન કરી શકે તેવો સવાલ અમૂક સભ્યોએ ઉઠાવતા ડી. ડી. ઓ. એ અન્ય પંચાયતોમાંથી માહિતી મેળવવાનું આશ્વાસન આપ્યું હતું. કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ ભાજપ સરકાર કોંગી શાસિત રાજકોટ જિલ્લા પંચાયત પ્રત્યે કિન્નાખોરી રાખતી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

પ્રમુખે જે સભ્યોની ગ્રાન્ટ કામ ન સૂચવવાના કારણે જતી રહી હોય તેને વધારાની ગ્રાન્ટ હવે પછી આપવાનું વચન આપ્યુ હતું.

એક સભ્યએ તલાટીઓ ગામમાં અનિયમિત હોવાની ફરીયાદ કરતા ડી. ડી. ઓ. એ સમયાંતરે તપાસ કરી પગલા લેવાની ખાતરી આપી હતી.

શંકાસ્પદ શૈક્ષણીક પ્રમાણપત્રથી આરોગ્ય કાર્યકર તરીકે નોકરી મેળવવાના પ્રકરણની તપાસ ચાલુ હોવાનું ડી. ડી. ઓ. એ જણાવ્યું હતું.

ડી. ડી. ઓ.એ સભ્યના પતિને બેસાડી દીધા

રાજકોટ : જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહિલા સભ્યએ પૂછેલ પ્રશ્નની ચર્ચા કરવા તેના પતિ ઉભા થતા ડી. ડી. ઓ. એ તેમને બેસાડી દઇ જેનો પ્રશ્ન હોય તે જ ચર્ચા કરે તેમ ટકોર કરી હતી.

(4:34 pm IST)
  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST