Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે કોંગ્રેસમાં ખેંચતાણ,ખાટરિયા દંપતિનો માર્ગ અવરોધવા હરીફ જુથ સક્રિય

રોટેશન જાહેર થયુ નથી ત્યાં જ ખેલ શરૃઃ હાઇકમાન્ડને સામસામી રજુઆતની તૈયારી

રાજકોટ તા. ૧૭ :.. જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ નિલેષ વિરાણીની મુદત ર૦ જૂને પૂરી થઇ રહી છે. સરકારે નવા પ્રમુખ કયાં વર્ગના હશે ? તેનું રોટેશન હજુ જાહેર કર્યુ નથી.  ત્યાં જ પ્રમુખપદ અને કારોબારી અધ્યક્ષ પદને ધ્યાને રાખીને ખાનગી રાહે ખેલ શરૂ થઇ ગયાના વાવડ છે. હાલ સામાન્ય વર્ગના પ્રમુખ છે. આ અગાઉ પ્રમુખપદ દલિત મહિલા માટે હતુ તેથી હવે પછી પ્રમુખપદ બક્ષીપંચ વર્ગ માટે અથવા મહિલા માટે આવે તેવા સંજોગો છે વર્તમાન કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયા અને તેમના પત્ની અલ્પાબેન ખાટરિયા પ્રમુખપદના પ્રથમ હરોળના ઉમેદવાર ગણાય છે. બક્ષીપંચ પુરૂષ, મહિલા અથવા સામાન્ય મહિલા વર્ગ તે ત્રણેય કેટેગરી માટે શ્રી ખાટરિયા અથવા તેમના પત્ની દાવેદાર બની શકે તેમ છે.

રોટેશનની બન્ને પ્રકારની સંભાવનાને અનુલક્ષીને પંચાયતમાં નામો વહેતા થયા છે. એક જુથ એવુ માને છે કે અઢી વર્ષ પહેલા સીનીયોરીટીની દ્રષ્ટિએ પ્રમુખ પદ માટે અર્જુન ખાટરિયા જ હક્કદાર હતા પરંતુ પાટીદાર અનામત આંદોલનથી સર્જાયેલા સમીકરણોના કારણે પ્રમુખપદ પાટીદારને અપાયેલ. આ વખતે બક્ષીપંચ વર્ગ માટે રોટેશન આવે તો ખાટરિયાને અને મહિલા અનામત આવે તો અલ્પાબેનને જ પ્રમુખ બનાવવા જોઇએ.

બીજી તરફ બીજુ જૂથ એવી દલીલ કરી રહયુ છે કે ખાટરિયાને પાર્ટીએ અઢી વર્ષ માટે કારોબારી અધ્યક્ષ તરીકે તક આપી દીધી છે. હવે પાર્ટીએ તેમના પરિવાર સિવાઇની વ્યકિતને તક આપવી જોઇએ. આ જુથ કારોબારી સમિતિની કાર્ય પધ્ધતિ બાબતે પણ સવાલ ઉઠાવી રહ્યું છે. ખાટરિયા દંપતિમાંથી કોઇની પસંદગી થાય તો નવાજૂની સર્જવાની ચીમકી સાથે આ જૂથે કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી રજુઆતની તૈયારી કરી છે. બન્ને જૂથ સત્તાવાર રીતે પાર્ટી લાઇનની વાત કરી એકબીજાને ભરી પીવા તૈયાર હોવાના નિર્દેષ છે. અમૂક સભ્યોએ હાલના તમામ પદાધિકારીઓના સ્થાને નવા સભ્યોને સ્થાન આપવાની તરફેણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૩૪ અને ભાજપના  માત્ર બે જ સભ્યો ચૂંટાયેલા છે. પ્રમુખ ચૂંટવા માટે ઓછામાં ઓછા ૧૮ સભ્યોના સમર્થનની જરૂર રહે છે. રાજકારણમાં ગમે ત્યારે વિખવાદ અને ગમે ત્યારે સમાધાન શકય છે.

(4:34 pm IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST