Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રૈયાની કિંમતી જમીનના વિવાદમાં 'બોગસ હુકમનામુ' ઉભુ કરી છેતરપીંડી કર્યાની ૧૦ ઈસમો વિરૂદ્ધ પોલીસ કમિશ્નરને ફરિયાદ

બોગસ દસ્તાવેજો-હુકમનામુ ઉભુ કરી કોર્ટના રેકર્ડ ઉપર ખરા તરીકે દર્શાવી ગુનાહિત કૃત્ય કર્યાની શિક્ષણશાસ્ત્રી નયનાબેન ભટ્ટ દ્વારા તપાસ કરાવવા માંગણીઃ પો. કમિ. દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ કરવા આદેશ

રાજકોટ, તા. ૧૭ :. અત્રે આફ્રિકા કોલોની મેઈન રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા શિક્ષણશાસ્ત્રી નયનાબેન સુરેશચંદ્ર ભટ્ટ દ્વારા રૈયાની કિંમતી જમીનના વિવાદ અંગે ચાલતા કોર્ટ કેસમાં પૂર્વયોજીત કાવત્રુ રચી ડીસ્ટ્રીકટ કોર્ટનુ બોગસ-બનાવટી હુકમનામુ ઉભા કર્યાના આક્ષેપ સાથે તેઓએ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને ફરીયાદ નોંધવા અરજી કરતા કમિશ્નર દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ કરવા આદેશ કરાયેલ છે.

ફરીયાદી નયનાબેન ભટ્ટ દ્વારા જેઓ સામે ફરીયાદ નોંધવા અરજી કરવામાં આવેલ છે. તેમાં અમિન માર્ગ ઉપર રહેતા પ્રવિણચંદ્ર કેશવલાલ પટેલ, પાળ ગામના હરીભાઈ જીવરાજભાઈ ટીલાળા, દિનેશ હરીભાઈ ટીલાળા, લતાબેન રાજેશભાઈ ડોબરીયા, ગોંડલ તાલુકાના બીલડી ગામના દેવરાજભાઈ લીંબાભાઈ પટેલ, કાંતાબેન લીંબાભાઈ પટેલ, રંજનબેન લીંબાભાઈ પટેલ, રૈયાના વાલજીભાઈ લીંબાભાઈ પટેલ, મનોજ લીંબાભાઈ પટેલ તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટના જે તે કર્મચારીઓ તેમજ વચેટીયા તરીકે જે કોઈએ ભૂમિકા ભજવેલ હોય તેવા શખ્સોનો સમાવેશ થાય છે.

ફરીયાદ અરજીમાં જણાવ્યા પ્રમાણે ઉપરોકત ઈસમોએ એકબીજા સાથે મિલાપીપણુ કરી પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે ડીસ્ટ્રીકટ કોર્ટનંુ બોગસ હુકમનામુ ઉભુ કરી તે રીતે બોગસ દસ્તાવેજો ઉભા કર્યા હતા. જેને ખરા તરીકે રજૂ કરી ફરીયાદી સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કરેલ છે.

આ અંગે ફરીયાદીએ એવુ જણાવેલ છે કે, સદરહુ બોગસ દસ્તાવેજ કોર્ટ પ્રિમાઈસીસની બહાર બનાવેલ હોય પોલીસ અધિકારનો ગુનો બનતો હોય આ પ્રકારના ગુનાની તપાસ માટે જવાબદાર ઈસમોની ધરપકડ કરવા માટે સીઆરપીસી કલમ ૧૯૫ પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ બાધ નડતો નથી.

ફરીયાદમાં જણાવાયુ છે કે ગુજરાત હાઈકોર્ટના રેકર્ડ ઉપર પણ આ બોગસ હુકમનામા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. સદરહુ બનાવમાં કોર્ટ કર્મચારીઓ દ્વારા પણ તેઓના હોદાનો દુરૂપયોગ કરી રેકર્ડ સાથે ચેડા કરેલ છે. તેવો આક્ષેપ કરીને ફરીયાદી નયનાબેન ભટ્ટ દ્વારા ઉપરોકત ૧૦ ઈસમો ઉપરાંત જે કોઈ કર્મચારીઓ કે અન્ય વચેટીયા શખ્સોએ ભૂમિકા ભજવેલ હોય તેવા તમામ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ કરવાની માંગણી કરી છે.

બનાવની મૂળ હકીકત મુજબ રૈયાના રે.સ. નં. ૧૫૫ પૈકીની જમીન એકર ૨-૦૦ ગુંઠા સ્વ. લીંબા લાધા પટેલના કબ્જા, ભોગવટા અને માલિકીની હતી. આ જમીનના ફરીયાદી નયનાબેન સાથે જમીનનો સોદો થયેલ અને તે અંગેનું સાટાખત તા. ૨૪-૭-૭૯ના રોજ થયેલ હતું.

ત્યાર બાદ સદરહુ જમીન અન્યને વેચાણ કરી દેવાની પેરવી થતા હાલના ફરીયાદીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો અને બાદમાં આ મામલે ડીસ્ટ્રીકટ કોર્ટમાં પહોંચ્યો હતો.

આ મામલે ફરીયાદીએ કોર્ટ બહાર જવાબદાર ઈસમોએ બોગસ હુકમનામુ ઉભુ કરેલ હોય તેની તપાસ કરવા કમિશ્નરને અરજી કરતા પોલીસ કમિશ્નર દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ કરવા આદેશ કરાયો છે.

(4:02 pm IST)