Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ચેતજો... વેપારીઓ - ગ્રાહકો માસ્ક વિના ઝડપાશે તો દુકાન ૭ દિ' સીલ : અગ્રવાલની લાલ આંખ

સોશ્યલ ડિસ્ટન્સનાં ભંગ તો મ.ન.પા. અને શહેર પોલીસ દ્વારા કાયદાકિય હાથ ધરાશે

રાજકોટ,તા. ૧૭: શહેરમાં માસ્ક વગરના ગ્રાહકને માલ વેચતા વેપારી જોવા મળશે કે વેપારી માસ્ક વગર દેખાશે કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું દેખાશે તો વ્યવસાયિક એકમ સાત દિવસ માટે સીલની કાર્યવાહી મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુકત હાથ ધરાશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું છે.

શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુકત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્યિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જયાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગમાં રહેશે.

આ ચેકિંગ દરમ્યાન જો વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા દેખાશે કે પોતે પણ માસ્ક નહી પહેર્યું હોય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવેલ નહી હોય તો જે-તે વ્યવસાયિક એકમ સાત દિવસ સુધી સીલ કરી દેવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

(3:50 pm IST)