Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પ્રહલાદપ્લોટના વેપારીની ડાઇ બારોબાર બીજાના હાથમાં પહોંચી ગઇ, ઉત્પાદન કરી વેંચાણ શરૂ કરી દીધું: મિલન સામે પગલા

હાઉસ હોલ્ડ વર્કની કલીનીક આઇટમ્સનું જતીન એજન્સી નામે હોલસેલમાં પ્રોડકશન-ડેવલપમેન્ટનું કામ કરતાં અમિતભાઇ પંડિતની ફરિયાદ પરથી પોલીસે કારસ્તાન ઉઘાડુ પાડ્યું: અમિતભાઇએ જયેશભાઇ ખારેચાને ડાઇ બનાવવા આપી'તીઃ ત્યાંથી મિલન પાસે ડાઇ પહોંચી : કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો મિલન પોતે પરફેકટ ડાઇ નામે ગેલેકસી બ્રાન્ડ નેમથી હાઉસ હોલ્ડ આઇટ્મનો ધંધો કરે છેઃ તેણે ભુલથી ડાઇ પોતાની પાસે આવી ગયાનું પોલીસ સમક્ષ રટણ કર્યુઃ અરજીને આધારે ૧૫૧ હેઠળ કાર્યવાહી થઇ

રાજકોટ તા. ૧૭: શહેરના પ્રહલાદપ્લોટમાં રહેતાં અને જતીન એજન્સીના નામથી હાઉસ હોલ્ડ વર્ક આઇટમનો વર્ષોથી વેપાર કરતાં અમિતભાઇ હરેશભાઇ પંડિત નામના વેપારી સાથે એક લેભાગુએ ઠગાઇ કરી અમિતભાઇએ નવરંગપરામાં બનાવવા આપેલી લેટ્રીન પ્લંજર (સંડાસમાં ખાળમાં ભરાવ થાય તો દૂર કરવા માટે વપરાતો દટ્ટો)ની ડાઇ એક ગઠીયાએ આ ડાઇમેકરને ભોળવી કે બીજી કોઇપણ રીતે મેળવી લઇ આ ડાઇને આધારે લેટ્રીન પ્લંજરનું ઉત્પાદન કરી બારોબાર વેંચાણ કરવાનું ચાલુ કરી દઇ ઠગાઇ કરતાં આ મામલે વેપારીએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે તપાસ થતાં ડાઇ લઇ જનાર તરીકે કોઠારીયા રોડ વિસ્તારના શખ્સનું નામ સામે આવતાં પોલીસે તેને ઉઠાવી લઇ ઉંચોનીચો કરતાં તેણે અમિતભાઇની ડાઇ ભુલથી પોતાની પાસે આવી ગયાનું રટણ કરી તેના આધારે ઉત્પાદન કરી વેંચાણ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે હાલ તેની સામે અટકાયતી પગલા લઇ કાર્યવાહી કરી છે.

અમિતભાઇ પંડિતે લેખિત ફરિયાદ કરી નવરંગપરા-૪માં ખારેચા ઇન્ડસ્ટ્રીઝ નામે ડાઇ બનાવવાનું કામ કરતાં જયેશભાઇ ખારેચા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૧૫, ૪૨૦ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. લેખિત ફરિયાદમાંઅમિતભાઇએ જણાવ્યું હતું કે હું જતીન એજન્સી નામે રાજકોટમાં વર્ષોથી હાઉસ હોલ્ડ વર્ક આઇટમનો વેપાર કરુ છું અને આ આઇટમમાં કલીનીક આઇટમનું હોલસેલ પ્રોડકશન તથા ડેવલપમેન્ટ કરી તેનું રાજકોટ શહેર અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વેંચાણ વેપાર કરુ છું. અમારી પેઢીની ખુબ નામના અને વર્ચસ્વ છે. લોકો અમારી બ્રાન્ડની ચીજવસ્તુઓ નામથી ખરીદે છે અને અમારી આઇટમ ખુબ જ ગુણવત્તાવાળી હોય છે.

હું જયેશભાઇ ખારેચાને વર્ષોથી ઓળખુ છું. અમારે હોમ કલીનીક આઇટમ 'લેટ્રીન પ્લંજર'ની ડાઇ બનાવવાની હોઇ જેથી અમે તેને સેમ્પલ આપી ડાઇ બનાવવાનો ઓર્ડર આપતાં તેણે રૂ. ૪૦ હજાર ખર્ચ થશે તેમ કહેતાં અમે રોકડેથી આ રકમ ચુકવી આપી હતી.

એ પછી લેટ્રીન પ્લંજરની ડાઇ તૈયાર થઇ કે નહિ તે જાણવા વારંવાર જયેશભાઇનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે સતત બહાના બતાવી સમય પસાર કર્યો હતો. એ દરમિયાન મને જાણવા મળ્યું હતું કે મેં જે લેટ્રીન પ્લંજરની ડાઇનો ઓર્ડર આપ્યો હતો તે ડાઇ અન્ય વ્યકિત પાસે પહોંચી ગઇ છે.  આથી જયેશભાઇ પાસેથી મેં મારી ડાઇ પાછી માંગતા તેણે બહાના બતાવ્યા હતાં.  પોતાના આર્થિક લાભ માટે તેણે આ ડાઇ બીજાને વેંચી દીધાનું જણાતાં અમે ફરિયાદ કરી છે.

અમિતભાઇએ ઉપરોકત વિગતે લેખિત ફરિયાદ કરતાં તેના આધારે તપાસ શરૂ થઇ હતી. પોલીસે ડાઇ મેકર જયેશભાઇ ખારેચાને પુછતાછ માટે ઉઠાવી લેતાં તેણે પોતાને ત્યાં અવાર-નવાર કામ માટે આવતાં અને પરફેકટ ડાઇ નામે કામ કરી હાઉસ હોલ્ડ વર્ક આઇટમ્સનું ગેલેકસી બ્રાન્ડ નેમથી ઉત્પાદન કરી વેંચાણ કરતાં હુડકો પોલીસ ચોકી નજીક રહેતાં મિલન માંડલીયા પોતાની પાસેથી ડાઇ લઇ ગયાનું કહેતાં પોલીસે મિલન માંડલીયાને સકંજામાં લઇ તેની પુછતાછ કરતાં તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે પોતે પણ ધંધો કરતો હોઇ અને ડાઇ બનાવવા આપી હોઇ ભુલથી અમિતભાઇની ડાઇ લઇ ગયો હતો. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હાલ તુર્ત મિલન માંડલીયા સામે અરજીને આધારે અટકાયતી પગલાની કાર્યવાહી કરી છે. 

અરજદાર વેપારીની માંગણી છે કે પોલીસ ઉંડી ઉતરી તપાસ કરે તો કેટલાય વેપારીઓ સાથે ઠગાઇ થયાની વિગતો ખુલવાની શકયતા છે.

(3:03 pm IST)