Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

એક પિસ્તોલ અને બે રિવોલ્વર સાથે સામા કાંઠાના બે પટેલ શખ્સ પકડાયાઃ યુપીનો રાકેશ સપ્લાયર

બી-ડિવીઝન પોલીસે આર્યનગરના વસંત ઉર્ફ લાલો દુધાત્રાને એક પિસ્તોલ સાથે પકડ્યા બાદ ઘરમાંથી બીજી બે રિવોલ્વર મળીઃ સેટેલાઇટ ચોકના પટેલ હિરેન દેસાઇનું નામ ખુલતાં તેને પણ પકડી લેવાયો

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસે ગેરકાયદે હથીયારો સાથે વધુ બે શખ્સને પકડ્યા છે. બી-ડિવીઝન પોલીસે સામા કાંઠાના એક પટેલ શખ્સને પિસ્તોલ સાથે પકડ્યા બાદ તેની પુછતાછ પછી તેના ઘરમાંથી બીજી બે દેશી બનાવટની રિવોલ્વર પણ કબ્જે કરવામાં આવી હતી. આ ત્રણેય હથીયાર સામા કાંઠાના જ પટેલ શખ્સ પાસેથી લીધાનું ખુલતાં તેને પણ પકડી લેવાયો હતો. તે આ હથીયારો યુ.પી.ના બે જુદા-જુદા શખ્સ પાસેથી લઇ આવ્યાનું કહેતો હોઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ચૂંટણી અંતર્ગત  બી-ડિવીઝનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે પેડક રોડ પર આર્યનગર-૧૦માં રહેતાં વસંત ઉર્ફ લાલો ડાયાભાઇ દુધાત્રા (ઉ.૩૮) નામના પટેલ શખ્સે પોતાના ઘરે પિસ્તોલ છુપાવી રાખી છે. આ બાતમીને આધારે તપાસ કરવામાં આવતાં ઘરના ફળીયામાં કુંડામાંથી પિસ્તોલ મળી આવતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ. ૨૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરવામાં આવી હતી.

આ શખ્સની આકરી પુછતાછ થતાં વધુ બે દેશી બનાવટની રિવોલ્વર પણ પોતાના ઘરમાં પડી હોવાનું કબુલતાં પોલીસે આ બે પિસ્તોલ પણ કબ્જે કરી હતી. વધુ કબુલાતમાં લાલાએ પોતે પેડક રોડ પર જ સેટેલાઇટ ચોકમાં રહેતાં હિરેન રણછોડભાઇ દેસાઇ (ઉ.૩૦) નામના પટેલ શખ્સ પાસેથી આ હથીયારો લાવ્યાનું કહેતાં પોલીસ તેના ઘરે પહોંચી હતી અને તેને પણ પકડી લેવાયો હતો. હિરેને પોતે રિવોલ્વર યુ.પી.ના આગ્રા નજીકના અહારન કટડા ગામના રાકેશ ઠાકુર પાસેથી દોઢ વર્ષ પહેલા રૂ. ૨૦ હજારમાં લાવ્યાનું અને બે રિવોલ્વર યુ.પી. ફિરોઝાબાદના પંચગામના પંડિત નામના શખ્સ પાસેથી ૧૮ હજારમાં લાવ્યાનું કહ્યું હતું. યુ.પી.ના આ બંને શખ્સો વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા પૈકીનો વસંત ઉર્ફ લાલો અગાઉ રાયોટીંગના ગુનામાં પકડાઇ ચુકયો છે. બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના તથા પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાબરીમાં પીએસઆઇ એમ. એમ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ભાનુભાઇ, કિરણભાઇ, કેતનભાઇ પટેલ, હંસરાજભાઇ, હરપાલસિંહ, મોહસીનભાઇ સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૯)

(4:08 pm IST)