Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ટ્રાફિક સેન્સ કેળવાય, હોર્નનો ઉપયોગ ઓછો થાય, ડાબી બાજુનો રસ્તો ખાલી રખાય, પોલીસને આદર અપાય તો ટ્રાફીક સમસ્યા ઉકેલાય

ચિત્રનગરી રાજકોટને ટ્રાફિક નગરી બનતી રોકવા અવિરત પ્રયાસો જરૂરીઃ રાજુભાઇ જુંજા

રાજકોટ, તા., ૧૭: આપણે નશીબદાર છીએ કે રાજકોટ અત્યંત જુનુ શહેર નથી. અમદાવાદની જેમ રાજકોટ પણ જો બહુજુનુ શહેર હોત તો ટ્રાફિકની સમસ્યા ખુબ વકરી ગઇ હોત. કારણ કે જેમ જુનુ તેમ તેનું ટાઉન પ્લાનીંગ એ સમયની વસ્તી અને બળદગાડાની સંખ્યા મુજબ થતું. માટે તે સમયે બનાવેલા રસ્તાઓ શેરી જેવા લાગે અને શેરીનો ફુટપાથ જેવી છેલ્લા ત્રીસેક વર્ષમાં ગુજરાતના દરેક શહેરનો વર્ટીકલ વિકાસ કરતા હોરીઝોન્ટલ એટલે કે આડી લીટીમાં ચારે દિશામાં વિકાસ થઇ રહયો છે. રાજકોટ ખુબ વિસ્તરી રહયું છે પણ તેની સાથે રાજકોટની ધોરી નસો સમાન રસ્તાઓ ઉપરનો ટ્રાફિક પણ બેફામ વતી રહયો છે જે ચિંતાજનક બાબત છે તેમ સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાએ જણાવ્યું છે.

બેંકો લોન આપેને વાહનોની સંખ્યા વધતી જાય.નવા રોડની પહોળાઇ તો એ જ રહે નેએટલે પીક અવર્સમાં ટ્રાફિક ખુબ જામ થઇ જાય. આજથી પાંચ વર્ષ પહેલા કેકેવીહોલ પાસે એક જ સિગ્નલ રહેતું હવે નાના મવા સર્કલ ઇન્દીરા સર્કલ મવડી ચોકડી રૈયા સર્કલ એવા ઘણી જગ્યાએ સીગ્નલ હોય છે અથવા તો ટ્રાફિક પોલીસે ઉભું રહીને વાહનોનું નિયમન કરવુ પડે છે. જો એ સમયે દરેક લેનના વાહનોને વારાફરતી મોકલવામાં ન આવે તો ફકત પંદર મીનીટની અંદર એક કિલોમીટર લાંબી લાઇન થઇ જાય એટલો ટ્રાફિક જામ થઇ શકે. જે કલીઅર થતા બીજી એક કલાક જાય.

ઓવરબ્રીજની સંખ્યા વધતી જાય છે નવા નવા અન્ડરપાસને મંજુરી અપાતી જાય છે. રોડ પરના દબાણો પણ હટાવતા જાય છે. ટ્રાફીક પોલીસ કોઇ પણ ઋતુમાં સવારથી રાત સુધી ખડેપગે રહે છે જેથી રાજકોટના નાગરીકો પોતાના ગંતવ્યસ્થાને સમયસર પહોંચી શકે. લોકોને પોતાની ઓફીસ કે સ્કુલ કે ઘરે પહોંચવામાં મોડુ ન થાય અને રોજીંદા જીવનમાં તકલીફ ન પડે એ જ હેતુથી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ચોવીસ કલાક ઓન ડયુટી રહેછે. ટ્રાફીકની સમસ્યા ઉકેલવાના શકય એટલા પ્રયત્નો કરે છે પણ સવાલ એ છેકે નાગરીક તરીકે આપણે આપણી પ્રાથમીક ફરજ પણ પુરી કરીએ છીએ ખરા?

તંત્રને સહકાર આપવો જોઇએ એવી આદર્શ વાત નથી. પરંતુ વાહન ચલાવવાના કાયદાઓ અને અમુક સામાન્ય નિયમોનું પાલન થતું જોવા મળતું નથી. છઠ્ઠા ધોરણની ટેકસ્ટબુકમાં લખેલું હોય કે ઝીબ્રા ક્રોસીંગ ઉપર વાહન ઉભુ રાખવુ એ ગેરકાયદેસર કહેવાય. રાજકોટમાં હવે ચાર રસ્તાઓ ઉપર ઝીબ્રા ક્રોસીંગ ઉપર એટલે વાહનો નથી ઉભા રહેતા કારણ કે ઉપર સીસીટીવી કેમેરા લાગ્યા છે અને જો પકડાઇએ તો ઇ-ચલણ ઘરે આવે એમ છે.  ચાર રસ્તા ઉપર સિગ્નલ ચાલુ હોય ત્યારે ડાબી બાજુનો ભાગ ખાલી રાખવો જોઇએ. જેથી ડાબી બાજુ આવેલા રસ્તા ઉપર જવા માંગતા વાહન ચાલકોનો સમય ન બગડે અનેટ્રાફિકની લાઇન ન વધે છતા પણ વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ધારકો ડાબી બાજુનો રસ્તો બ્લોક કરીને આડા વાહનો રાખીને ઉભા હોય  છે. શાળાએ જતુ બાળક પણ જે સમજે એ આપણે ત્યાં મોટેરાઓ નથી સમજતા.

કોઇ નવા નિયમો આવે તો તેની સામે પણ કારણ વિનાનો અસહયોગ જોવા મળે છે. જેમ કે કેકેવી હોલ પાસે છેલ્લા થોડા મહિનાથી બપોરે ૧ર થી ૩ અને સાંજે ૬ થી ૯ ના પીક અવર્સ દરમિયાન વાહનોને જમણી બાજુ વળવાની પોલીસ ના પાડે છે અને તેના માટે તેરસ્તો બેરીકેડથી બંધ કરે છે. વાહન ચાલકોને આગળથી ફરીને જવુ પડે એ વાત સાચી પણ આ નિયમને કારણે ટ્રાફિક જામ થતો નથી. બાળકો કે મહિલાઓને કે કોઇને પણ તડકામાં ઉભુ રહેવું પડતું નથી. અને ફટાફટ વાહનો પસાર થઇ શકે છે. હવે આ નિયમ રાજકોટના રહીશોને સારા માટે જ છે તો તેને બધી રીતે સહયોગ આપવો જ જોઇએ તેમ રાજુભાઇ જુંજાએ જણાવ્યું છે.

ટ્રાફિક સેન્સ જો કેળવાઇ, હોર્નનો ઉપયોગ ન થાય લોકો લેન ડ્રાઇવીંગ કરે ડાબી બાજુનો રસ્તો ખાલી રાખે ટ્રાફિક પોલીસને આદર સાથે સહયોગ આપે તો આખા શહેરની ટ્રાફિકનો સમસ્યાનો સંપુર્ણ ઉકેલ આવી જાય. બીજો મોટો ફાયદો એ થાય કે ટ્રાફિક જામ ન થવાના કારણે બધાનું પેટ્રોલ-ડીઝલ બચે. પ્રદુષણ ન થાય એવળી ત્રીજો ફાયદો. યોગ્ય ટ્રાફિક સેન્સ એ માનસીક સ્વસ્થતાની નિશાની છે. આપણા માટે આપણા બાળકો અને આવનારી પેઢીને એક સ્વચ્છ સુંઘડ સુંદર અને સ્વસ્થ શહેર આપણે આપીએ તે આપણી પાયાનીફરજ છે તેમ સામાજીક અગ્રણીરાજુભાઇ જુંજાએ જણાવ્યું છે.

(3:59 pm IST)