Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સમસ્ત સ્થા. જૈન સમાજ આયોજીત તથા સ્થા. જૈન મોટા સંઘ સંકલિત મહાવીર પ્રભાત ફેરી નીકળી : ભાવિકો જોડાયા

રાજકોટ, તા.૧૭: અનંત ઉપકારી શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત તા.૧૭ના રોજ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એવમ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંકલિત પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે વીર વર્ધમાનના વ્હાલથી વધામણા કરવા ' મહાવીર પ્રભાત ફેરી'નું સ્થાનકવાસી ધર્મની પરંપરા મુજબ  આયોજન કરેલ. લોક સભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા તથા પૂજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઈ રૂપાણી મહાવીર પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહેલ.

રાજકોટના રાજમાર્ગો ઉપર ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી ના ગગનભેદી જયનાદ સાથે અનેક ભાવિકો મહાવીર પ્રભાત ફેરીમાં જોડાયેલ. સૌ મહાવીર પ્રેમીઓના મુખ ઉપર સ્થા. જૈન ધર્મનું પ્રતિક 'મુહપત્તિ' શોભતી હતી. ત્રિકોણ બાગથી મહાવીર પ્રભાત ફેરી શરૂ થઈ લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, મુળવંતભાઈ દોમડીયા ચોક, આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહજી મ.સા. ચોક થઈ વિરાણી પૌષધશાળાના પ્રવચન હોલમાં મહાવીર સભામાં પરિવર્તીત થયેલ.

ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સ્વ. પૂ. કાંતાબાઈ મ.સા.ના સુશિષ્યા પૂ. ઉષાબાઈ મ.સ., પૂ. વીણાબાઈ મ.સ.એ મહાવીર સંદેશ પાઠવેલ. આ અવસરે ગોંડલ સંપ્રદાયવતી ચંદ્રકાન્તભાઈ શેઠ, સમસ્ત રાજકોટના સંઘોવતી હરેશભાઈ વોરાએ ઉદ્દબોધન કરેલ. લક્કી ડ્રો નું સંચાલન દિનેશભાઈ દોશીએ કરેલ૪ કૌશિકભાઈ વિરાણીએ આભાર વ્યકત કરેલ. સંચાલન હિતેશભાઈ બાટવીયાએ કરેલ, પૂ. જાગૃતિબાઈ મ.સ.એ મંગલ પાઠ- માંગલિક ફરમાવેલ.સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘના અગ્રણીઓ સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક -શ્રાવિકાઓ ઉપસ્થિત રહી પ્રભુ મહાવીરનો જય જયકાર કરેલ. સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘોના સહકાર અને સહયોગથી ઉપસ્થિત દરેક ભાવિકોને રૂપિયા પચાસની પ્રભાવના એવમ્ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવેલ.

(3:39 pm IST)