Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભાજપના કુશાસનમાં ખેડૂતોની જિંદગી બરબાદ થઈ ગઈ

મસમોટી જાહેરાતો કરેલી તેનું શું થયું? : ચોવટીયા- દોંગા - સોજીત્રા - સભાયા - મકવાણા - ચાવડીયા

રાજકોટ, તા. ૧૭ : ભારતના છેલ્લા ૫ વર્ષમાં અને ગુજરાત રાજયની ભાજપની સરકાર છેલ્લા ૨૨ વર્ષથી ખેતી તથા ખેડૂતોની હાલત કફોડી કરી છે પોતે ખેડૂતોની હામી હોવાની મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવમાં ખેડૂતોની હાલત દયનીયઙ્ગ બની ગઈ છે. આજે સ્થિતિ એવી છે કે, સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં તાલુકાઓને પાક વીમો મળ્યો નથી.સૌથી મોટા આશ્યર્યની બાબત એ છે કે, અછત જાહેર કરાયેલા હોવા છતાં વીમો આપવામાં આવ્યો નથી. પડધરીમાં ૧૦૦ ટકા અછત જાહેર કરેલ હોવા છતાં ૦ ટકા વીમો, ધોરાજીમાં અર્ધઅછત જાહેર કરેલ હોવા છતાં ૦ ટકા વીમો, ઉપલેટામાં અર્ધઅછત જાહેર કરેલ હોવા છતાં ૦ ટકા વીમો,વિંછીયામાં અર્ધ અછત જાહેર કરેલ હોવા છતાં ૫ ગામમાં ૦ ટકા વીમો અને એક ગામમાં ૨ ટકા વીમો,કોટડા સાંગાણીને અર્ધ અછત જાહેર કરેલ હોવા છતાં ૩ ગામમાં ૦ ટકા વીમો અને એક ગામમાં ૭ ટકા વીમો,જસદણને અર્ધઅછત જાહેર કરેલ હોવા છતાં ૩ ગામમાં ઓછો વીમો,લોધિકામાં આઠ ગામને ૦ ટકા વીમો,અને રાજકોટમાં માત્ર ૧૮.૬૭ ટકા વીમો આપવામાં આવ્યો છે જે ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું દિનેશભાઈ ચોવટીયા, મિતુલભાઈ દોંગા, મોહનભાઈ સોજીત્રા અને ગોવિંદભાઈ સભાયાની યાદીમાં જણાવાયું છે.

સરકારે થોડા સમય પહેલા પ્રત્યેક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૧૫૦૦ કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે; તેવી જાહેરાત કરી હતી.પણ શું થયું તે સૌ જાણે છે. ટેકાના ભાવના બદલે ભાવાંતર યોજનાની માગ સરકારે નહીં સ્વીકારતાં સૌરાષ્ટ્રનું માર્કેટયાર્ડમાં પણ હડતાલ પડી હતી. સરકારના મંત્રીઓ અને અધિકારીઓને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં નહિ પણ બારદાન કૌભાંડ કરીને પોતાના ખિસ્સા ભરવામાં વધુ રસ છે તે હવે સાબિત થઇ ગયું હોવાનું કોંગી આગેવાનોએ જણાવેલ.

ખેડૂતો પાણીના પ્રશ્ને પણ હેરાન છે. ખેડૂતોને સૌ જગતના તાત કહીને સંબોધે છે પણ જયારે સહાય આપવાની વાત આવે ત્યારે આ તાતને સૌ ભૂલી જાય છે. ખેડૂતો ઉપર વીજ ચોરીના ખોટા કેસ કરવામાં આવે છે.                

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર તથા ખેડૂતોને અન્યાય કર્યો છે. અને ખેડૂતો માટે વીજળીના પ્રશ્નો, સિંચાઈના પાણીના પ્રશ્નો, મોંઘુ બિયારણ તથા દવાના પ્રશ્નો અને જણસીના પૂરતા ભાવ ન મળવાથી આજે ખેડૂત હેરાન પરેશાન અને પાયમાલ આ ભાજપની સરકારે કર્યા છે  તેવી અખબારી યાદી શ્રી દિનેશભાઈ ચોવટિયા, મિતુલભાઇ દોંગા, મોહનભાઈ સોજીત્રા અને ગોવિંદભાઈ સભાયાની યાદી જણાવે છે.

રાજયની ભાજપની સરકાર છેલ્લા ૨૨ વર્ષથી માલધારીઓને સતત અન્યાય કર્યો છે તેમજ માલધારીઓને કોઈ જ સહાય આપવામાં આવી નથી તેમજ આ ભાજપની સરકારે ગાયો, ભેંસોના દુધના ભાવ આપવાના હોય તેનાથી ખુબ જ નીચા ભાવો જાહેર કર્યા છે અને આ સમયમાં દ્યાસચારો, લીલું અને ખોળના ભાવમાં સતત વધારો નાખીને માલધારીઓને પાયમાલ કર્યા છે અને તેઓનું શોષણ કર્યું છે અને ભાજપ સરકારે ગૌચરની જમીનો વહેંચી નાખી છે અને માલધારીઓને નિરાધાર કર્યા છે જયારે માલધારીઓને રાહત મળવી જોઈએ તેમજ ગાયો ભેંસોના દુધના ભાવ વધવા જોઈએ ઘાંસચારો, લીલા અને ખોળના ભાવોમાં સબસીડી આપવાનો હોય ત્યારે આ સરકારે કોઈ જ જવાબદારી નિભાવી નથી અને માત્રને માત્ર મતદારોને ઉલટા ચશ્માં જ પહેરાવ્યા છે. તેમ પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા અને રાજુભાઈ ચાવડીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:34 pm IST)