Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પ્રમાણીત ભાડુ નક્કી કરી આપવાની અરજીને રદ કરતી સ્મોલ કોઝ કોર્ટ

રાજકોટ, તા. ૧૭ :. પ્રમાણીત ભાડુ નક્કી કરી આપવાની અરજીને સ્મોલ કોઝ કોર્ટે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં પ્રમીલા રોડ ઉપર આવેલ મિલ્કત માંહેથી ભાડાવાળી દુકાન સંબંધે સંઘવી જમનાદાસ એન્ડ બ્રધર્સના નામની પેઢીના ભાગીદારો અશોકભાઈ ચંદુલાલ સંઘવી તથા લલીતભાઈ ચંદુલાલ સંઘવીએ મિલ્કત માલિક એવા ધર્મેશભાઈ બટુકભાઈ ટારીયા સામે રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં વાદગ્રસ્ત જગ્યાનું પ્રમાણીત ભાડુ નક્કી કરવા અંગેની અરજી ૨૦૧૭ની સાલમાં દાખલ કરેલ.

આ કેસ ઝડપથી ચાલી જતા મિલ્કત માલિક ધર્મેશભાઈ બટુકભાઈ ટારીયાના વકીલ નિલેશ પી. દક્ષિણીએ એવી દલીલ કરેલ કે, કોર્ટના રેકર્ડ ઉપર આવેલ પુરાવો તેમજ જુબાની વિગેરે ધ્યાને લઈને તો તે હકીકત નિઃશંકપણે પુરવાર થાય છે કે, સંઘવી જમનાદાસ એન્ડ બ્રધર્સના નામની પેઢીના ભાગીદારોને સદરહુ ભાડાવાળી દુકાન ભાડે આપવામાં જ આવેલી ન હોય, આવી કોઈ અરજી કોર્ટ સમક્ષ કરવા ભાગીદારી પેઢીના ભાગીદારો/અરજદારોને કોઈ હક્ક, અધિકાર નથી. તેમજ અરજી કાયદા વિરૂદ્ધ તેમજ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરૂદ્ધની હોય ટકી શકે નહી તેમજ હાલની અરજી કરનારાઓ જગ્યાના મૂળ ભાડુઆત જ ન હોય હાલની અરજી ટકવા પાત્ર નથી. મકાન માલિકના વકીલની તમામ રજુઆતો ધ્યાન પર લઈ તેમજ તમામ પુરાવાઓ તેમજ કોર્ટનું રેકર્ડ ધ્યાને લઈ અરજદારોની પ્રમાણિત ભાડુ નક્કી કરી આપવાની અરજી કાઢી નાખવાનોે હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મકાન માલિક/સામાવાળા તરફે રાજકોટના વકીલ નિલેશ પી. દક્ષિણી રોકાયેલા હતા.(૨-૨૬)

(4:29 pm IST)