Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત?

વિરાણી હાઈસ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્વ. શાસ્ત્રી સાહેબની યાદમાં આવતા રવિવારે સ્મૃતિ વંદનાસભા

એક સમયે સમગ્ર ગુજરાતની એક પ્રતિષ્ઠીત શાળા શા.વે. વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના વિધવિધ ક્ષેત્રે પ્રતિભાવંત નિવડેલા અસંખ્ય વિદ્યાર્થીઓ આજે પણ તે શાળામાં પોતે ગાળેલા સમયને ભાન ભૂલીને  યાદ કરતા જોવા મળે છે. આ શાળાની આવી અસર તેના નખશીખ કેળવણીકાર પ્રાચાર્યો (સ્વ.આચાર્ય સાહેબ અને સ્વ.વારિયા સાહેબ) અને તેમણે વીણી વીણી ચુંટેલા નખશિખ પ્રખર, નિષ્ઠાવાન, સમર્પિત શિક્ષકોને કારણે હતી. જેઓ સ્વયં અભ્યાસું, જ્ઞાનપિપાસુ, જ્ઞાનઉપાસક તો હતા જ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન અદ્વિતિય કુશળતા અને સમર્પણ સાથે અકિંચન રહીને પ્રેમપુર્વક પીરસતા. આવો અદભૂત અમૃતમય પ્રસાદ જેમણે ચાખ્યો હોય, તે આ પ્રસાદના સ્તોત્રને ભૂલી કેમ શકે ?

વિરાણી હાઇસ્કૂલરૂપી આવી આકાશગંગાના આવા તેજસ્વી સિતારાઓ એક પછી એક પરમધામમાં લીન થઇ ગયા. તેમાનો લગભગ છેલ્લો સિતારો પ.પૂ.શાસ્ત્રી સાહેબના રૂપમાં તાજેતરમાં આપણને છોડી ગયો.

૨૫ જૂલાઇ, ૧૯૨૭ના રોજ શેરગઢમાં જન્મેલા શાસ્ત્રી સાહેબની જન્મજાત નબળી આંખને લીધે ડોકટરોએ લખવા - વાંચવાની પ્રવૃતિથી દૂર રહેવા સલાહ આપેલ, પણ આ અસામાન્ય બુધ્ધિપ્રતિભા ધરાવતી જ્ઞાનપિપાસુ આત્માએ, સંજોગોને મહાત કરી (૧) વેદાંતાચાર્ય (સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, વારાણસીમાં ગોલ્ડમેડલ, (ર)  સાહિત્યરત્ન (પ્રયાગ હિન્દી વિશ્વવિદ્યાલય, વારાણસી) (૩)શિક્ષાવિશારદ (ગુજરાત વિદ્યાપીઠ) યુનિ. પ્રથમ (૪) બેંગાલ સંસ્કૃત એસોસિએશનની પુરાણ - કાવ્યશાસ્ત્ર વિ.ની પરિક્ષાઓ ઉજજવળ રીતે ઉતીર્ણ કરી, મ.સ.યુનિ. વડોદરામાં સંસ્કૃતમાં ગીતાનું સમીક્ષાત્મક અધ્યયન પરનો નિબંધ અંતસુધી પહોચવામાં હતો ત્યારે કૌટુંબિક કારણોસર અધુરો રહી જતા વિદ્યા વાચસ્પતિ  (પી.એચ.ડી)ની પદવીથી આંગણી એક છેટા રહી ગયા.

૧૯૪૯ થી શરૂ કરી માંગરોળ, જેતપુર, બગસરામાં શિક્ષક તરીકે થોડો થોડો સમય  ગાળી ૧૯૫૪ થી ૧૯૮૭ (નિવૃતિ સુધી) વિરાણી હાઇસ્કુલમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના શિક્ષક રહ્યા. આ જ સમય દરમિયાન તેઓ જૈન ઉપાશ્રયોમાં સાધુ સાધ્વીઓને (જૈન દર્શનનું) સ્વામીનારાયણ ગુરૂકુળમાં સાધુ સંતોને (વિશિષ્ટાદ્વૈત અને સિધ્ધાંત મુકતાવલિનું), વૈષ્ણવ હવેલીમાં ગોસ્વામીજીઓને (વલ્લભાચાર્યજીના શુધ્ધાદ્વૈતનું) તથા મૃત્યુપર્યંત શ્રી રામકૃષ્ણ આશ્રમના સન્યાસી - બ્રહ્માચારીઓને (શાંકરવેદાંત તથા અન્ય શાસ્ત્રો)નું અધ્યયન નિષ્કામ ભાવે અને મૂલ્યની અપેક્ષા વિના કરાવતા રહ્યા. બૌધ્ધ ધર્મનું પણ એટલું જ ઉંડુ જ્ઞાન તેઓ ધરાવતા.

ભારતના છયે આસ્તિક દર્શનો અને ત્રણેય નાસ્તિક દર્શનોમાં અધિકૃતતા શાસ્ત્રી સાહેબ ધરાવતા હતા. શાળાના એક શિક્ષક જે પ્રાધ્યાપકોના પણ પ્રાધ્યાપક થવા પાત્ર હતા તે આ હકીકતથી પણ સિધ્ધ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકોના યુ.જી.સી. રીફ્રેશ કોર્સ માટે યુનિ.નો સંસ્કૃત વિભાગ  તેમની પ્રતિભા જાણીને તેમને રીસોર્સ પર્સન તરીકે આમંત્રતા ત્યારે તેઓ છાત્ર અધ્યાપકોની અદમ્ય પ્રશંસા વહોરતા.

અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ તથા અંગ્રેજી સાહિત્યનું ઉંડુ જ્ઞાન પણ તેઓ ધરાવતા.

પૂ.શાસ્ત્રીસાહેબે તેમના જીવનકાળ દરમિયાન જીવનચરિત્રો, કેળવણી, જીવનમુલ્યો, સામાજીક વિષયો, તત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્રના ૩૫ થી ૪૦ મૌલિક પુસ્તકો, ૧૫ થી ૨૦ અનુવાદિત શાસ્ત્રો , પુસ્તકો (સંસ્કૃતમાં - સંસ્કૃતમાંથી) અને ૩૫૦ થી વધુ મૌલિક લેખો, કાવ્યાનુવાદ, સમીક્ષાઓ (પરમાર્થ - ભવાન્સ જરનલ - રામકૃષ્ણજયોત વિ.) સામાયિકોમાં લખેલ. આ બધાની સુચી અને વિષય વૈવિધ્ય  જોઇને અચરજ થાય કે આવા પ્રખર વિદ્વાન પુરૂષે પોતાનું સમગ્ર જીવન પદવી, પુરસ્કાર, ખ્યાતિની ખેવના વિના સદા અકિંચન અને નિષ્પૃહી રહીને કેળવણી અને જ્ઞાન આપવામાં જ ખર્ચી નાખ્યું !

ખાસ કરીને દિલ્હીના પ્રતિષ્ઠિત 'ચૌખંભા સંસ્કૃત પ્રતિષ્ઠાન'  દ્વારા પ્રકાશિત તેમના ૧૧૧ ઉપનિષદોનો હિન્દી અનુવાદ (૩ ગ્રંથો) વેદાંત પરિભાષાનો હિન્દી અનુવાદ, શ્રીમદ ભગવતગીતા (શાંકરભાષ્ય આનંદગીરીની ટિકા)નો હિન્દી અનુવાદ તેમજ રામકૃષ્ણ મઠ-મિશન બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી વિવેકાનંદ કૃત રાજયોગનું સંસ્કૃતમાં રૂપાંતર અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા (હજુ અપ્રકાશિત) વેદાંત પરિભાષાનો ગુજરાતી તેમજ સંસ્કૃત અનુવાદ એ આપણા માટે ગર્વનો વિષય છે.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નવનિર્મિત મંદિરના શિલાન્યાસમાં મુકાયેલા સંસ્કૃત શ્લોકો અને સોમનાથ મંદિરનો ઇતિહાસ વર્ણવતા પ્રાચીન સંસ્કૃત શ્લોકોનો મંદિરની દિવાલો પર કોતરાયેલો હિન્દી અનુવાદ શાસ્ત્રી સાહેબની દેણ છે.

યુનિવર્સીટીઓ કે સાહિત્યિક સંસ્થાઓ પણ હાથમાં ન લે તેવા અઘરા અશકય લાગતા પ્રકલ્પો તેમણે એકલા હાથે પાર પાડયા હતા. તેમના કેટલાક પુસ્તકો રામકૃષ્ણ મિશન - યુનિવર્સીટીમાં ટેકસ્ટબુક તરીકે માન્યતા પામેલ છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતના રસિક તથા ઉંડા જાણકાર શાસ્ત્રી સાહેબે આકાશવાણી - દુરદર્શન રાજકોટ પર ૫૦-૬૦થી વધુ વાર્તાલાપો આપેલ. દૂરદર્શન રાજકોટે 'આપણુ રતન' નામથી તેઓશ્રી પર અર્ધો કલાકનો કાર્યક્રમ પ્રસારીત કરેલો.

તેમની આ અસામાન્ય જ્ઞાનનિષ્ઠાને પિછાણી, ૨૦૦૮માં ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા (સાંદિપની સંસ્થા - પોરબંદર) દ્વારા 'બ્રહ્મર્ષિ' એવોર્ડ અને ૨૦૧૨માં પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુ (શ્રી સીતારામ સેવા મંડળ, મહુવા) દ્વારા સંસ્કૃતનો 'વાચસ્પતિ' એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયેલું.

વિરાણી હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્વ.પૂ.શાસ્ત્રી સાહેબની યાદમાં સ્મૃતિ વંદનાસભાનું આયોજન રવિવારે તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે વિરાણી હાઈસ્કુલના મધ્યસ્થ ખંડમાં રાખેલ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પૂ.શાસ્ત્રી સાહેબના અન્ય પ્રશંસકો, ચાહકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે. (મો.૯૮૨૪૨ ૩૨૦૫૦)

:: લેખક :: ડો. અતુલ રાઠોડ

બાળકોના નિષ્ણાંત

(4:16 pm IST)