Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉચાપત કેસમાં શ્રીમાળીસોની યુવક મંડળીના ખજાનચીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૧૭ : શ્રીમાળી સોની યુવક મંડળના ટ્રસ્ટમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરનાર ખજાનચી જીતેન્દ્ર મદાણીની રેગ્યુલર જામીન અરજી સેસન્સ કોર્ટ નકારી કાઢી હતી.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી અતુલભાઇ મગનભાઇ વેડીયા રહે. રાજકોટવાળાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.પ-૪-૧૮ ના રોજ ઇન્ડીયન પીનલ કોડ ની કલમ-૪૦૯ મુજબ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે ફરીયાદી સોની યુવક મંડળના માજી પ્રમુખ છે તેમજ આ યુવક મંડળ સમાજના ઉત્થાન અને સમાજના હીત અર્થે સમાજલક્ષી વીગેરે સામાજીક કાર્યો કરે છે. ફરીયાદી મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા.

ત્યારબાદ ફરીયાદીએ આરોપી સામે વિશ્વાસઘાત કરી સોની યુવક મંડળના કુલ રૂ.૨૧,૭૯,૦૦૦/- ની ઉચાપત કરેલ હોય તેથી ફરીયાદ કરેલ હતી. જેથી તપાસનીસ પોલીસ અધિકારીએ તપાસના ચક્રો ગતીમાન કરેલ હોય અને આરોપી જીતેન્દ્રભાઇ કીશોરીલાલ મદાણીની ધકપકડ કરેલ તેમજ રીમાન્ડ પર લીધેલ અને રીમાન્ડ પુરા થતા તેને જેલમાં મોકલવામા આવેલ ત્યારબાદ તેઓએ રેગ્યુલર જામીન અરજી સેસન્સ કોર્ટમા કરેલ હતી. જેમા મુળ ફરીયાદી તરફે રોકાયેલ એડવોકેટ અલ્પેશ પોકીયા દ્વારા આરોપી સામે ઇ.પી.કોડની કલમ-૪૦૯ નો પ્રથમદર્શનીય કેસ હોય અને સદર હકીકતો દસ્તાવેજી આધારોથી પ્રથમ દર્શનીય રીતે પુરવાર થતી હોય તેવી લેખીત જવાબ વાંધા રજુ કરીને રજુઆત કરેલી બંને તરફે દલીલો કરવામાં આવેલ હતી તેમજ જામીન અરજી નામંજુર કરવા સદર કેસના સંદર્ભમાં ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા.

સરકારી વકીલશ્રી તેમજ મુળ ફરીયાદી તરફે રોકાયેલ એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો અને વીવીધ અદાલતોના ચુકાદા ધ્યાનમાં લઇ નામદાર એડી.સેસન્સ કોર્ટએ આરોપી જીતેન્દ્રભાઇ કીશોરીલાલ મદાણીની જામીન અરજી નામંજુર કરવા હુકમ કરેલ હતો.

સદર કામે સરકાર પક્ષે મહેશભાઇ જોષી તેમજ મુળ ફરીયાદી અતુલભાઇ મગનભાઇ વેડીયા તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરુ, પ્રશાંત લાઠિગ્રા, કેતન જે. સાવલીયા, ભાર્ગવ પંડયા, અમીત વી.ગડારા, પરેશ મૃગ, વીગેરે રોકાયા હતા.

(4:14 pm IST)