Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સપ્ટેમ્બરમાં વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા : ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા આયોજન

રાજકોટ તા. ૧૭ : શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રણિત પુષ્ટિ સંપ્રદાયમાં ૫૦૦ થી વધુ વર્ષો થયા વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમા શ્રાવણ - ભાદરવા મહિના દરમિયાન પ્રતિવર્ષ યોજાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ષષ્ઠમપીઠ  ગોપાલ મંદિર વારાણસી દ્વારા પુ.પા.ગો.શ્રી શ્યામમનોહરજી મહારાજની અધ્યક્ષતા અને આચાર્ય પુત્ર પૂ.પા.ગો.શ્રી પ્રિયેન્દ્ર બાવાશ્રીની ઉપાદ્યક્ષતામાં વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમાનું આયોજન કરાયુ છે.

ભાદરવા સુદી ત્રીજના બુધવાર તા. ૧૨ સપ્ટેમ્બરના મથુરાથી નિયમ ગ્રહણ સાથે આરંભ થનાર આ યાત્રા લગભગ ૪૦ દિવસના વિવિધ મુકામો સાથે તા. ૨૦ ઓકટોબરના શનિવારે વિસર્જન પામશે. યાત્રા દરમિયાન અનેક પડાવોમાં લીલા સ્થલી દર્શન, બેઠકજીના ઝારી, ચરણ સ્પર્શ સાથે વિવિધ મનોરથો અને રાત્રે રાસ લીલા સહીતના કાર્યક્રમો થશે.

હાલ જુનાગઢ ગૃહના વયસ્થ આચાર્ય પૂ.પા.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્ય લીલા પ્રવેશ થવાથી અને યાત્રા આયોજક પૂ.પા.ગો. શ્રી શ્યામમનોહરજી મહારાજ એમના લઘુભ્રાતા હોવાથી ઉપરોકત ષષ્ઠમગૃહ કાશી યાત્રા મુલત્વી રહેવા અંગે વૈષ્ણવોમાં ગેરસમજ ઉપસ્થિત થઇ રહી હોય જામનગર ચોપાસની જુનાગઢ ગૃહના આચાર્યોની તત્કાલ એક મીટીંગ શ્રીનાથજી હવેલી માળીયા હાટીના ખાતે યોજેલ. જેમાં પારિવારીક ચર્ચા નિષ્કર્ષ અનુસાર પૂ.પા.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્યલીલા પ્રવેશથી સંપ્રદાય અને વૈષ્ણવ શ્રૃષ્ટિને પડેલ હાની અને ખોટ પુરી શકાય તેમ નથી. પરંતુ વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા એ આધિદૈવીક ઉપક્રમ છે એ રોકાવો ન જોઇએ. આવી લાગણી સાથે શ્રી હરીરાયજી જામનગર દ્વારા સ્પષ્ટ કરાયુ છે કે ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા ગો. શ્રી શ્યામમનોહરજીની આજ્ઞા અનુસાર વ્રજયાત્રા ચાલુ રહેશે.યાત્રા સમિતિના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના સંયોજક ચીમનભાઇ લોઢીયાએ સૌરાષ્ટ્રભરમાંથી વૈષ્ણવોને જોડાવા આહવાન કરેલ છે. વૈષ્ણવો પોતાના નામ ષષ્ઠમપીઠ ગોપાલ મંદિર કાશી (વારાણસી), મોટી હવેલી જામનગર, વિઠ્ઠલેશભુવન હવેલી જુનાગઢ, ગોકુલનાથજી મંદિર નડીયાદ, મોટામંદિર ઝાંઝરડા રોડ જુનાગઢ, મોટી હવેલી જેતપુર, વ્રજભુવન હવેલી ઉપલેટા તેમજ રાજકોટના સોનાલીબેન બગડાઇ મો.૯૯૭૭૧ ૩૫૪૧૪ ને નોંધાવી લેવા ષષ્ઠમગૃહ ગોપાલ મંદિર વ્રજયાત્રા સમિતિના ચીમનભાઇ લાલજીભાઇ લોઢીયાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

(2:45 pm IST)