Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કાલે જીતુ મહેતાના નિવાસસ્થાને પરશુરામજીનું મહાપૂજન

ગામેગામ ધાર્મિક કાર્યક્રમો : અનેરા અવસરને ધામધૂમથી ઉજવવા ભૂદેવોમાં થનગનાટઃ રામનાથપરામાં પૂજન - અર્ચન - મહાઆરતી - બટુક ભોજન સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૭ : ભગવાન પરશુરામજીના આવતીકાલે જન્મોત્સવનો અનેરો થનગનાટ ભૂદેવોમાં જોવા મળી રહ્યો છે અને આવતીકાલે ઠેર-ઠેર ચિરંજીવ દેવ ભગવાન પરશુરામજીનું મહાપૂજન, શોભાયાત્રા, મહાઆરતી, યજ્ઞો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મઅગ્રણી જીતુભાઈ મહેતાના રામનાથપરા ખાતે આવેલ નિવાસસ્થાને ભગવાન શ્રી પરશુરામજીનું મહાપૂજન - અર્ચન તથા મહાઆરતીનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારથી ભગવાન શ્રી પરશુરામજીનું પૂજન કરવામાં આવશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી જીતુભાઇ મહેતા (મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧)એ જણાવ્યુ હતું કે પરશુરામ જન્મોત્સવ અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી સર્વધર્મ સમભાવના આશયથી અને સામાજીક સમરસતાનું સ્થાપન થાય તેવા હેતુથી પરશુરામ જન્મોત્સવના દિવસે મહાપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ, બ્રહ્મસમાજના તળગોળના આગેવાનો તથા બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહી આ પૂજન - અર્ચનનો લાભ લે છે. જેમાં જીતુભાઈ મહેતાના નિવાસસ્થાને માં ગાયત્રીનું ભવ્ય મંદિર આવેલ છે અને જેની સમીપમાં સ્વયંભુ રામનાથ મહાદેવ બિરાજે છે અને આમ છોટા કાશી ગણાતા આ રામનાથપરા શકિત અને ભકિતની સાથે ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવ્યુ છે ત્યારે પંચધાતુના ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તિનું શાસ્ત્રી રાહુલભાઈ ભટ્ટ અને ભૂદેવો દ્વારા સોળષોપચાર મંત્રોથી પૂજન - અર્ચન કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં બ્રહ્મપરીવારોને ઉપસ્થિત રહેવા જીતુ મહેતાએ જાહેર અનુરોધ કર્યો છે. (૩૭.૨)

(11:40 am IST)