Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૨૦મીએ ભારત બંધ, એક અફવા છેઃ મુસ્લિમ સમાજમાં ફેલાતા મેસેજને નકારતા ગોસલીયા

રાજકોટ, તા. ૧૬ :. 'વોટસએપ'માં સતત કોઈને કોઈ 'શહેર ૨૦મીએ બંધ છે' તેવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે ત્યારે જમીઅતે ઉલેમાએ હિન્દ-જૂનાગઢ શાખાના અગ્રણી અને ધી માંગરોળ બૈતુલમાસ ફંડના સેક્રેટરી અ. રજાક ગોસલીયાએ 'વોટસએપ'માં જ નિવેદન કરી 'ભારત બંધ'ની ખબર એક અફવા હોવાનું જણાવેલ છે.

શ્રી ગોસલીયાએ આ મેસેજમાં જણાવ્યુ છે કે, મુસ્લિમોની તમામ અગ્રણી સંસ્થાઓ જેમ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલ્માએ હિન્દ, જમીયતે અહેલે હદીષ, રઝા એકેડમી, જમાઅતે ઈસ્લામી હિન્દ, મજલીસે ઈત્તેહાદુલ મુસ્લીમીન, મુસ્લિમ લીગ કે અન્ય કોઈ જમાત કે સંસ્થાએ આ પ્રકારના કોઈપણ બંધનું એલાન કર્યુ નથી.

પ્રથમ કોઈએ એવી અફવા ફેલાવી કે ૨૯ એપ્રિલે ભારત બંધ છે પછી બીજી ખબર આવી કે ૨૦ એપ્રિલે ભારત બંધ છે. આ એક સાજીસ છે કેમ કે આસીફા અત્યાચાર અને હત્યાના પ્રકરણમાં સમગ્ર દેશ વિરોધ પ્રદર્શનમાં ડૂબેલ છે. મુસ્લિમોની સાથે સાથે દેશના અન્ય ગેરમુસ્લિમ ભાઈ-બહેનો અને બિરાદરાને વતન આ બાબતમાં સખ્ત વિરોધ નોંધાવી રહ્યા છે. આ વાતથી કેટલાક લોકો ઈચ્છી રહ્યા છ ેકે કોઈપણ ભોગે આ મામલાને હિન્દુ મુસ્લિમનો રંગ અપાઈ જાય.

આથી જ બંધની અફવા ફેલાવવામાં આવી રહી છે. એટલા માટે કે, મુસ્લિમ યુવાનો બંધ કરાવે અને જેથી કરીને આસીફા અત્યાચાર અને હત્યાના મામલા પરથી લોકોનું ધ્યાન હટાવીને મુસ્લિમોને બદનામ કરી શકાય અને આવનાર લોકસભા ચૂંટણીમા તેમની ઈચ્છા મુજબ ફાયદો ઉઠાવી શકાય.

આવા પ્રકારની અફવાઓને રોકવામાં આવે અને સંપૂર્ણ જવાબદારી અને ગંભીરતાથી આસિફા અને ઉન્નવ પીડીતાને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ શાંતિ અને અમન સાથે પ્રયત્નો ચાલુ રાખે તેવી અપીલ છે તેમ શ્રી ગોસલીયાએ જણાવ્યુ છે.

જો કે એ પહેલા સામાજીક એકતા જીંદાબાદના નામે ૨૦મીએ પોરબંદર-જામનગર બંધના એલાન અપાયા હતા. જેના સંદર્ભે અન્ય આવા કોઈ મેસેજ ફરતા ન થાય તે દરમિયાન શ્રી ગોસલીયાએ ભારત બંધની વાતને નકારી કાઢી છે.(૨-૧૩)

(2:45 pm IST)