News of Monday, 16th April 2018

સુથાર નવદંપતિ જીતેન્દ્ર-ધર્મિષ્ઠાનું 'હિટ એન્ડ રન'માં મોત

વાંકાનેરનો ગુર્જર સુથાર યુવાન જીતેન્દ્ર ધ્રાંગધરીયા (ઉ.૨૫) આજે સુથારી કામમાં અમાસને કારણે રજા હોઇ પત્નિ ધર્મિષ્ઠા (ઉ.૨૨)ને બાઇકમાં બેસાડી રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ રહેતાં સાસુ-સસરાના ઘરે આટો મારવા આવી રહ્યો'તોઃ કુવાડવાના જીયાણા પાસે અજાણ્યો વાહનચાલક બાઇકને ઉલાળી ભાગી ગયોઃ પરિવારજનોમાં શોકની કાલીમાઃ ૨૯-૧-૧૮ના રોજ જેના લગ્નની શરણાઇઓ ગુંજી ઉઠી હતી આજે એ દંપતિના મરશીયા ગવાયા

સુથાર પરિવારો  પર વજ્રઘાતઃ ઘટના સ્થળે મૃતદેહ, એકઠા થયેલા લોકો, મૃતક જીતેન્દ્રનું બાઇક નં. જીજેએચજી-૪૯૨૭ તથા નીચેની તસ્વીરમાં કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલા બંને પતિ-પત્નિના નિષ્પ્રાણ દેહ અને તેના ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ રમેશભાઇ સોઢા-કુવાડવા)

રાજકોટ તા. ૧૬: કુવાડવા વાંકાનેર હાઇવે પર આજે જાણે કાળએ ડેરાતંબુ તાણ્યા હોઇ તેમ સવારે વાંકાનેરના ગારીડા પાસે ઇકો કાર પલ્ટી મારી જતાં જામનગરના બ્રાહ્મણ પરિણીતા અને કારચાલક તારાપુરના યુવાનના મોત નિપજ્યા હતાં. ત્યાં બપોરે કુવાડવાના જીયાણા પાસે 'હિટ એન્ડ રન'ના બનાવમાં વાંકાનેરના ગુર્જર સુથાર નવદંપતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. કોઇ વાહનનો ચાલક બાઇકને ઠોકર લઇ ભાગી જતાં બાઇકસ્વાર સુથાર યુવાન અને તેના પત્નિ ફંગોળાઇ જતાં બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. કરૂણતા એ છે કે હજુ ત્રણ માસ પહેલા જ આ બંને લગ્ન બંધને બંધાયા હતાં. સુથારી કામ કરતાં યુવાનને આજે અમાસની રજા હોઇ જેથી તે પત્નિને બાઇકમાં બેસાડી તેણીના માવતરે અને પોતાના સાસુ-સસરાના ઘરે આંટો મારવા આવી રહ્યો હતો. પણ કોઇને કયાં ખબર હતી કે આ બંનેને રસ્તામાં કાળ ભેટી જશે!

કલ્પાંત મચાવતા આ બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરામાં રહેતો જીતેન્દ્ર સંજયભાઇ ધ્રાંગધરીયા (ઉ.૨૫) નામનો સુથાર યુવાન બપોરે પોતાના બાઇકમાં ધર્મપત્નિ ધર્મિષ્ઠા જીતેન્દ્ર (ઉ.૨૨)ને બેસાડીને રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં પોતાના સસરા નિલેષભાઇ વડગામાના ઘરે આંટો મારવા આવી રહ્યો હતો. આ વખતે કુવાડવાના જીયાણા નજીક કોઇ અજાણ્યા વાહનનો ચાલક બાઇકને ટક્કર મારી ભાગી જતાં પતિ-પત્નિ બંને રોડ પર ફંગોળાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં.

બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. વી. પી. આહિર, હેડકોન્સ. રાજેશભાઇ સોલંકી, મહાવીરસિંહ, કિશનભાઇ, હિતેષભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં કરૂણ વિગતો બહાર આવી હતી. અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા જીતેન્દ્ર અને ધર્મિષ્ઠાના ત્રણ માસ પહેલા જ એટલે કે તા. ૨૯-૧-૧૮ના રોજ લગ્ન થયા હતાં.

જીતેન્દ્ર બે ભાઇમાં મોટો હતો. તેના નાના ભાઇનું નામ સુનિલ છે. જીતેન્દ્ર, તેના પિતા સંજયભાઇ અને ભાઇ સુનિલ એક ત્રણેય સુથારી કામ કરે છે. અમાસ હોઇ ત્યારે સુથારી કામ કરતાં કારીગરો રજા પાળતાં હોય છે. એ કારણે આજે જીતેન્દ્રએ કામમાં રજા રાખી હોઇ તેના પત્નિને લઇ રાજકોટ સાસુ-સસરાને મળવા જવાનું નક્કી કરી બંને વાંકાનેરથી નીકળ્યા હતાં. પણ રસ્તામાં બંનેને ભોગ લેવાઇ ગયો હતો. ત્રણ માસ પહેલા જેના લગ્નની શરણાઇઓ ગુંજી હતી તેના આજે મરશીયા ગાવાની વેળા આવતાં ધ્રાંગધરીયા અને વડગામા પરિવાર પર વજ્રઘાત થયો છે.

જીતેન્દ્રનો એક હાથ નોખો થઇ ગયોઃ પત્નિ દૂર સુધી ઢસડાઇઃ માથું છુંદાઇ ગયું

. અકસ્માત એટલો ગંભીર હતો કે જીતેન્દ્ર ફંગોળાયા બાદ તેનો ડાબો હાથ કોણી પાસેથી કપાઇને નોખો ગઇ ગયો હતો. તો તેના પત્નિ ધર્મિષ્ઠા છેક દૂર સુધી ઢસડાઇને ફેંકાઇ જતાં તેનું પણ ઘટના સ્થળે  મોત નિપજ્યું હતું. પત્નિનું માથું છુંદાઇ ગયું હતું. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

(4:16 pm IST)
  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST