Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગેંગરેપનો ભોગ બનેલી ૧૧ વર્ષની બાળાએ ખોડખાપણ વાળી દિકરીને જન્મ આપ્યો

પોલીસે આ ગુનામાં એક સગીર સહિત કુલ છને પકડ્યાઃ ગઇકાલે પકડાયેલા ગોવિંદ સાકરીયા (પટેલ)ની ઉમર ૬૧ વર્ષઃ મિત્ર નાનજી કડીયાની ઘરે જ ન કરવાનું કર્યુ હતું: જન્મેલી બાળકીનો પિતા કોણ? ડીએનએ રિપોર્ટની જોવાતી રાહઃ જન્મ આપનાર સગીરાની હાલત ભયમુકત

રાજકોટ તા.૧૭: અગિયાર વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના બનાવમાં પોલીસે ગઇકાલે છઠ્ઠા આરોપી ગોવિંદ દેવરાજભાઇ સાકરીયા (ઉ.૬૧)ની પણ ધરપકડ કરતાં આરોપીઓનો આંક છ થયો છે. આમાં એક સગીર પણ સામેલ છે. બીજી તરફ ગેંગરેપનો ભોગ બનેલી બાળકીએ આજે બપોરે સિજેરીયન ડિલીવરીથી બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકી ખોડખાપણવાળી જન્મી હોઇ અને ગંભીર હાલતમાં હોઇ કાચની પેટીમાં રાખવામાં આવી છે. જન્મ આપનાર સગીરાની હાલત ભયમુકત ગણાવાઇ રહી છે.

આ ગેંગરેપની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતાં. અગાઉ એક સગીર સહિત ચાર આરોપી પકડાયા પછી પરમ દિવસે સાંજે પાંચમા આરોપી વિપુલ ઉર્ફ હિપુલ કાંતિલાલ ચાવડા (કડીયા) (ઉ.૪૦)ને પકડી લીધો હતો અને ગઇકાલે સાંજે ગોવિંદ દેવરાજભાઇ સાકરીયા (ઉ.૬૧) નામના પટેલ વૃધ્ધને પકડ્યો છે. આ વૃધ્ધે એવુ કબુલ્યું હતું કે પોતે મિત્ર નાનજી કડીયાની ઘરે અવાર-નવાર જતો હતો ત્યારે સગીરાને ત્યાં ઘણીવાર જોતો હતો. તેણે નાનજીના કહેવાથી ન કરવાનું કર્યુ હતું.  બાળા નવ વર્ષની હતી ત્યારે પણ તેને હવસનો શિકાર પકડાયેલા પૈકીના વિપુલે બનાવી હતી.

ભોગ બનેલી ૧૧ વર્ષની બાળાના ઉદરમાં આઠ માસનો ગર્ભ હોઇ તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ હોસ્પિટલના વડા ડો. કમલ ગોસ્વામીએ આ બાળાને જોખમી માતાની કેટગરીમાં મુકી હતી. તેની ડિલીવરી એ તબિબો માટે જટીલ પ્રશ્ન બની ગયો હતો. દરમિયાન આજે નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટની ટીમોએ સિજેરીયનથી ડિલીવરી કરાવી હતી. ભોગ બનનાર બાળકીને ખોડખાપણયુકત બાળાને જન્મ આપ્યાનું જાણવા મળ્યું છે. જન્મનાર બાળકીનું માથુ ત્રાસુ છે, કરોડરજ્જુ અલ્પ વિકસીત છે. બંને પગ ઉંધા છે. તેણીને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાચની પેટીમાં રખાઇ છે. ડિલીવરી વખતે તપાસનીશ પી.એસ.આઇ. આઇ.એમ. ઝાલા, રાઇટર હાજીભાઇ તથા મહિલા પોલીસનો સ્ટાફ હોસ્પિટલે હાજર રહ્યો હતો. (૧૪.૧૩)

(5:02 pm IST)