Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

યાર્ડની આગ...૨૦ કોથળા ભરીને એફએસએલએ નમૂના એકઠા કર્યાઃ સાડા ત્રણ કલાક પંચનામુ ચાલ્યું

આજે પાંચમા દિવસે પણ ફાયર બ્રિગેડના પાંચ બંબા લબકારા બુઝાવવાની કામગીરીમાં યથાવતઃ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ગાંધીનગર લેબમાં મોકલાશેઃ શેડનું સમગ્ર વાયરીંગ પણ કબ્જે લેવાયું

રાજકોટ તા. ૧૭: જુના માર્કેટ યાર્ડમાં મંગળવારે સાંજે બારદાનના જથ્થામાં લાગેલી આગના લબકારા બુઝાવવા આજે પાંચમા દિવસે સવારે પણ ફાયર બ્રિગેડના પાંચ બંબા પાણીનો મારો ચલાવી રહ્યા છે. બીજી તરફ પોલીસ અને કલેકટર તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આગ લાગી કે લગાડાઇ? તેની તપાસ થઇ રહી છે. પરંતુ આજ સુધી કોઇ તારણ નીકળ્યું નથી. ગઇકાલે બપોરે એફએસએલ અધિકારી અને ટૂકડીએ પોલીસ અધિકારીઓને સાથે રાખી નમૂના લેવા કાર્યવાહી કરી હતી. ખાતર ભરવાની ૨૦ મોટી થેલીઓ ભરીને નમુલા લેવામાં આવ્યા હતાં. પોલીસે સાડા ત્રણ કલાક સુધી પંચનામુ કર્યુ હતું. કાળી બંડે પહેરેલો શખ્સ બ્લુ રંગની તાલપત્રી ઉંચી થાય છે અને બહાર નીકળી આગ લાગ્યાની સિકયુરીટીમેનને જાણ કરે છે તેવું સીસીટીવી ફૂટેજમાં દેખાતું હોઇ પોલીસ આ બંડીધારીને શોધી રહી છે. પણ તેનો પત્તો મળ્યો નથી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે પરમ દિવસે ઘટના સ્થળે વિઝીટ કરી જરૂરી સુચના આપી હતી. એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. આર. એસ. ઠાકર અને ડી. સ્ટાફની ટીમે ગઇકાલે બપોરે પંચનામુ શરૂ કર્યુ હતું. જે સાંજના સાડા સાત સુધી ચાલ્યું હતું. સાથે એફએસએલ અધિકારી શ્રી ચાવડા અને તેમની ટીમ પણ તપાસાર્થે અને નમુના લેવા પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ ૧૫૦ મીટર લાંબા શેડમાંથી વીસ મોટી થેલીઓ-કોથળા ભરાય એટલા નમુના પરિક્ષણ માટે એકઠા કરીને લઇ જવાયા છે. જેમાં બળેલા કોથળા, બચી ગયેલા કોથળા, સમગ્ર શેડનું બળેલુ, અર્ધબળેલુ ઇલેકટ્રીક વાયરીંગ સહિતની ચીજવસ્તુઓ લેબોરેટરીમાં તપાસ માટે લઇ જવામાં આવી છે.

પોલીસે ૨૬ સીસીટીવી કેમેરાનું ડીવીઆર જપ્ત કર્યુ છે. આ ડીવીઆરને પણ ગાંધીનગર એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે. તેમજ રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજ સાથે કોઇ ચેડા તો નથી થયા ને? તે જાણવા સમગ્ર બેકઅપ લેવડાવવા કાર્યવાહી કરવામાં આવશે. આગ લાગી કે લગાડાઇ તે હજુ સ્પષ્ટ થયું નથી અને બંડીવાળો શખ્સ કે જે કંઇક જાણતો હોવાની શકયતા છે એ પણ મળ્યો ન હોઇ આગ લાગ્યાના પાંચમા દિવસે પણ રહસ્ય અકબંધ રહ્યું છે. અંદાજે ૧૭-૧૮ કરોડાના બારદાન ખાક થઇ ગયાની આ ઘટનામાં એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. આર. એસ. ઠાકર,  પી.એસ.આઇ. પટેલ, પી.એસ.આઇ. સાકરીયા, મહેશગીરી, વિરમભાઇ ધગલ, અજીતભાઇ, કયાબેન ચોટલીયા, નિશાંતભાઇ, મહેશ મંઢ, મહેશ ચાવડા, દેવેન્દ્રસિંહ, એભલભાઇ બરાલીયા, જે. પી. મેવાડા, ચંદ્રસિંહ  સહિતની ટીમ તપાસ કરી રહી છે.

'બંડીધારી' કેમ સામેથી આવતો નથી?

આગ લાગી કે લગાડાઇ? એ રહસ્ય ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે ત્યારે એ બંડીધારી મજૂરને પોલીસ શોધી રહી છે. જો એ શખ્સ ખરેખર કંઇ જાણતો ન હોય તો તે શા માટે ભય અનુભવી રહ્યો છે? શા માટે તે પોલીસની સમક્ષ હાજર થઇ પોતે જે જોયું તે જણાવતો નથી? એ પણ હકિકત છેપરંતુ જો ખરેખર આવું હોય તો એ બંડીધારી શખ્સ શા માટે સામેથી પોલીસ સમક્ષ આવતો નથી? એ પણ સવાલ છે.

૧૫૦ મીટર લાંબા શેડમાં ચોથા પીલર પાસેથી આગ ભભૂકયાનું પ્રાથમિક તારણ

પોલીસે ગઇકાલે સાડા ત્રણેક કલાક પંચનામુ કર્યુ હતું. સાથે એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી નમુના લીધા હતાં. દોઢસો મીટર લંબાઇના આ શેડમાં ચોથા પીલર પાસેથી આગની શરૂઆત થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. કારણ કે એ ભાગમાં સોૈથી વધુ નુકસાન થયું છે. ત્યાંથી આગ આગળ વધી બારદાનના સમગ્ર જથ્થામાં ફેલાઇ ગયાનું જણાય છે.

એ બંડીધારી અંદર સુતો હતો, તાપ લાગતાં ભાગ્યાનું અનુમાન

પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે સીસીટીવી ફૂટેજમાં બંડી પહેરેલો મજૂર જ્યાંથી નીકળ્યો એ જગ્યાએ અઢી ફુટ જેટલી જગ્યા ખાલી રહે છે અને ત્યાં મજૂરો અવાર-નવાર આરામ કરવા માટે સુતા હોય છે. જે બંડીવાળો ત્યાંથી નીકળ્યો એ પણ ત્યાં આરામ કરવા ગયો હશે. તાપ લાગતાં તે ઉઠીને ભાગ્યો હશે અને સિકયુરીટી ગાર્ડને જાણ કરી હશે તેમ બની શકે. આ પણ પોલીસનું અનુમાન છે.

મજૂરો 'બંડી' પહેરતાં બંધ થઇ ગયા

યાર્ડમાં કોથળાનો જથ્થો એક જગ્યાએથી ઉઠાવીને ગાડીમાં ચડાવવાની મજૂરી કરતાં મજૂરો પોતે પહેરેલો શર્ટ ખરાબ ન થાય એ માટે કાળી બંડી પહેરતાં હોય છે. સીસીટીવી ફૂટેજમાં શેડમાંથી આવો બંડીધારી બહાર નીકળે છે પછી આગ લાગે છે તેવું દર્શાયું હોઇ પોલીસે આવી બંડીઓ પહેરતા મજુરોને પુછતાછ માટે શોધી લાવી હતી અને પુછતાછ કરી હતી. જો કે આ મજૂરોએ પોતે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. બીજી તરફ અમુક મજૂરોએ પોતાની પુછતાછ થશે તો? તેમ વિચારી કાળી બંડી પહેરવાનું પણ બંધ કરી દીધાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે કોઇની પણ કારણ વગર પુછતાછ કરી નથી. બંડીધારીની માહિતી કોઇપણ મજૂર પાસે હોય તો તે નિર્ભીક બની પોલીસને આપવી જોઇએ.

કલેકટર તંત્ર દ્વારા અલગથી તપાસ

આગની આ ઘટનામાં પોલીસ તો તપાસ કરી જ રહી છે. સાથોસાથ કલેકટર તંત્ર દ્વારા પણ અલગથી તપાસ થઇ રહી છે. ગઇકાલે ડે. કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ પણ પંચનામુ કરવા આવી હતી.

(2:05 pm IST)